ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
ધરતીની ગહેરાઈઓમાં
તમે મારી સામે મીટ માંડો,
ખેતર ખેડનારા, વણકરો અને
ઓછું બોલતા ભરવાડો…
… તમારી લોહીથી ચમકતી
કુહાડીઓને ઊંચકો
તમારા સિવાઈ ગયેલાં મોંની
હું વાણી બનીને આવ્યો છું.
-પાબ્લો નેરુદા
ઈ.સ. ૧૯૭૧ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત દક્ષિણ અમેરિકાના ચિલીના કવિ પાબ્લો નેરુદાએ અંગત પ્રેમઉદ્ગારથી લઈને બિનઅંગત માનવપ્રેમનાં કાવ્યો આપ્યાં છે. તેમણે તેમનાં કાવ્યોમાં પ્રેમ, પ્રેમ નિમિત્તે મળેલી હતાશા, નિરાશા ઉપરાંત દેશભક્તિ, દલિત પ્રેમ અને પ્રકૃતિ તરફનો ઝુકાવ ઉત્કટ રીતે
ગાયો છે. શરૂઆતના વખતમાં આધુનિકતાવાદ અને પછી અતિયથાર્થવાદ તરફ છળી જઈને તેમાં જ ગતિ કરનાર આ કવિના ૧૨થી વધારે કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. “તાત્ત્વિક શક્તિની પ્રકિયાથી એક ખંડના ભાવિ અને સ્વપ્નોને જીવંત કરનાર કવિતા માટે તેમને વિશ્ર્વનું સર્વશ્રેષ્ઠ નોબેલ પારિતોષિક એનાયત કરાયું હતું.
૧૨ જુલાઈ ૧૯૦૪ના રોજ ચિલીના પારલ નામે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ રિકાર્ડો એલિઝર નેફટાલી રેયેસ ય બાસોઆલ્ટો હતું. પોતાના પિતાને તેમની કવિતા પ્રવૃત્તિ વિશે માલૂમ ન થાય તે માટે તેમણે તેમના પ્રિય ચેક સર્જક યાન નેરુદા પરથી તેમણે તેમનું કવિનામ પાબ્લો નેરુદા રાખ્યું હતું. પાબ્લો માત્ર ૩ વર્ષના હતા ત્યારે તેમની માતા રોઝા મૃત્યુ પામ્યાં હતાં. જ્યારે રેલવેમાં નોકરી કરતા તેમના પિતા રેલવેના અકસ્માતમાં માર્યા
ગયા હતા.
૧૬ વર્ષની વયે નેરુદા ચિલીના પાટનગર સાન્ટિયાગોમાં ભણવા માટે ગયા હતા. ત્યાં વસંત ઉત્સવની ઉજવણીમાં તેમની કવિતા ‘ફિયેસ્ટા સોંગ’ને પ્રથમ ઈનામ મળેલું. નેરુદા ૧૯ વર્ષના હતા ત્યારે ઈ.સ. ૧૯૨૩માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ અને ઈ.સ. ૧૯૨૪માં બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થયેલો.
આ કવિએ તેમનો પ્રથમ કવિતા સંગ્રહ ઘરનું કેટલુંક ફર્નિચર અને પોતાની કિંમતી કાંડા ઘડિયાળ વેચીને છપાવ્યો હતો.
આ આશાસ્પદ યુવાન સર્જકને ચિલીની સરકારે વિદેશમાં રાજ્યના પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા. તેમણે યુરોપ અને પૂર્વના દેશોમાં ભ્રમણ કર્યું હતું. તેમણે રંગૂન, કોલંબો, સિંગાપુર વગેરે સ્થળોનો પ્રવાસ ખેડ્યો હતો. ઈ.સ. ૧૯૩૯થી ૧૯૪૩ સુધી તે મેક્સિકોમાં ચિલી સરકારના રાજદૂત તરીકે રહ્યા હતા. તેમણે ઈટાલી, ફ્રાન્સ, સોવિયેટ રશિયા તથા લાલચીનમાં પણ વસવાટ કર્યો હતો. છેલ્લે નેગ્રા નામના ટાપુમાં નિવાસ કર્યા પછી તેમણે એક પછી એક તેમનાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા હતા. તેમના જાણીતાં પુસ્તકોમાં ‘રેજીડેન્સ ઓન અર્થ એન્ડ અધર પોએમ્સ’ (૧૯૪૬), ‘ધ મેન હૂ ટોલ્ડ હિઝ લવ’ (૧૯૫૯), સિલેક્ટેડ પોએમ્સ (૧૯૬૧) અને ‘ધ એલીમેન્ટ્રી ઓફ નેરુદા’ (૧૯૬૧)નો સમાવેશ
થાય છે.
