બાળ વાઘ ‘જય’ અને ‘રુદ્ર’ની જોડી સાથે જ પૅંગ્વિનનું આકર્ષણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વેકેશનમાં બાળકોને મજા પડી જવાની છે. ભાયખલામાં આવેલા રાણીબાગમાં પર્યટકોને હવે બાળ વાઘ ‘જય’ અને ‘રુદ્ર’ની જોડીની સાથે જ ત્રણથી આઠ મહિના પહેલા જન્મેલા ત્રણ બાળ પૅંગ્વિન સહિત કુલ ૧૫ પૅંગ્વિન જોવા મળવાના છે.
ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન-પ્રાણીસંગ્રહાલયમાં બેંગાલ ટાયગરની જોડી ‘શક્તિ’ અને ‘કરિશ્મા’ને ચાર નવેમ્બર, ૨૦૨૨માં બે બાળકોને જન્મ આપ્યો હતો. પૅંગ્વિન એન્ક્લોઝરમાં પણ પૅંગ્વિનની ત્રણ જોડીએ એક-એક એમ કુલ ત્રણ બાળકોને જન્મ આપ્યા હતા. આ નવા મહેમાનોના દર્શન ગુરુવાર ૧૧ મે, ૨૦૨૩થી પર્યટકો કરી શકશે.
ઉનાળાની રજામાં દરરોજ મોટી સંખ્યામાં પર્યટકો રાણીબાગની મુલાકાત લઈ રહ્યા છે. મોટાભાગના પર્યટકોમાં વાઘની જોડી ‘શક્તિ’ અને ‘કરિશ્મા’ને જોવાનું આકર્ષણ હોય છે. તો થોડા વર્ષ પહેલા રાણીબાગમાં લાવવામાં આવેલા પૅંગ્વિનોને જોવા માટે પણ ભારે ભીડ થતી
હોય છે.
છત્રપતિ સંભાજી નગરમાં આવેલા સિદ્ધાર્થ પ્રાણીસંગ્રહાલયમાંથી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ના સાત વર્ષના ‘શક્તિ’ અને ‘કરિશ્મા’ની જોડીને રાણીબાગમાં લાવવામાં આવી હતી. ‘કરિશ્મા’એ ચાર નવેમ્બર, ૨૦૨૨ના બે નર બચ્ચાને જન્મ આપ્યો હતો. આ બંને બાળવાઘની ઉંમર છ મહિના સાત દિવસની છે. બંને બાળવાઘને આગામી દોઢથી બે વર્ષ સુધી તેમની માતા ‘કરિશ્મા’ સાથે રાખવામાં આવશે. પર્યટકો હવે એક દિવસ બાળ વાઘ ‘જય’ અને ‘રુદ્ર’ને કરિશ્મા સાથે તો એક દિવસ શક્તિ સાથે જોઈ શકશે.
પૅંગ્વિન એન્ક્લોઝરમાં પણ પૅંગ્વિનની ત્રણ જોડીએ થોડા મહિના અગાઉ એક-એક બાળકોને જન્મ આપતા કુલ ૧૫ પૅંગ્વિન થઈ ગયા છે. હાલ પૅંગ્વિન કક્ષમાં નર અને માદાની ચાર જોડી છે. તેમાં ડોનાલ્ડ અને ડેઝીની જોડીએ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ના ‘ડોરા’ (માદા) તો મોલ્ટ અને ફ્લિપરની જોડીએ ૩ ઑક્ટોબર, ૨૦૨૨ના ‘સિરી’ (માદા) અને પપાય અને ઓલિવ્હની જોડીએ ૧૩ ડિસેમ્બર, ૨૦૨૨ના ‘નિમો’ (નર)ને જન્મ આપ્યો હતો. ઓરિયો અને બબલ આ પૅંગ્વિનની જોડીને હજી સુધી કોઈ બાળકને જન્મ આપ્યો નથી. આ અગાઉ પણ પૅંગ્વિનની જોડીએ બચ્ચાને જન્મ આપ્યો હતો. તેથી હવે રાણીબાગમાં કુલ ૧૫ પૅંગ્વિન થઈ ગયા છે.