નવી દિલ્હી: અદાણી જૂથને બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ઉછીના આપેલા નાણાંની વિગતો અંગેના પ્રશ્નના જવાબમાં, નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, પાંચ સરકારી વીમા કંપનીઓ અદાણી જૂથની કંપનીઓમાં કુલ રૂ. ૩૪૭.૬૪ કરોડ અથવા તેમની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ના ૦.૧૪ ટકાનું એક્સ્પોઝર ધરાવે છે અને ઉમેર્યું હતું કે આરબીઆઈ એક્ટ બેંક દ્વારા સબમિટ કરવામાં આવેલી ક્રેડિટ માહિતીને જાહેર કરવા પર પ્રતિબંધ મૂકે છે.
વીમા કંપનીઓ દ્વારા એક્સપોઝરના સંદર્ભમાં, કરાડે ૩૦ જાન્યુઆરીએ જણાવ્યું હતું કે રાજ્ય સંચાલિત લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)નું , અદાણી જૂથની કંપનીઓનીમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં ઇક્વિટી અને ડેટ હેઠળ કુલ હોલ્ડિંગ રૂ. ૩૫,૯૧૭.૩૧ કરોડ છે. આ રકમ એલઆઇસીની સંચાલન હેઠળની કુલ સંપત્તિ, કે જેની બુક વેલ્યુ રૂ. ૪૧.૬૬ લાખ કરોડ છે, તેના માત્ર ૦.૯૭૫ ટકા થાય છે.
અન્ય નાણાકીય સંસ્થાઓ – એક્ઝિમ બેંક, સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા, નેશનલ હાઉસિંગ બેંક, નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ – ના સંદર્ભમાં, કરાડે કહ્યું કે તેઓ સંબંધિત અધિનિયમોની જોગવાઈઓથી બંધાયેલા છે, અને તેમના ઘટકોને લગતી કોઈપણ માહિતી જાહેર કરવી પ્રતિબંધિત છે.
યુએસ સ્થિત એક્ટિવિસ્ટ શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ૨૪મી જાન્યુઆરીના રોજના એક અહેવાલમાં છેતરપિંડીભર્યા વ્યવહારો અને શેરના ભાવમાં હેરાફેરી સહિતના આક્ષેપો કર્યા બાદ અદાણી જૂથની કંપનીઓના શેરો બજારમાં ઊંધે માથે પટકાયા હતાં અને બજાર મૂલ્યમાં અબજો ડોલર ગુમાવ્યા હતા. અદાણી જૂથે આરોપોને જૂઠાણા ગણાવીને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તે તમામ કાયદાઓ અને જાહેરાતની આવશ્યકતાઓનું પાલન કરે છે. (પીટીઆઈ)