ગુજરાતમાં રવિવારે ટેટ-2ની અંદાજે 2 લાખ 76 હજાર 66 ઉમેદવારો પરીક્ષા આપવાના હોવાથી પરીક્ષામાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે ગેરરીતિ ન થાય અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે. સફળ આયોજન છતાં ટેટ-2માં જો કોઈ ઉમેદવાર મોબાઈલ સાથે પકડાય તો તેની સામે પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે, ટેટ-2 રાજ્યના 900થી વધુ પરીક્ષા કેન્દ્રો પર લેવાશે. જેમાં રાજ્યભરમાંથી 2 લાખ 76 હજાર 66 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. પરીક્ષાને લઈને ખાસ એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાના ઉમેદવારો પર નજર કરીએ તો શિક્ષક બનવાની યોગ્યતા કસોટીમાં કુલ ઉમેદવારોમાંથી અંદાજે 96 ટકા ઉમેદવારો ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માટે પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા આપનાર ઉમેદવાર હોલ ટિકિટ અને ઓળખકાર્ડ સિવાય અન્ય કોઈપણ પુસ્તક, કાગળ, સાહિત્ય, બ્લુટુથ ડિવાઈસ, મોબાઈલ, કેલ્ક્યુલેટર, ડિઝીટલ કેમેરા, સ્માર્ટવોચ, ઈયરફોન કે કોઈ ઈલેક્ટ્રોનીક્સ સાધન પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડમાં કોઈ ઉમેદવાર અન્ય કોઈ ઉમેદવાર સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કે વસ્તુની આપલે કરી શકશે નહીં. ઉમેદવાર પાસેથી ગેરરીતિનું સાહિત્ય મળે તો તેની સામે ગેરરિતીનો કેસ કરવા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.