Homeદેશ વિદેશસૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ, વીજળી પડતાં પાંચનાં મોત

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ, વીજળી પડતાં પાંચનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનની અસરના કારણે રાજ્યમાં શુક્રવારે ઉત્તર ગુજરાત બાદ શનિવારે મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજકોટના ગોંડલમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ભારે પવનના લીધે મોરબીમાં કારખાનાના શેડના પતરા ઊડયાં હતાં. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં વરસાદી વીજળી પડતાં કુલ પાંચ લોકોનાં મોત નિપજ્યાં હતાં. હવામાન વિભાગ દ્વારા આગામી ૩જી મે સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યામાં શનિવારે વહેલી સવારથી રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, પોરબંદર,
અમદાવાદ સહિતના જિલ્લામાં ભરઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. રાજકોટના ગોંડલમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે શનિવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીના બે કલાકમાં ગોંડલમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે કોટડા સાંગાણી અને જામકંડોરણામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદ એટલો તોફાની હતો કે નેશનલ હાઇવે પર વાહન ચલાવવા મુશ્કેલ બન્યા હતા. ગોંડલ પંથકમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમરેલી જિલ્લાના ધારી ગીર અને ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીના ધારી ગીર વિસ્તાર, સરસિયા, ગોવિંદપુર, ફાસરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની માફક પાણી વહેતા થયા હતા. તો ખાંભાના અનિડા, સમઢિયાળા સહિત ગામડામાં વરસાદ પડ્યો છે. તો અમરેલીના સાવરકુંડલાના સાકરપરા ગામે વીજળી પડતાં કચરાભાઈ ભાભાભાઈ પડસાલિયાનું મોત નિપજ્યું હતુ. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના એસજી હાઇવે, ગોતા, સેટેલાઈટ, બોપલ, મકરબા, સરખેજ, શાંતિપુરા, નારોલ, વસ્ત્રાલ, મણીનગર, સીટીએમ , વટવા, ઇસનપુર, ઓઢવ અને નિકોલમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ગાંધીનગરમાં પણ વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લામા વાતાવરણમા એકાએક પલ્ટો આવતા જિલ્લાના સંજેલી, ફતેપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમા થોડી ઠંડક પ્રસરી જવા પામી છે. જામનગર જિલ્લા અને શહેરમાં પણ સવારથી જ ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શહેરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જામનગર જીલ્લાના લાલપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં વહેલી સવારે માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલુ વરસાદે હરાજી શરૂ કરવી પડી હતી. વરસાદમાં કેરીના બોક્સ પલળી ગયા હતા જેને લઈ ખેડૂતોએ વરસતા વરસાદ વચ્ચે હરાજી કરવાની ફરજ પડી હતી. રાજ્યામાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદી વીજળી પડતા ચાર લોકોના મોત થયા હતા. જેમાં અમરેલીમાં સાવરકુંડલાના સાકરપરા ગામના કચરાભાઈ ભરવાડ (ઉ.વ.૫૬) પર વીજળી પડતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સામઢી ગામમાં વીજળી પડતાં ૧૫ વર્ષીય કિશોરનું મૃત્યું થયું હતું. ખેતરમાં કિશોર રમી રહ્યો હતો ત્યારે વીજળી પડતાં તે ચાર ફૂટ જેટલો ઉછળીને નીચે પટકાયો હતો. પાટણની રાણકી વાવ જોવા આવેલા ચાર મિત્રો લીમડાના વૃક્ષની નીચે બેઠા હતા. ત્યારે સંદીપ પ્રજાપતિ (ઉ.વ.૨૫) અને રોહિત મેવાડા (ઉ.વ.૩૦) પર વીજળી પડી હતી. જેમાં સંદીપનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ભૂજના અંજારમાં રતનાલવાડીમાં બાબુ રામ (ઉ.વ.૩૫)નું વીજળી પડતાં મોત થયું હતું. ભાવનગર શહેરમાં આજે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે શહેરના એક યુવાન ઉપર વીજળી પડતા તેનું મોત નીપજ્યું છે. દરમિયાન ભાવનગરમાં આકાશભાઈ મકવાણા (ઉં.વ.૨૫) નામના યુવાનનું બોર તળાવ પાસે વીજળી પડતા મોત થયું હતું.
————-
રાજકોટમાં પચીસથી વધુ વીજ થાંભલાઓ પડી જતાં વીજળી ગૂલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી હતી. રાજકોટના લોધિકામાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદને લીધે તારાજી સર્જાઈ છે. ભારે પવન ફૂંકાતા લોધિકાના દેવગામમાં ૨૫થી વધુ થાંભલા ધરાશાયી થતાં
લોકોની મુશ્કેલી વધી હતી. મોરબીની એક ફેક્ટરીમાં ભારે પવનને કારણે ૭૦ પતરા ઊડ્યા હતા.
વીજળીના થાંભલા પડી જતાં વીજ પુરવઠો ખોરવાયો છે અને લગભગ ૧૫ વર્ષ બાદ આવું વાવાઝોડું આવ્યું છે. તો બીજી તરફ મોરબીમાં પણ વરસાદ અને વાવાઝોડાને લીધે ઘણું નુકસાન થયું છે. ભારે પવનને લીધે નવાગામ રોડ પર સ્થિત સોમનાથ ક્રાફ્ટ મિલ નામની ફેક્ટરીમાં અંદાજે ૭૦ પતરા ઊડી ગયા હતા. સદનસીબે કોઈને નુકસાન થયું નહોતું. આ ઉપરાંત શુક્રવારે ખાબકેલા વરસાદ અને વાવાઝોડાંને લીધે લોધિકાના કેટલાક ગામમાં ઝાડ પણ ધરાશાયી થઈ ગયા છે. આ પહેલાં મોરબીમાં બે ત્રણ સ્થળે હોર્ડિંગ પણ ઊખડીને પડ્યા હતાં. મહેસાણા જિલ્લાના શંકરપુરા ગામમાં તોફાનને કારણે ૫૦ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. વીજળી પડવાના કારણે પ્લેટફોર્મ પણ જમીન પર પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -