Homeલાડકીસ્ત્રીને સમજવા એની ભેળા ભોમિયો થઈને ભમવું પડે...!

સ્ત્રીને સમજવા એની ભેળા ભોમિયો થઈને ભમવું પડે…!

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

સ્ત્રી બાબતે એક વિચાર બહુ કોમન જોવા મળે છે. એ કે સ્ત્રીને સમજવી અઘરી હોય છે. શું તમને ક્યારેય એવું લાગ્યું કે સ્ત્રી ક્યારેય ન સમજી શકાય એવો કોયડો છે? શું સ્ત્રીના પ્રેમને સમજવાનું અને પામવાનું સરળ છે કે નથી? નથી તો કેમ? શું પુરુષો સ્ત્રીના આંતરમન સુધી પ્રવેશીને આંતરમનના ઊંડાણને પામવા મથે છે? સ્ત્રીના મનને સમજવાનો કોઈ કોન્સેપ્ટ ખરો?
કોઈ સ્ત્રી સાથે વર્ષો વિતાવ્યા પછી પણ એને સમજી ન શક્યા હોય એવા ઘણાંય લોકો આપણી આસપાસ જોવા મળશે. જાણે કે એક વણઉકેલ્યો કોયડો હોય એમ સ્ત્રીને ટ્રીટ કરશે. પણ એ ઉકેલવા આપણે કેટલું મથ્યા? આપણું એફર્ટ કેટલું હતું? આપણી ડિમાન્ડ સાઈડ પર રાખી એની ઈચ્છાઓને ઓળખવા પ્રયાસ કર્યો? આવા પ્રશ્ર્નો આપણી જાતને પૂછવા જોઈએ. સ્ત્રીને પામવા જ મથતાં પુરુષને સ્ત્રી ક્યારેય નહિ જ સમજાય આ ફેક્ટ છે. એને સમજવા માટે સ્ત્રીત્વથી ઉપરવટ જવું પડે. એના ભીંતરે ભેળા ભોમિયો થઈને ભમવું પડે. એના હૃદય સાથે રાતવાસો કરવો પડે. એના મૌનને શબ્દોની ભાષા વડે સમજવું પડે. અને એની બ્રેક વગર બડબડ કરતી ગાડીને કંટાળ્યા વગર કાનથી પસાર થવા
દેવી પડે.
સ્ત્રી સાથે થયેલી કેટલીક મિનિટો સાથેની અમુક દિવસો સુધીની વાતને પ્રેમ સમજી લેવાની ભૂલો પુરુષો કરી બેસે છે. ભાઈબંધ દોસ્તારોમાં ‘ફલાણીને મારામાં રસ છે જો’ આવું કહીને વટ પાડવાની વાતો કરે છે. અરે કેટલી સ્ત્રીઓને પોતે પથારી સુધી લઈ ગયા એના નંબર ઓફ કાઉન્ટ્સ સાથેની જાણે સ્પર્ધાઓ હોય છે..! ડૉ. ભગીરથ જોગીયાના શબ્દોમાં, ‘બની શકે તમારી પથારીમાં સૂતી સ્ત્રીને તમારી સાથે બિલકુલ પ્રેમ ન હોય.’ સ્ત્રીને વગર સમજયે, એને પામવા માટે પ્રેમને પથારી સુધી આપણે સીમિત બનાવી દીધો.
સ્ત્રીને મેળવવા માટે પુરુષો દ્વારા કેટલાય પ્રકારના નુસખાઓ અજમાવવામાં આવે છે. જેમ કે જતી વખતે પાછળ ફરશે તો નક્કી પ્રેમમાં હશે, એક જ આમંત્રણે બાઇક પર બેસશે તો પાક્કું, રિપ્લાય તરત જ આવે કે સ્ટેટસમાં લવ સોંગ મૂકે તો નક્કી એનેય પ્રેમ છે, જાહેરમાં સ્માઈલ આપીને વાત કરી લેશે કે
એકદમ નિખાલસતાથી પોતાની વાત મૂકશે, કેટલીક વાતોમાં શરમાશે
વગેરે વગેરે.
