શનિવારે એક 22 વર્ષનો યુવાન જે ડ્રગ્સના નશામાં ધૂત હોવાનું કહેવાઇ રહ્યું છે તેણે એક ટ્રાફિક પોલીસને કારના બોનેટ પર 20 કિલોમીટર સુધી ઢસડ્યો હતો. આ ઘટના નવી મુંબઇના સૌથી વ્યસ્ત એવા પામ બિચરોડ પર ઘટી હતી. પોલીસ દ્વારા યુવક પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી આદિત્ય બેન્ડેએ વાશી પાસે સિગ્નલ તોડ્યું હતું. તેથી ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ સિદ્ધેશ્વર માળીએ પકડવાનો પ્રયત્ન કર્યો હતો. માળીએ આદિત્યની કારને હાથ બતાવી તેની સામે ઊભા રહી કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. કાર ધીમી કરવાની જગ્યાએ આદિત્યએ કાર પૂરજોશમાં ભગાવી અને તે ટ્રાફિક પોલીસ સિદ્ધેશ્વર માળીને તેના બોનેટ પર લગભગ 20 કિલોમીટર સુધી ઢસડી ગયો હતો.
View this post on Instagram
આખરે ગવ્હાન ફાટા પાસે વાહનોને રોકવા માટે કન્ટેનર મૂકવામાં આવ્યા હતાં ત્યાં ટ્રાફિક પોલીસને આદિત્યને રોકવામાં સફળતાં મળી હતી. કાર રોક્યા બાદ પોલીસને ખબર પડી કે આદિત્યએ ડ્રગ્સનું સેવન કર્યું છે. તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ઇન્ડિયન પિનલ કોડ સેક્શન 307 (અટેમ્પ્ટ ટુ મર્ડર) અને 279 (રેશ ડ્રાઇવિંગ)નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.