કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક
જયારે રણવીર સિંહ સ્કર્ટ પહેરીને કોઈ પાર્ટીમાં આવે એટલે સોશિયલ મીડિયામાં કેવો હંગામો થઇ જાય! ‘હાય હાય, રણવીરે આ શું વેશ કાઢ્યા છે!’, ‘પોતાની પત્નીનું સ્કર્ટ પહેરીને આવ્યો’ થી લઈને જાતીય કમેન્ટ પણ જોવા, સાંભળવા મળે.
પિન્ક કલરનું શર્ટ પહેરીને તમે બહાર નીકળો અને કોઈ તમને કમેન્ટ કરે કે આવો છોકરીનો કલર કેમ પસંદ કર્યો? કોઈ કેમ, કદાચ પરિવારમાંથી જ કોઈ આવી કમેન્ટ કરી શકે. છોકરો રડતો રડતો ઘરે આવે તો મમ્મી કહે, ‘આ શું છોકરીની જેમ રડવા બેઠો!’, આ અને આવું કેટલુંય પુરુષોએ બાળપણથી લઈને અત્યાર સુધી અનેક વાર સાંભળ્યું હશે. આ છે, સમાજમાં વ્યાપેલી ટોક્સિક મસ્ક્યૂલિનિટી.
ટોક્સિક મસ્ક્યૂલિનિટી એવું દબાણ છે, જે પુરુષોને એક ચોક્કસ રીતે વિચારવા અને વર્તવા મજબૂર કરે છે, જેમાં સામાજિક અને સાંસ્કૃતિક દબાણનો પણ સમાવેશ થાય છે. તે માત્ર વિચાર અને વર્તન પૂરતી માર્યાદિત ન રહેતા તેમના પહેરવેશ અને લાગણીઓને પણ પ્રભાવિત કરે છે.
પતલા હોવું, કોમળ હોવું (શરીરથી કે મનથી), લાગણીશીલ હોવું એ ‘મર્દ’ની નિશાની નથી એવું ઠસાવી દેવામાં આવે છે. અમુક રંગ તો માત્ર સ્ત્રીઓ જ પસંદ કરે, આવું શરીરતો સ્ત્રીનું જ હોય, ચોધાર આંસુએ પુરૂષો ન રડે, વગેરે વગેરે. આવી વાતો પુરુષોને તેમની કુદરતી લાગણીઓ, વ્યવહારો, ભાષા, પહેરવેશ બધીજ
વસ્તુનું દમન કરાવડાવે છે. તેના પરિણામે વ્યક્તિ મનોરોગી બની શકે છે. તે ન
માત્ર તેના પોતાના માટે, પરંતુ તેના પરિવાર અને સમાજ માટે પણ ઘાતક સાબિત થઇ શકે છે.
શું છે ટોક્સિક મસ્ક્યૂલિનિટી?
ટોક્સિક મસ્ક્યૂલિનિટીનો અર્થ માત્ર ‘પુરુષ જેવું’ વર્તન કરવું નહીં, તેના બદલે, તેમાં આત્યંતિક દબાણનો સમાવેશ થાય છે. પુરુષોને એક ચોક્સ પ્રકારે વર્તન કરવા, બોલવા, પહેરવા, ચાલવા કે શરીર રાખવા માટે મજબૂર કરે છે. જે કેટલાક પુરુષો ખરેખર હાનિકારક સાબિત થઇ શકે છે. હકીકતમાં સમાજ અને પરિવાર પહેલા તેનો શિકાર પુરુષ સ્વયં બને છે.
‘મર્દ કો દર્દ નહીં હોતા …, મહેનત કરવાનું કામ પુરુષોનું છે …, વંશને આગળ ધપાવવા માટે પુત્ર જરૂરી છે… માત્ર પુરુષ જ ઘર ચલાવે છે…, સ્ત્રી દાસી છે અને પુરુષ તેનો સ્વામી છે… અને ન જાણે કેટલી બધી એવી વાતો અને પુરુષોની સર્વોપરિતાનો દાવો કરતા આવા વિચારો આજે પણ આપણા સમાજમાં સ્વીકારવામાં આવે છે. વર્ષ ૨૦૧૮માં ખયજ્ઞિંજ્ઞ ચળવળ દરમિયાન, આ વિચારને ‘ટોક્સિક મસ્ક્યૂલિનિટી’ કહેવામાં આવ્યું હતું. ટોક્સિક શબ્દનો અર્થ જ ‘ઝેરીલું’
થાય છે.
ટોક્સિક મસ્ક્યૂલિનિટી એ વર્તણૂકો અને વલણોનો સમૂહ છે જે સાંસ્કૃતિક રીતે પુરુષો સાથે સંકળાયેલા છે અથવા તેની અપેક્ષા છે. એક માણસને એવી રીતે વ્યાખ્યાયિત કરવાનો અર્થ છે કે જે શક્તિનો દાવો કરવા માટે તાકાત, વીરતા અને સર્વોપરિતા પર ભાર મૂકે છે. સાદી ભાષામાં સમજી શકાય કે તે મહિલાઓને કમજોર બનાવવાનો અને પુરુષોને શક્તિ આપવાનો વિચાર છે. ‘ટોક્સિક મર્દાનગી’ શબ્દ ‘પુરૂષત્વ’ ની સમાજની પિતૃસત્તાક વ્યાખ્યામાંથી ઉદ્દભવે છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પુરુષોએ તેમના પુરુષત્વનું પ્રદર્શન એ રીતે કરવું જોઈએ કે તે મક્કમતા અને નારીવિરોધી દેખાય. પુરૂષોએ હંમેશાં મુશ્કેલ કાર્યો હાથ ધરવાં જોઈએ, ખાસ કરીને સ્ત્રીઓ અને અન્ય લિંગોની સરખામણીમાં જેમને ‘નબળા અને લાગણીશીલ’ ગણવામાં આવે છે.
