છેલ્લાં કેટલાંય સમયથી પૂણેમાં ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે. ત્યારે હવે વૈશ્વિક સ્તરે ટ્રાફિક જામમાં પૂણે છઠ્ઠાં ક્રમાંકે છે તેવું એક સર્વેમાં જાણવા મળ્યું છે. રહેવા માટે ઉત્તમ અને એજ્યુકેશન હબ તરીકે જાણીતું પૂણે ટ્રાફિક જામ અંગેના સર્વેમાં વિશ્વમાં છઠ્ઠાં ક્રમાંકે આવતા હવે પૂણેકરોની ચિંતા વધી ગઇ છે. આવનાર દિવસોમાં પૂણેમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બનવાની શક્યતાઓ વધી ગઇ છે.
વિશ્વના વિવિધ દેશોના મોટા શહેરોમાં ટ્રાફિક જામનો સર્વે કરી એક ખાનગી કંપની દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ટોમ ટોમ આ કંપની દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર ભારતના બે શહેરોમાં સૌથી વધુ ટ્રાફિક જામની સમસ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જેમાં પૂણે છઠ્ઠાં ક્રમાંકે જ્યારે દિલ્હી સાતમાં ક્રમાંકે છે. પૂણેમાં દિવસે દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે. ઉપરાંત ટ્રાફિક જામની સમસ્યા પણ વધી રહી છે. પૂણેના લોકો આ ટ્રાફિક જામને કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે.
ત્યારે પ્રશ્ન વારંવાર આવે છે કે આખરે આ સમસ્યાનું નિરાકરણ શું? તેના માટે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારો અને પાયાભૂત સુવિધઓમાં સુધારો કરવો પડશે. સાઇકલીંગ જેવા પર્યાયને પ્રોત્સાહન આપવું પડશે. ભીડવાળી જગ્યાઓ પર ટ્રાફિક નિયમન સેવા પર વધુ ભાર આપવો વગેરે જેવા ઉપાયો કરવાની જરુર છે. એવું આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે.
અત્રેઉલ્લેખનીય છે કે પૂણેમાં છેલ્લાં કેટલાંય દિવસોથી મેટ્રોનું કામ પણ ચાલી રહ્યું છે. તેને કારણે પણ ઘણી જગ્યાએ જામ લાગે છે. આ સંસ્થા દ્વારા 10 કિલો મિટરનું અંતર કાપવા માટે લાગનારા સમય પરથી નિષ્કર્ષ કાઢ્યો છે. પૂણેમાં 10 કિલો મિટરનું અંતર કાપવા માટે 27 મિનિટનો સમય લાગે છે તેવું નિષ્કર્ષ આ સર્વેમાંથી આવ્યું છે.
પૂણેમાં હાલમાં લગભગ 45 લાખ વાહનો છે. જેમાં 8 લાખ કાર અને ઘરમાં દરેક પાસે ટુવ્હિલર હોવાથી તેની સંખ્યા બહુ છે. લગભગ 35 લાખ કરતાં વધારે ટુવ્હિલર પૂણેમાં છે. એમાં પાછા પૂણેના લોકો ખાનગી વાહનોનો વધુ ઉપયોગ કરે છે. એમાં પણ PMPMLની પરિસ્થિતિ, તેના માર્ગ, ઓવર બ્રિજની ચાલી રહેલી કામગીરી અને સૌથી મહત્વનું એટલે આખા શહેરમાં પૂરજોશમાં ચાલી રહેલ મેટ્રોનું કામ. જેને કારણે ઘણાં રસ્તા અવર-જવર માટે બંધ કરવામાં આવ્યા છે. આ કારણોસર પૂણેમાં ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. વાત જો વિશ્વસ્તરની કરીએ તો ટ્રાફિક જામની બાબતે બ્રિટનની રાજધાની લંડન પહેલાં ક્રમાંકે છે.