વડોદરાના વિકાસમાં જેમનો અમૂલ્ય ફાળો છે તેવા વડોદરાના રાજવી વિશે ચાલો જાણીએ થોડી રસપ્રદ વાતો.
સયાજીરાવ ગાયકવાડ માટે એવું કહી શકાય કે તેમના ઘડતરમાં અનેક વિદ્વાનોનો સહયોગ હતો, આમ છતાં તેમનામાં શીખવાની વૃત્તિ ગજબની હતી. બીજા શબ્દોમાં કહીએ તો સતત શીખવું અને સારી વસ્તુઓનો અમલ કરવાના ગુણને લીધે વિદેશ પ્રવાસોનો લાભ વડોદરા રાજ્યની જનતાને મળેલો…
આદર્શ નમૂનો હોય તો વડોદરા મ્યુઝિયમ. વિશ્વભરની શ્રેષ્ઠ કૃતિઓ, શ્રેષ્ઠ રેપ્લિકાઓ અને સ્થાપત્યથી ભરચક સયાજી બાગમાં આવેલા લગભગ સીત્તેર હજાર કરતાં વધારે કલેક્શન કરેલા મ્યુઝિયમનું બિલ્ડીંગ પણ અદભૂત બિલ્ડીંગ છે.
વર્ષ 1880માં પ્રથમ લગ્ન ચીમનાબાઇ સાથે થયેલા, સંતાનોમાં બે પુત્રીઓ નામે બજુબાઇ અને પુતળાબાઇ… 1883માં યુવરાજ ફતેસિંહરાવનો જન્મ…
બંને પુત્રીઓના બાળમરણ થયેલા, પુતળાબાઇ સાથે ચિમણાબાઇ પાલખીમાં જતા હતા અને અકસ્માત થતાં પાલખી તૂટી ગઇ. આ અકસ્માતમાં પુત્રી પુતળાબાઇ નિધન પામ્યા, જેની ચિમનાબાઇના મન પર ગંભીર અસર થઈ અને તબિયત લથડી ગઇ. હિસ્ટીરીયા અને ટીબી સુધી બિમારીઓ થઈ અને 1885માં નિધન પામ્યા.
હાલ બંધ પડેલા ન્યાયમંદિરમાં પુતળાબાઇની પ્રતિમા છે.
એ જ વર્ષના ડિસેમ્બર અંતમાં ગજરાબાઇ સાથે સયાજીરાવના બીજા લગ્ન થયા, પ્રથમ પત્નીની યાદમાં તેમનું નામ બદલીને ચિમણાબાઇ રાખવામાં આવ્યું.
સયાજીરાવ અતિશય કામના બોજા અને પારિવારિક સમસ્યાઓ વચ્ચે અસ્વસ્થ રહેતા. આરોગ્ય પર અસર થતાં અનિદ્રાની તકલીફ થઈ. ડોક્ટરની સલાહ થકી થોડા દિવસ આબુ રહ્યા, શ્રીલંકા ફરી આવ્યા અને પાછા મહાબળેશ્વર પણ જઇને રહેવા છતાં સ્વાસ્થ્યમાં ખાસ સુધારો ન થયો.
આ દરમિયાન તેમના નાના ભાઇ સંપતરાવ, જે યુરોપમાં અભ્યાસ કરતાં હતાં તેમણે ત્યાં આવવા આમંત્રણ આપ્યું. વર્ષ 1887માં સારા સ્વાસ્થ્ય માટે મને~કમને યુરોપ જવા તૈયાર થયા. આ તેમનો યુરોપનો પ્રથમ પ્રવાસ હતો.
મે, 1887માં મહારાણી સાથે પહેલી વાર વિદેશ જતાં હોવાથી પચાસ જણાનો વિશાળ રસાલો તૈયાર કરવામાં આવ્યો. રાજાના રસાલામાં દરજી તથા રાજગોર સુદ્ધાં સામેલ હતાં. જંગી રસાલાને માટે યુરોપની હોટલોમાં ખાસ વ્યવસ્થા કરવી પડતી. ઘણી હોટલવાળા તો વિશાળ રસાલાને પરવાનગી જ આપતા નહીં. રસોડું અલગથી રાખવામાં આવ્યું હતું, જેની મસાલા અને રસોઇની ગંધથી બીજા ગ્રાહકો ભાગી જતા હોવાની ફરિયાદ આવતી.
સયાજીરાવ એક વક્તવ્યમાં આ પ્રવાસ અંગે કહ્યું હતું કે, અહીંથી ચાર ગાય ભેંસ પણ લઇ ગયા હતા, જો કે બધી સ્ટીમરમાં જ મરી ગઇ હતી….