પુરૂષત્વ પોતે ‘ઝેરી’ નથી, પરંતુ ‘મર્દાનગી’ તરીકે ઓળખાતી કેટલીક સામાજિક રીતે પ્રતિગામી (યિલયિતતશદય) ગુણધર્મો પુરુષો અને સમાજને મોટા પ્રમાણમાં અસર કરે છે, જે ‘ટોક્સિક મસ્ક્યૂલિનિટી’ તરફ દોરી જાય છેની અભિવ્યક્તિ છે.
‘ટોક્સિક મસ્ક્યૂલિનિટી’ ની ઘણી વ્યાખ્યાઓ છે જે સંશોધન તેમજ પોપ કલ્ચરમાં દેખાય છે. કેટલાક સંશોધકો સંમત થયા છે કે ટોક્સિક મસ્ક્યૂલિનિટીમાં ત્રણ મુખ્ય ઘટકો છે:
કઠોરતા
એક એવી માન્યતા રૂઢ કરવામાં આવી છે કે પુરુષોએ શારીરિક અને ભાવનાત્મક રીતે કઠોર, આક્રમક, લડવૈયા હોવું જોઈએ અથવા બનવું જોઈએ.
કઠોરતાની વાત આવે ત્યારે પુરુષો પાસેથી કઠોર અથવા રુક્ષ વ્યવહાર, સમાજમાં પુરુષાતન અથવા મર્દાનગી ગણાય છે. પતિ પોતાની પત્ની સાથે, ભાઈ પોતાની બહેન સાથે પણ કઠોર વ્યવહાર કરે. દીકરી ફરિયાદ કરે તો મા તેને સમજાવે, કે એ તો છોકરો છે. છોકરાઓ તેવા જ હોય! એટલી હદ સુધી કે પરિવારમાં પ્રિયજનનું મૃત્યુ થાય તો તેને મોકળા મનથી રડવાની પણ મનાઈ!
સ્ત્રી વિરોધી
અહીં માત્ર સ્ત્રી એક વ્યક્તિ તરીકે નહીં, પણ ‘સ્ત્રૈણ’ ગણાતી બધી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, પછી તે, રંગ, વર્તન, પોશાક, લાગણી, કંઈપણ હોય. દાખલા તરીકે સરળતાથી પોતાની લાગણીઓ વ્યક્ત કરવી અથવા અન્યોની મદદનો સ્વીકાર કરવો.
કોઈ પણ પુરુષ જે શારીરિક રીતે કોમળ હોય, પાતળા બાંધાનો હોય તો તેને ‘સ્ત્રી જેવો’ કહેવાય છે. જે છોકરા કે પુરુષના વાણી કે વર્તનમાં કોમળ હોય તો તેને ‘બાયલા જેવો’ કહીને તે ‘પુરુષ’ જેવો નથી ની ભાવના તેના મનમાં ઊભી કરાય છે. એટલે એક રીતે કહેવાનો મતલબ એ કે સ્ત્રી કે સ્ત્રૈણ હોવું એ તમારામાં કોઈ ઊણપ છે.
કોમળતાને સીધી નિર્બળતામાં ખપાવી દેવાય, રુદનને ભાવનાત્મક નબળાઈમાં ખપાવી દેવાય. વર્ષો સુધી એ માન્યતા શીખવવામાં આવી કે અમુક કાર્યો તો સ્ત્રી ન જ કરે. જેમકે, પોલીસ બનવું એ તો તાકાત અને શક્તિનું કામ, એટલે પુરૂષોનું. શરમાળ તો છોકરીઓ જ હોય, છોકરા તો ‘બિન્દાસ’ હોવા જોઈએ.
અને હા, સ્ત્રી કરતાં ચડિયાતા હોવાની ભાવના, સ્ત્રીએ પુરુષને આધીન રહેવું જોઈએ તેવી માન્યતા, સ્ત્રીએ ‘મર્યાદા’માં રહેવું જોઈએ તેવા વિચારો પણ ખરા.
શક્તિ અથવા પાવર
એવી એક ધારણા બાંધી દેવાઈ છે કે પુરુષોએ તાકાત કે દરજ્જો (સામાજિક કે આર્થિક) પ્રાપ્ત કરવા તરફ કામ કરવું જોઈએ, જેથી અન્યો તેને સમ્માનથી જુએ.
ઘર હોય કે સરકાર, સત્તા, નિર્ણય, સંચાલન તો પુરુષના જ હાથમાં હોવા જોઈએ. કારણ, સ્ત્રીએ માત્ર પુરુષોને અનુસરવાનું હોય છે. પોતાને શક્તિશાળી સાબિત કરવા માટે અન્ય ઉપર તાકાતનો ઉપયોગ કરીને તેમને પ્રતાડિત કરવામાં પણ છોછ ન હોય. પુરુષનું શરીર સૌષ્ઠવ સારું હોય તો જ એ ‘પુરુષ’ જેવો લાગે! તે તાકાતવાન જ હોવો જોઈએ. તેનું વર્ચસ્વ હોવું જોઈએ. જે પુરુષ પોતાની શક્તિ કે વર્ચસ્વ ન બતાવી શકે તેની ‘મર્દાનગી’ને સમાજ શંકાની નજરે જુએ.
આ સિવાય પણ ટોક્સિક મસ્ક્યૂલિનિટીના અન્ય પાસાઓ અને જે પુરુષો તેનાથી છૂટવા માગતા હોય તેમણે શું કરવું જોઈએ તેના વિશે વધુ આવતા અંકે ચર્ચા કરીશું.