આ પ્રતિભાશાળી કવિએ દક્ષિણ અમેરિકાની કવિતામાં યથાર્થવાદને ફરીથી સ્થાપિત કર્યો. તેેમની અતિયથાર્થવાદી કવિતામાં કવિનું તત્ત્વજ્ઞાની વલડા પ્રગટ થતું અનુભવાય છે તેમાં તેમણે જગતની છિન્નભિન્નતાનો સંદેશ પહોંચાડયો છે ‘કાવ્યકલા’ શીર્ષક હેઠળની તેમની કવિતામાં તેમણે અતિયથાર્થવાદી શૈલીમાં પોતાની ખિન્નતા, રંજ અને આક્રોશ વ્યક્ત કર્યા છે. જુઓ:
*
જો તમે મને પૂછશો
કે હું ક્યાં હતો
તો મારે કહેવું જોઈએ:
‘એ બન્યા જ કરે છે’
જે જમીનને પથ્થરો
શ્યામ બનાવે છે તેના વિષે
કહેવું પડશે,
વહેતી નદી જે પોતાનો જ
ક્ષય કરે છે
તેના વિષે કહેવું પડશે.
પક્ષીઓ જે ગુમાવે છે
તે વસ્તુઓને,
સાગર જે પાછળ
છોડી જાય છે તેને,
અથવા
મારી બહેનના અશ્રુપાતને જ
હું ઓળખું છું.
આટલા બધા પ્રદેશો શા માટે?
અને
દિવસ દિવસમાં
કેમ ભળે છે?
કાવ્ય ઘોર રાત
મોંમાં કેમ ભરાય છે?
શા માટે આ મૃતદેહો?
*
તેમના કાવ્યસંગ્રહ ‘સમી સાંજ’માં નેરુદાની રંગદર્શી શૈલીના ભાવકોને દર્શન થાય છે. તેમનાં કેટલાંક કાવ્યોમાં પ્રણય નિમિત્તે મળેલી પીડા, વેદના, જખ્મો અને જઝબાતનું તીવ્ર આલેખન કરાયું છે. ચાલો, તેનું રસદર્શન કરીએ:
*
આજે રાત્રે
હું ઉદાસમાં ઉદાસ
કવિતા રચી શકું તેમ છું.
જેમ કે
‘તારલાથી ભરી ભરી રાત છે’
અને
નીલ તારલા દૂરસુદૂર
કંપી રહ્યા છે.
રાત્રીનો પવન
આકાશમાં ઘુમરાય છે
અને ગાય છે.
આજે રાત્રે
હું ઉદાસમાં ઉદાસ
કવિતા રચી શકું તેમ છું.
*
તેમણે કવિતાના આરંભમાં આ પ્રકારે વેદના વ્યક્ત કરી છે તો આ જ કવિતાના અંત તરફ ગતિ કરીએ તેમ તેમ વ્યથા-વેદના ઘેરી અને ગાઢ થતી અનુભવાય છે. નેરુદાનાં મોટા ભાગનાં કાવ્યોની આ ખાસિયત રહી છે.
*
હવે હું
એને ચાહતો નથી
એ સાચું,
પરંતુ
કદાચ
હું એને ચાહું જ છું.
પ્રણય તો છે
અલ્પકાલીન
અને
વિસ્મૃતિ છે ચિરકાલીન.
કારણ
આવી જ રાત્રીઓમાં
મેં એને મારા
બાહુપાશમાં
જકડી હતી,
એને ખોઈને
મારો આત્મા અસંતૃપ્ત છે.
જો કે એના દ્વારા અપાતી
આ છેલ્લી વ્યથા છે,
અને એને ઉદ્દેશીને
હું લખીશ
તે આ છેલ્લી કવિતા છે.
*
પાબ્લો નેરુદાની કવિતા વાચકોને પ્રથમ નજરે કદાચ સંતોષ ન આપે તેવી છે, પરંતુ તેમનું દર્શન ગૂઢ છે અને આડંબર વિનાનું છે.
આ મહાન કવિનું ૨૩ સપ્ટેમ્બર ૧૯૭૩ના રોજ અવસાન થયું હતું. તેમના શબની દફનવિધિ થઈ ગયાના વર્ષો પછી તેમના શબને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ કવિનું મૃત્યુ કુદરતી હતું કે પછી તેમની ઠંડે કલેજે હત્યા કરાઈ હતી તેની તપાસ માટે આમ કરવામાં આવ્યું હતું. પેસિફિક મહાસાગરના કાંઠે આવેલા તેમના વતનના ગામ ઈસ્લાનેગ્રા ખાતે તેમના અવશેષોને ફરીથી દફન કરાયા હતા. આ આખી ઘટના ખૂબ જ ચર્ચાસ્પદ રહી હતી.