પતિ-પત્ની બન્નેનો એક જ તારીખે જન્મદિવસ હોય તેવું ઓછું બનતું હોય છે. આજના બર્થ ડે સેલિબ્રિટી કપલ હાલમાં તો સાથે નથી, પરંતુ તેમની જન્મતારીખ એક જ છે. 17મી જાન્યુઆરી. આજે જન્મદિવસ બે કલમના કસબીઓનો છે. ફિલ્મલેખક અને ગીતકાર જાવેદ અખ્તર અને અભિનેત્રી અને લેખિકા હની ઈરાની આજના દિવસે જનમ્યા હતા. આ બન્ને પહેલીવાર સીતા ઔર ગીતાના સેટ પર મળ્યા અને પ્રેમ થઈ ગયો. બન્નેએ માર્ચ 1972માં લગ્ન કર્યા અને ત્રણ વર્ષમાં ઝોયા અને ફરહાન નામના બે સંતાનના માતા-પિતા બન્યા. જોકે જાવેદ અખ્તરના પરિચયમાં અભિનેત્રી શબાના આઝમી આવ્યા બાદ તેમના સંબંધોએ આ લગ્નજીવનમાં ભંગાણ કરાવ્યું અને લાંબો સમય છૂટા રહ્યા બાદ બન્નેએ 1985માં છૂટાછેડા લીધા. અખ્તરે શબાના સાથે લગ્ન કર્યા અને હનીએ બન્ને નાના સંતાનોની જવાબદારી લીધી. લગ્ન પહેલા હની અભિનેત્રી તરીકે ખૂબ લોકપ્રિય ન હતા અને લેખિકા તરીકે તેમણે ખાસ કંઈ કર્યું ન હતું. તેઓ એક ગૃહિણી અને માતા તરીકે જ જીવી રહ્યા હતા. આથી છૂટા પડ્યા બાદ એક સમયે હની ઈરાનીએ સાડીમાં એમ્રોઈડરી કરી પરિવાર ચલાવવાનો વારો આવ્યો હોવાનું પણ કહેવાય છે. જ્યારે જાવેદ અખ્તરે સલીમ ખાન સાથે જોડી જમાવી એક પછી સુપરહીટ ફિલ્મો આપવાનું શરૂ કરી દીધું. થોડા વિરામ બાદ હની ઈરાનીએ આઈના નામની એક વાર્તા યશ ચોપરાને સંભળાવી અને તે બની ગઈ સુપરહીટ ફિલ્મ. તે બાદ તે સમયના પ્રમાણમાં ખૂબ જ નવીનતમ કહેવાય તેવી ક્લાસિક આવી લમ્હે. ફિલ્મ તેના કથાવસ્તુને લીધે એક ખાસ વર્ગને બહુ ગમી અને હની ઈરાનીએ મેળવ્યો ફિલ્મ ફેર અવોર્ડ. તે બાદ યશ ચોપરા સાથે ડર ફિલ્મ લખી અને તે પણ સુપરહીટ. જોકે બન્ને વચ્ચે ફાંટો પડ્યો. હનીના દાવા અનુસાર દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં તેને મળવી જોઈતી ક્રેડિટ યશરાજ બેનરે આપી નહીં.
તે બાદ તેમણે રવિ કપૂર સાથે લખેલી કહો ના પ્યાર હૈ…આવી ને ફરી એવોર્ડ લીધો. તો અખ્તરના એવોર્ડની તો લાંબી યાદી છે. તેમણે 14 ફિલ્મફેર એવોર્ડ ને પાંચ નેશનલ એવોર્ડ મેળવ્યા છે. તેઓ પદ્મ શ્રી અને પદ્મભૂષણનું સન્માન મેળવી ચૂક્યા છે અને રાજ્યસભાના સાંસદ તરીકે પણ રહી ચૂક્યા છે. બન્નેના સર્જક તરીકેના તમામ ગુણ સંતાનોમાં આવ્યા છે અને સંતાનોએ ફિલ્મજગતમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે.
હિન્દી ફિલ્મોને બેહતરીન કથાનક અને ગીત આપનાર આ બન્નેને હેપ્પી બર્થ ડે