આવા ગતકડાઓ દ્વારા સ્ત્રીને કોઈ પુરુષમાં ઇન્ટરેસ્ટ છે એવું માની લેવામાં આવતું હોય છે. અરે એને સમજવા તો સ્ત્રી હૃદય કેળવવું પડે. અને એકવાર સમજાઈ જાય તો એ વ્હાલના વિસામા સુધીની કેડી આપોઆપ કંડારી આપશે. હેતથી હિલોળા લેતાં એ મહાસાગરમાં વગર વિચાર્યે કૂદી પડવાનો પરવાનો એ દરેકને નથી આપતી. એના માટે તો મેલ ઈગોને બાજુ પર રાખી, પગની પાનીથી લઈને માથાના વાળ સુધી એને ચાહવી પડે છે. બાકી એને સમજ્યા વગર કહી ન શકાય કે એનો પ્રેમ અનરાધાર વરસશે કે પછી માવઠાંની જેમ…! એ ભીંજવશે કે પછી પાંચ છાંટા વરસાવી બાફશે…! એ હેલીની જેમ આવશે કે પછી વંટોળ સાથે અચાનક તૂટી પડીને ભેદી શાંતિ લાવી દેશે…! પ્રચંડ પૂરમાં તાણી જશે કે પછી કિનારે છોડીને જતી રહેશે…! સ્ત્રીના પ્રેમમાં ઓળઘોળ થવા માટે, એનામાં પોતાનું અસ્તિત્વ ભુલાવી આળોટવા માટે, દરેક દુ:ખોને ભૂલી એના હેતાળ હથેળીઓના સ્પર્શ માટે એને પામવાની જીદ છોડીને એના સાથને માણવાની તૈયારી રાખવી જોઈએ.
અરે સ્ત્રીને પામવા જ મથીએને તો ક્યારેય એ સંપૂર્ણપણે મળી શકે નહીં. પણ એના મનના ઊંડાણમાં મરજીવાની માફક મોતી મેળવવા મંડી પડો તો શક્ય છે કે એ સમજી શકો. સ્ત્રી પણ એવા પુરુષને ચાહે છે કે જે એને સમજી શકે. એના કહેવાતાં સેક્સી ફિગરને નહિ પણ નકારાત્મક આદતોને પણ પ્રેમ કરી શકે. એના શરીરને નહિ પણ એની નબળાઇઓને ચાહી શકે.
આમ પણ મેકઅપના લપેડાઓ અને બહાર દેખાતાં ક્લિવેઝ એ સ્ત્રીના પ્રેમમાં પડવા માટે ઈનફ નથી. એવી સ્ત્રીઓ કદાચ જોવી ગમશે. પણ સ્ત્રીની અંદર રહેલી બાલિશતા, ચંચળતા, અલ્લડ પ્રકૃતિને જો માણવી હોય તો એના સ્વભાવને સમજવો પડે, એ જેવી છે એમ સ્વીકારીને સાથ આપવો પડે. એની ધડ માથા વગરની દલીલો સાંભળવી પડે. પોતે નાહ્યા વગર મળવા આવી છે એમ જાણીને પણ નવાઈ ન લાગવી જોઈએ. દેખાવે બોલ્ડ હોય એવી સ્ત્રીઓ આપણી આંખોને પ્રેમમાં પાડી શકે, પણ સ્વભાવે બોલ્ડ હોય એ સ્ત્રી આપણા મનને એના તરફ ખેંચ્યા કરે.
