સામાન્ય રીતે ધંધો કરવામાં માહીર માનવામાં આવતા ગુજરાતીઓ કલા અને સાહિત્ય જગતમાં પણ એટલા જ ચમક્યા છે. ખાસ કરીને હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રે આ કસબીઓએ મોટું નામ કર્યું છે ને પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે ફિલ્મ-ટીવી જગતના બે અલગ અલગ કૌશલ્યો ધરાવતા ગુજરાતીઓનો જન્મદિવસ છે. એક છે ફિલ્મસર્જક હંસલ મહેતા ને બીજા છે અભિનેત્રી દિપીકા ચિખલીયા.
29 એપ્રિલના રોજ મુંબઈના ગુજરાતી મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા હંસલ આમ તો એન્જિનિયર છે, પણ કારકિર્દી તેમણે અલગ પસંદ કરી. ઘણી ટીવી સિરિયલોના નિર્દેશક રહી ચૂકેલા હંસલે દુનિયાને માસ્ટર શેફ સંજીવ કપૂર આપ્યા. તેમણે ખાના ખઝાના કૂકીંગ શોની શરૂઆત કરી ટીવીજગતમાં રસોઈ શોનો ચીલો ચાતર્યો જે આજે પણ હીટ છે. તે બાદ તેમણે ઘણી ટીવી સિરિયલ ડિરેક્ટ કરી. સિટીલાઈટ, છલાંગ, શાહિદ, અલીગઢ જેવી ફિલ્મો આપનાર ડિરેક્ટરે લગભગ સૌથી હીટ કહી શકાય એવી વેબસિરિઝ સ્કેમ-1992 બનાવી. શેરબ્રોકર હર્ષદ મહેતાના કાંડ પર આધારિત આ વેબ સિરિઝ મોસ્ટ પોપ્યલર વેબ શોમાંની એક છે.
તેમના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો પહેલા પત્ની સાથેના લગ્નજીવનમાં તેઓ બે પુત્રના પિતા બન્યા. તે બાદ તેમણે પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા. તે બાદ તેઓ સફીના હુસૈનના પ્રેમમાં પડ્યા. તેમને બે દીકરીઓ છે. મહેતાએ 17 વર્ષના સફીના સાથેના પ્રેમસંબંધ બાદ તાજેતરમાં તેમની સાથે લગ્ન કર્યા.
જયારે દિપીકા ચિખલીયા એક એવી અભિનેત્રી છે જેમને આજે પણ લોકો તેમની ટીવીના નામથી વધારે જાણે છે. દિપીકા પણ મુંબઈમાં આજના દિવસે જન્મેલી છે. 1980માં તેણે કારકિર્દીની શરૂઆત કરી અને 1987માં રામાનંદસાગની રામાયણમાં તેમે સીતાનું પાત્ર ભજવી દરેક ઘરમાં અને દરેક હૃદયમાં સ્થાન જમાવી દીધું. સીતાના પાત્રામાં દીપીકાએ એટલી જાન રેડી કે લોકો તેને જોઈ નમન કરતા, ફૂલ-ચોખા ચડાવતા. દીપીકાએ હિન્દી ઉપરાંત ગુજરાતી સહિત દક્ષિણની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સાથે ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી તેઓ સાંસદ પણ બન્યા હતા. લગ્નજીવન અને બે સંતાનો સાથે વ્યસ્ત આ અભિનેત્રીએ નટસમ્રાટ ગુજરાતી ફિલ્મની કમબેક કર્યું. તેઓ હિન્દી ફિલ્મોમાં પણ દેખાઈ રહ્યા છે. કોરોનાકાળમાં ફરી રામાયણનું ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું અને તે બાદ સંપૂર્ણ રામાયણની કાસ્ટ લોકોના હૃદય પર પાછી છવાઈ ગઈ છે. તેઓ હવે તેમના રામ એટલે કે અરૂણ ગોવિલ સાથે ફરી દેખાવાના છે.
બન્ને મુંબઈકર ગુજરાતીને તેમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છા.