સયાજીરાવ પ્રથમ પ્રવાસમાં જ વેનિસ, મિલાન, જીનીવા, ફ્રાન્સ વગેરે સ્થળો જોતાં વડોદરામાં વિશાળ કલેક્શન સાથે મ્યુઝિયમ બનાવવાની પ્રેરણા મળી…
લંડનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની મુલાકાત લીધી, મહારાણી વિક્ટોરિયાને મળ્યા. 1888માં 21 ફેબ્રુઆરી વડોદરા આવ્યા અને એ જ મહીના અંતે ઉટી જવા નીકળ્યા…
એ જ વર્ષે જૂનમાં અબ્બાસ તૈયબજીને સાથે રાખીને ફરીથી યુરોપ જવા નીકળ્યા. રોમ અને સ્વિત્ઝરલેન્ડ રહ્યા અને ઓક્ટોબરમાં પરત આવ્યા….
મે, 1892માં ત્રીજી વાર યુરોપ જવા નીકળ્યા. ત્રીજા પ્રવાસમાં ઇટલીના બાકીના સ્થળો સાથે બ્રિટનનો પ્રવાસ કર્યો. બ્રિટનમાં ઔધોગિક વિકાસ જોયો અને 1893ના જાન્યુઆરીમાં પરત આવ્યા પછી ફરજિયાત શિક્ષણનો કાયદો લાગુ કર્યો. તે સમયની વડોદરા કોલેજના વિદ્યાર્થીઓને ખાસ બ્રિટન મોકલીને વડોદરા રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સંભાવના પર અભ્યાસ કરાવ્યો અને પ્રોફેશનલ કોર્ષના સિલેબસ પર રસ લેવડાવ્યો.
વર્ષ 1893ના મે મહીનામાં ફરી યુરોપ જવા નીકળ્યા અને આ વખતે જર્મની પર ખાસ ભાર મૂક્યો. ભારત આવ્યા પછી બે મહીના બાદ ડિસેમ્બર, 1893માં પાંચમી વાર તેર મહીના માટે યુરોપ જવા નીકળ્યા, સ્વિત્ઝરલેન્ડથી ઈજીપ્ત સુધી નવા સ્થળો જોયા અને વડોદરા રાજ્યમાં તે મુજબ નવીનતમ અને આધુનિક ફેરફાર કર્યા.
ભારતમાં બ્રિટન જેવી લોકશાહી આવી શકે છે એ સમજ છેક વર્ષ 1893થી સમજાવા લાગી હતી…
છઠ્ઠો યુરોપનો પ્રવાસ પાંચ વર્ષ પછી છેક વર્ષ 1900માં ચિમણાબાઇની સર્જરી માટે કર્યો, જાન્યુઆરી,1901માં જર્મની અને સ્કોટલેન્ડ રહ્યા પછી પરત આવ્યા.
કેટલાક સુધારા એવા આવ્યા કે સામાન્ય રીતે સમજવા મુશ્કેલ હોય છે, જેમ કે વડોદરા શહેરની તમામ પોળો અને શેરીઓને બંન્ને છેડે ખુલ્લી કરવામાં આવી, પોળમાં જ્યાં ગીરદી થતી હોય ત્યાં ચોગાન બનાવ્યા… આના અનુસંધાનમાં વર્ષ 1911માં વડોદરા શહેર ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ બન્યું, જેમાં પ્રો ગેડીઝની સલાહ મુજબ ટાઉન પ્લાનિંગ પર સુધારણા થયા.
પ્રવાસોની ફલશ્રુતિ સ્વરૂપે અંદાજે પાંત્રીસ હજાર કામદારો સાથે દોઢસો જેટલી ઇન્ડસ્ટ્રી બની…
ઇન્ડસ્ટ્રી વિકાસ પામતાં બેંક ઓફ બરોડા બની. વિમાન બનાવવાની ફેક્ટરી બની, ગામેગામ શાળાઓ અને લાઇબ્રેરી બની, વિવિધ આર્ટ્સમાં નિષ્ણાતો તૈયાર કરવા શૈક્ષણિક પ્રોત્સાહન મળ્યા. મ્યુઝિયમથી માંડી મ્યુઝિક કોલેજ બની. વિશ્વની શ્રેષ્ઠ પર્સનાલિટી વડોદરા રાજ્યમાં લાવી શ્રેષ્ઠ પ્રદાન થતું.