આજે 22 મેના રોજ વિશ્વ જૈવિક વિવિધતા દિવસ (International day for Biological diversity) છે. આથી વીસેક વર્ષ પહેલાની પેઢી આ દિવસ મનાવતી ન હતી, પરંતુ તેઓ જે પશુ-પક્ષી કે વૃક્ષો વનસ્પતિઓ સાથે સાતત્ય સાધી જીવતા હતા તે જોતા તેમનો દરેક દિવસ જૈવિક વિવિધતા દિવસ જ હતો. છેલ્લા વીસેક વર્ષમાં વિકાસના નામે મૂકવામાં આવેલી આંધળી દોટ અને વિશ્વભરમાં બદલાયેલા વાતાવરણ, ભૌગોલિક ઉથલપાથલ, ગ્લોબલ વોર્મિગ અને આડેધડ થઈ રહેલા શહેરીકરણને લીધે સમગ્ર પૃથ્વીનું વાતાનવરણ જોખમમાં મૂકાઈ છે અને તેને લીધે જૈવિક સૃષ્ટિ માટે પણ મોટું જોખમ ઊભું થયું છે ત્યારે સવાલ એ છે કે શું આવનારી પેઢી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ખડમોર જેવા પક્ષીઓ જોઈ શકશે? શું ઊડતી ખિસકોલી, મળતાવડી ટીટોડી આવનારી પેઢીને જોવા મળશે? સફેદ ખાખરો, સિમુલ, દૂધ કુડી, કુકર, દુદલા જેવા વૃક્ષો અને મીઠો ગૂગળ, કાયારીવેલ, પલાસ વેલ, માર્ચ પાંડો જેવી વનસ્પતિઓ ગુજરાતમાં જોવા મળશે ખરી?
કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને માહિતી આપતા જણાવ્યું હતું કે 24થી વધારે જીવસૃષ્ટિની પ્રજાતિ લુપ્ત થવાના આરે હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. જોકે માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં એવા કેટલાય પશુ-પક્ષી-વૃક્ષો-વનસ્પતિઓ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે.
નેશનલ બાયોડાઈવર્સિટી બોર્ડના જણાવ્યા મુજબ દેશમાં 420થી વધુ વૃક્ષો, છોડ, વેલાઓ, વનસ્પતિઓ ખતરામાં છે. રાજ્યસભામાં પણ પર્યાવરણ મંત્રીએ જણાવ્યું છે કે, દેશમાં 73થી વધુ પ્રાણી, પક્ષીઓ, દરિયાઈ જીવો વિલુપ્ત થવાના આરે છે. ગુજરાત રાજ્યનું પોતાનું ગુજરાત બાયોડાઈવર્સિટી બોર્ડ મુજબ ગુજરાતમાં 16થી વધુ વૃક્ષો, વેલાઓ, વનસ્પતિઓની પ્રજાતિ ખતરામાં છે, જ્યારે 8થી વધુ પ્રાણી, પક્ષીઓ અને દરિયાઈ જીવો ખતરામાં છે.
ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગત વર્ષ માત્ર ચાર દેખાયા હતા અને આ વર્ષે તો કદાચ એક પણ દેખાશે નહીં. શું ખડમોર અને મળતાવડી ટીટોડી જેવા પક્ષીઓ શું નામ શેષ થઈ જશે? જટાયુની વાત આપણે રામાયણમાં સાંભળી હતી, પણ શું એ ગીધ પરિવાર ગુજરાતમાંથી નામ શેષ થઈ જશે? શું આવનારા સમયમાં પલાશ વેલ, મીઠો ગૂગળ જોવા નહીં મળે? શું સફેદ ખાખરો, દૂદલા, કુકર, દૂધ કૂડી જેવા વૃક્ષો નામ શેષ થઈ જશે? એક નાગરિક તરીકે સહુએ સવાલ ઉપાડવો જોઈએ કે જીવસૃષ્ટિના જતન માટે આપળે શું કરી રહ્યા છીએ? સરકાર આ જીવસૃષ્ટિને બચાવવામાં ઉદાસીન કેમ? જીવ સૃષ્ટિ બચશે તો આપણે બચશું.