મેઘાલયની રાજનીતિમાં એક રસપ્રદ વળાંક આવ્યો છે, જેના પછી કોનરાડ સંગમાની સરકાર બનાવવાનો માર્ગ મુશ્કેલ દેખાઈ રહ્યો છે. કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ને ટેકો આપતા સ્થાનિક પક્ષના બે વિધાનસભ્યોએ સરકાર બનાવવા માટે સમર્થન આપ્યું હતું પરંતુ થોડા જ સમયમાં જ પાર્ટીએ ટેકો આપવાનો ઇનકાર કરી દીધો હતો.
ગઈ કાલે શુક્રવારે કોનરાડ સંગમાએ રાજ્યપાલ સામે સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. NPP નેતાએ રાજ્યના 32 વિધાનસભ્યોના સમર્થનનો સહી કરેલો પત્ર રાજ્યપાલને સોંપ્યો હતો. 60 સભ્યોની રાજ્ય વિધાનસભામાં બહુમત માટે 31 વિધાનસભ્યોની જરૂર છે.
સંગમાએ જે 32 વિધાનસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો હતો તેમાં NPPના 26, BJPના 2, હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (HSPDP)ના 2 અને બે અપક્ષ વિધાનસભ્યોની સહી હતી. પત્ર સોંપ્યા બાદ કોનરાડ સંગમાએ કહ્યું હતું કે અમારી પાસે પૂર્ણ બહુમતી છે. ભાજપ પહેલાથી જ સમર્થન આપી ચૂક્યું છે. અન્ય કેટલાક વિધાનસભ્યોએ પણ અમને સમર્થન સોંપ્યું છે.
શુક્રવારે સમર્થન પત્ર સોંપ્યાના થોડા સમય બાદ જ મોડી સાંજે HSPDP એ રાજકીય ચિત્ર બદલી નાખ્યું હતું. એચએસપીડીપીએ કહ્યું કે પાર્ટીએ તેના વિધાનસભ્યોને એનપીપીની આગેવાની હેઠળની સરકારની રચનાને સમર્થન આપવા માટે અધિકાર નથી આપ્યો.