સિક્સ પેક્સ એબ્સ, ફેન્સી દાઢી મૂંછ, સ્ટાઈલિશ બાઇક કે આના જેવું બીજું એ એક સ્ટેજ પછી સ્ત્રીને ઈમ્પ્રેસ કરવા માટેની ગૌણ વસ્તુ બની જાય છે. સિરિયલો અને ફિલ્મી દુનિયાની અસરમાંથી સારી પેઠે બહાર આવ્યા બાદ એ ઝંખે છે એવો સાથ જ્યાં વગર વિચાર્યે ઠલવાઇ શકે, જ્યાં અઢળક વાતોથી પણ થાકે નહિ, જ્યાં મોટેથી હસી શકે ને સાથે રડીય શકે, પરસેવાથી લથબથ છાતીમાં માથું ટેકવી શકે, પોતાનામાં ૧૦૦ થી પણ વધુ ચેટ્સ પડી હોય જેના જવાબ ન આપ્યા હોય પણ તમારી સાથે નાડી નેઠા વગરની વાતોમાં એને અનહદ આનંદ મળતો હોય. પોતાને ગમતાં પુરુષમાં એ કોઈ ખામી નહીં શોધે પણ એ ખામીને એની જાણ બહાર સુધારી દેશે. પોતે કેટલીક બાબતોમાં અવ્યક્ત રહીને પણ પોતાનો પાર્ટનર એ કળી જાય એવું ઇચ્છશે. મનની મૂંઝવણ અને વિચારોના વમળો ત્યાં ઠાલવશે જ્યાં સેફટી ફિલ કરતી હોય. ભરોસાનું ભરોટું ત્યાં જ ખડકશે જ્યાં એના અસ્તિત્વની આઝાદી મળતી હોય…
ઘણીવાર એવું પણ કહેવાતું હોય છે સ્ત્રીઓને જેટલું આપીએ, એને ઓછું જ લાગે. વળી પુરુષોના મનમાં એવું હોય કે એના જીવનમાં આવેલી દરેક સ્ત્રી એ પછી માતા, બહેન, પત્ની, દીકરી કે મિત્ર- એને બરાબર ઓળખે છે. પરંતુ ૪૦ વર્ષના સાથ પછીય સ્ત્રીના હૃદયમાં એકાદ જગ્યાએ એવો અહેસાસ પણ હોય છે કે એને સમજી શકે એવો સાથી કદાચ મળ્યો જ નથી…! આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે કે પુરુષને રીઝવવા એના પેટ થકી આગળ વધવું. હજુ પણ આગળ સ્ત્રી સહજ નખરાઓથી પુરુષને ખુશ રાખી શકાય.
આમ કરતી કોઈ સ્ત્રી અન્ય પુરુષને પોતાના તરફ માત્ર આકર્ષિત કરે છે એવું કહી શકાય. આવું કરવું અને સ્ત્રીને કોઈ પુરુષ પ્રત્યે પ્રેમ હોવો તદ્દન અલગ બાબત છે. આવા કેસમાં સ્ત્રીને એક લેવલ સુધી પામી શકાય છે. ઉપરછલ્લા છબછબિયાં કરી શકાય છે. પરંતુ સ્ત્રીના પ્રેમમાં ઓતપ્રોત થવા માટે, એમાં ડૂબકી લગાવવા માટે એના મનરૂપી સમંદરમાં ઊંડે ઉતરવું પડે. અને એની પરમિશન દરેક માટે નથી હોતી. એના પ્રેમને સમજવા માટેની કોઈ પરીક્ષા નથી હોતી કે પાસ થઈ ગયા એટલે પૂરું. સાવ સામાન્ય કહી શકાય એવી બાબતોમાંથી નક્કી થાય છે કે એને પ્રેમ છે તમારા સ્વભાવથી, તમારી કેટલીક આદતોથી, ને સંપૂર્ણપણે તમારાથી…!
ક્લાઈમેક્સ:
મને તું ગમે છે અનહદ, ખબર નથી કેમ?
વરસાવીશ વ્હાલ બેહદ, બસ આટલી ખબર છે…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -