Homeલાડકીતરુણાવસ્થાએ સહનશીલતા - સહ્ય કે અસહ્ય?

તરુણાવસ્થાએ સહનશીલતા – સહ્ય કે અસહ્ય?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

સહનશક્તિની વાત આવે ત્યારે પૃથ્વી પરના અન્ય સજીવોની સરખામણીમાં મનુષ્ય તદન અલગ તરી આવે છે. દરિયા કિનારે ઊગતી નાળિયેરીને સુક્કા રણમાં વાવીએ તો એ સુકાય જાય, હિમપ્રદેશમાં જીવતા પ્રાણીને સમશિતોષ્ણ પ્રદેશમાં રાખવામાં આવે તો એ મરી જાય, પરંતુ માણસ તો એમ મરી જતો નથી એની વિષમ પરિસ્થિતિમાં પણ સહન કરી શકવાની શક્તિ એની ઘાતક શત્રુ બની જાય છે. તે કોઈપણ સ્થિતિમાં, કોઈપણ પરિસ્થતિમાં જીવી જાય છે.અને એમાં પણ સ્ત્રી! એના તો અસ્તિત્વમાં જ જાણે વણાયેલ હોય એમ આજીવન સહનશીલતાને પણ સહન કર્યે જ છૂટકો!!
સ્ત્રી અને પુરુષ જન્મસમયે માત્ર એક બાળક જ હોય છે જેમ પુરુષ પોતે ચડિયાતો છે એવી કોઈ ભાવના વારસાગત લઈને જન્મતો નથી એવીજ રીતે સ્ત્રી પણ પોતે ઓછી તાકાતવાન છે એવી કોઈ લાગણી સાથે જન્મતી નથી જ, પરંતુ તરુણાવસ્થાના શરૂઆતી તબક્કાથીજ માતા પિતા, કુટુંબ તેમજ સમાજના અન્ય વ્યક્તિઓ દ્વારા પોતપોતાની વાતો, વિચારો અને વર્તન થકી જાણ્યે અજાણ્યે તેઓના મનમાં અમુક પ્રકારની લાગણીઓ જન્માવવામાં આવે છે કે જેના દ્વારા ધીરે ધીરે બાળક એવું સમજતું થાય છે કે એ પુરુષ છે એટલે એણે આમજ કરવાનું રહેશે અને એ સ્ત્રી છે એટલે તેણીએ તેમજ કરવું પડશે અને યુવાવસ્થામાં પ્રવેશતા આ જુદારો વધુને વધુ પ્રબળ બનવા લાગે છે.
સ્ત્રી તરીકે જન્મ્યા છો એટલે બીજું કશું આવડે કે નહિ પરંતુ સહન કરતા તો આવડવું જ જોઈએ એવા મતલબની શિખામણો મોટાભાગની દીકરીઓને નાનપણથી જ આપવામાં આવતી હોય છે. હંમેશાં હસતું રહેવું, દર્દ સહન કરવું, જાહેરમાં બહુ જોરથી હસવું નહી, ઊંચા અવાજે બોલવું નહિ, સરખી રીતે ચાલવું, નીચું જોઈને ચાલવું, બહુ સામા પ્રશ્ર્નો પૂછવા નહિ, ઓછું બોલવું, કુટુંબ તેમજ સમાજમાં સંબંધો ટકાવી રાખવા જતું કરવાની ટેવ પાડવી , સામેવાળાનું વર્તન ચુપચાપ સહન કરવું, પરંતુ કોઈપણ ભોગે બીજાની સગવડતા તેમજ જીવનની રફતાર ચાલુ રાખવી. કારણકે એક આદર્શ યુવતી તો એજ કહેવાય જે હંમેશાં પોતાના પહેલા અન્યોનું વિચારે, પરંતુ આવું બધું ક્યારેય પુરુષને કહેવામાં આવે છે ખરું? એને સંબંધ સાચવવા માટેની શિખામણ આપવામાં આવે છે ખરી? ના, નથી આપવામાં આવતી કારણકે એને ખ્યાલ હોય છે કે સહન કરવાની ક્ષમતા પર એનું જીવન નિર્ભર રહેવાનું નથી. જયારે મોટાભાગની યુવતીઓને આ શિખામણ ગાંઠે બાંધવામાં આવતી હોય છે કે સહન કરશે તો અને માત્ર તોજ એ જીવી શકશે. અને આથીજ સ્ત્રી સહન કર્યે રાખે, સમાજ સ્ત્રી પાસે સહન કરાવ્યે રાખે એવું સૈકાઓથી ચાલ્યું આવે છે. ક્યારેક ભૂલેચૂકે પણ જો કોઈ સ્ત્રી આ ઘરેડમાંથી બહાર આવવાની કોશિશ કરે તો એને બળવાખોર, સ્વચ્છંદી કે સ્વતંત્ર હોવાનું બિરુદ આપી દેવામાં આવે છે. અને આથીજ બીજી સ્ત્રીઓ ઇચ્છતી હોવા છતાં પણ સહન કર્યે જવાનું એનેજ જીવનનો એકમાત્ર રસ્તો માનીને ચાલ્યે રાખતી હોય છે. શું આ બદલાતા જમાના સાથે હવે યુવતીઓએ ચાલવા માટે બીજો કોઈ રસ્તો પકડવાની જરૂર નથી હોતી?
તરુણાવસ્થાએ તેનામાં આવતા અંત: સ્ત્રાવો પ્રેરિત શારીરિક તેમજ માનસિક ફેરફારો ક્યારેક તેને બળવાખોર બનાવે છે અને પોતે એ સમજી શકતી નથી કે શા માટે એની સાથે આવું થઇ રહ્યું છે. આ ઉંમરે સહનશક્તિને અસહ્ય રીતે જીરવવાની મજબૂરી હોય એ યુવતીઓ પોતે ખૂબ દર્દભરી અકળામણ અનુભવતી જોવા મળે છે. જો આપણને એવું કહેવામાં આવે કે પુરુષની સરખામણીએ સ્ત્રીમાં દુ:ખ કે દર્દ સહન કરવાની તાકાત વધુ હોય છે તો એકીઝાટકે આપણામાંથી ઘણા આ વાતને ખારીજ કરી દે એવું બને, પરંતુ એ હકીકત છે કે જયારે સહન કરવાની વાત આવે ત્યારે જતું કરવાની ભાવના કે છોડી દેવાની લાગણી માત્ર સ્ત્રીઓમાં જ ઉત્પન્ન થતી જોવા મળે છે. સ્ત્રીની આ શક્તિને નબળાઈમાં ફેરવી નાખવાની ઘટનાને શું કહી શકાય? આપણે જાણીએ છીએ કે સહનશક્તિ એ કોઈ વારસામાં ઊતરી આવતી ઘટના નથી. તેમ છતાં એક સ્ત્રી દ્વારા બીજી સ્ત્રીને સહન કર્યે જવાની શિખામણનો વારસો ચોક્કસપણે અપાતો જતો હોય છે. દીકરી જો સહન કરી જાણે તો એકસાથે બે કુટુંબ તરી જતા હોય છે એ મતલબની વાતો આપણી આસપાસ હંમેશાં થતી જોવા મળે છે. પણ શું સહન કરવાની, સમજદારી કેળવવાની, સંબંધો ટકાવી રાખવાની જવાબદારી માત્ર સ્ત્રીની જ છે? આજકાલની યુવતીઓમાં સહનશક્તિનો અભાવ જોવા મળે છે એવી વાતો કરતા ઘણા લોકો તમને જોવા મળશે. સ્ત્રીની સમજદારી પર સમાજ ટકી રહે છે અને અત્યારની સ્ત્રી સમજદારી તેમજ જવાબદારીનું ભાન ભૂલતી જાય છે એવી દલીલો પણ સાંભળવા મળશે. તો આમાંથી સાચું શું?
સ્ત્રી એ સહન કરવું કે નહિ? જેમ એક સિક્કાની બે બાજુ હોય, દરેક વસ્તુના સારા નરસા બંને પાસા હોય તેવીજ રીતે સ્ત્રીની સહન કરવાની વૃત્તિને પણ દ્વિભાવ છે. જેમ ચુપચાપ મૂંગે મોઢે સહન કરવું અયોગ્ય છે તેમ વિચાર્યા વગર ઉતાવળમાં, ગુસ્સામાં, ધીરજ રાખ્યા વગર કોઈપણ નિર્ણયો લઇ જિંદગીને નુકસાન પહોંચાડવું એ પણ એટલું જ અયોગ્ય છે. સહનશક્તિનો પણ વૈચારિક અમલ કરવો આજના જમાનામાં ખૂબ જરૂરી છે. સહનશીલતાના નામે અન્યાય સહન કરવો, પોતાની જાતને મૂર્ખ સાબિત થવા દેવી કે પછી રીબાઇને ગૂંગળામણ અનુભવતા જીવન પસાર કરવું એ બિલકુલ યોગ્ય નથી. તરુણાવસ્થા કે યુવાવસ્થા દરમિયાન કંઈ ઉંમરે કંઈ જગ્યાએ સહન કરી લેવું અને ક્યાં સહનશીલતાની બાદબાકી કરી માત્ર શક્તિને મહત્ત્વ આપવું એ શીખવું ખૂબ જરૂરી બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -