(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના શિવાલયોમાં શનિવારે મહાશિવરાત્રીની ઠેર ઠેર ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત ૧૩ સંસ્થાના ૨૭ જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે. શિવજીને ત્રિશુલ-ડમરુ-ચંદ્ર-કુંડળ-માળા-જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે જે શોભાયાત્રા નાગેશ્ર્વર મંદિરથી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પૂણ થશે અને મહાઆરતી યોજાશે. સોમનાથ મહાદેવ અને જૂનાગઢમાં ભવનાથ મહાદેવના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટશે અને અહીં વિશષ પૂજા અને દર્શન થશે.
અમદાવાદ સહિત રાજ્યના અનેક નગરના મુખ્યમાર્ગો ઉપર પરંપરાગત શિવ શોભાયાત્રા પસાર થવાની છે, ત્યારે મહાકાલની નગરી ઉજજૈનથી ખાસ ડમરુંવાદકની ટીમને બોલાવામાં આવી છે. ઉજજૈનની લકકી ગુરુનું ડમરુંવાદનનું વૃંદ ચોમેર પ્રશંસા પામ્યું છે. રાજ્યમાં સમયાંતરે ધાર્મિક ઉત્સવો વખતે સમૂહવાદન અને નૃત્યના જે કાર્યક્રમો અપાયા છે. નવયુવાન કલાકારોની ૧૬ સભ્યોની ટીમ એકસરખી પિતાંબરી અને સફેદ ગંજીમાં સજજ થઇ બંને હાથમાં મસમોટાં ડમરુંનું એ પ્રકારે સમૂહવાદન કરે છે કે, દર્શકો (શિવ ભક્તો) દંગ રહી જાય છે.
બેન્ડ વાજા, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રદ્ધાળુ ભાઇ-બહેનો જોડાશે. યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બનશે. બપોરે સાડા ત્રણ વાગ્યે મહાદેવ મંદિરથી પ્રસ્થાન થનારી આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી ભીડભંજન મહાદેવ મંદિરે પૂર્ણ થશે. ભગવાન આશુતોષજીની રજતમઢિત પાલખીમાં રજતના શિવજીની મૂર્તિને શુદ્ધ સુવર્ણના અનેક આભૂષણો પરિધાન કરાવવામાં આવશે. સંપૂર્ણ ચાંદીમાંથી બનાવેલી આ મૂર્તિની સાથે તાજેતરમાં શુદ્ધ સોનાના શિવજીના પરંપરાગત અલંકારો લગાડવામાં આવ્યા છે. શિવજીનું આભૂષણ એવી ચાંદીમાંથી બનાવેલી ખોપડીની માળા જે પ્રથમ વખત ભાવિકો માટે દર્શનાર્થે મુકાશે.