મુંબઇના કાંદિવલી પૂર્વમાં લોખંડવાલા ટાઉનશીપ તરફ જતા મુસાફરોને આકુર્લી રોડ પર લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. માત્ર 10 મિનિટની ડ્રાઈવ માટે આ રોડ પરના ટ્રાફિકને કારણે લગભગ અડધો-પોણો કલાક થઈ જાય છે. BKC/દક્ષિણ મુંબઈથી આવતી વખતે, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી બહાર નીકળતી વખતે અને આકુર્લી રોડ, કાંદિવલી ઈસ્ટ ખાતે લોખંડવાલા ટાઉનશીપ તરફ જતી વખતે, જમણા વળાંકને રોકવા માટે અંડરપાસ પર તાજેતરમાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે. આને કારણે, મુસાફરોએ યુ-ટર્ન લેવા માટે આગળ જઇ ડાબો વળાંક લેવો પડે છે, જેને કારણે પહેલેથી જ ગીચ આકુર્લી રોડ પર બંને બાજુએ લાંબો ટ્રાફિક જામ થાય છે.
કાંદિવલી પશ્ચિમથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને ઠાકુર ગામ/લોખંડવાલા ટાઉનશિપ જેવા વિસ્તારોમાં પહોંચવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ થાય છે. જેના કારણે ટ્રાફિકમાં વધુ વધારો થાય છે.
સ્થાનિક રહેવાસીઓ અને સ્વયંસેવક જૂથો આકુર્લી રોડ પર વધતા ટ્રાફિક અને ટ્રાફિક વ્યવસ્થાપનના અભાવ વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક સત્તાવાળાઓના બહેરા કાને આ વાત અથડાય છે. આકુર્લી રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ ને વધુ ખરાબ થઈ રહી છે. ભીડને કારણે બાળકોને પરીક્ષામાં મોડું થાય છે લોકોને ઑફિસ અને કામકાજના સ્થળે પહોંચવામાં મોડુ થાય છે.
કાંદિવલી પૂર્વમાં આકુર્લી રોડ કાંદિવલી રેલ્વે સ્ટેશનને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડે છે. આ રસ્તો ઠાકુર ગામ અને લોખંડવાલા ટાઉનશિપ જેવા કેટલાક રહેણાંક વિસ્તારોને પણ જોડે છે, જેની વસ્તી લગભગ 3-4 લાખ છે. સાંચાઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને વિઘ્નહર્તા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ આ રોડ પર આવેલી છે, પણ ટ્રાફિક જામને કારણે સમયસર તબીબી સહાય ન મળવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
રોજિંદા ટ્રાફિકની ભીડ અવાજ અને વાયુ પ્રદૂષણનું કારણ બની રહી છે જે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓની જીવનશૈલી અને આરોગ્યને પણ અસર કરી રહી છે.
આકુર્લી માર્ગના મુસાફરોની આ રોજિંદી સમસ્યાઓને ઉકેલવા માટે સ્થાનિક સત્તાવાળાઓએ લોકો સાથે મળીને કામ કરવું જોઈએ, એવી લોકોની માગ છે.