કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૨)
નામ: મેરી સ્ટુઅર્ટ (સ્કોટ ઓફ ઈંગ્લેન્ડ)
સ્થળ: ટુટબેરી કેસલ (કિલ્લો)
સમય: ૧૫૬૯
ઉંમર: ૨૭ વર્ષ
ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, સ્પેઈન, ફ્રાન્સ અને આયર્લેન્ડ આ ચાર દેશો એકમેકની સાથે સતત યુદ્ધ કરતા રહ્યા. સહુને એકમેક પર સત્તા પ્રસ્થાપિત કરવી હતી. સહુ જાણતા હતા કે, જો આ પાંચ દેશોમાંથી કોઈપણ બે કે ત્રણ ઉપર સત્તા મેળવી શકાય તો સમગ્ર યુરોપ ઉપર શાસન કરવું સરળ બને. હું ઈ.સ. ૧૫૦૦ના પ્રથમ ભાગમાં એક રાજકુમારી તરીકે જન્મી. ૧૪ ડિસેમ્બર, ૧૫૪૨થી ૨૪ જુલાઈ, ૧૫૬૭ સુધી સ્કોટલેન્ડની રાણી રહી. ૧૫૫૯થી ૧૫૬૦ સુધી ફ્રાન્સના રાજા ફ્રાન્સિસ- ટુની પત્ની અને ફ્રાન્સની રાણી પણ રહી, પરંતુ અંતે ફ્રાન્સની માટીમાં મારા નશ્ર્વર શરીરને ભેળવી દેવાની મારી આખરી ઈચ્છાને મારી કઝિન એલિઝાબેથે (પ્રથમ) સ્વીકારી નહીં. મને ફેબ્રુઆરીમાં મૃત્યુદંડ આપ્યો, પરંતુ જુલાઈ સુધી પ્રોટેસ્ટન્ટ રિવાજો મુજબ પીટર બોરો કેથેડ્રલમાં અંતિમ સંસ્કાર થાય ત્યાં સુધી મારું શરીર સાચવી રાખવામાં આવ્યું. ઈન્સર્શન પ્રોસેસ (શબને સાચવી રાખવા માટે કાચની પેટીમાં દાખલ કરવાની પ્રક્રિયા) માટે મારા શરીરનાં કેટલાંક અવયવો અને આંતરડાને બહાર કાઢીને ફોર્થરિંગે મહેલમાં ચોરીછૂપીથી દફનાવી દેવામાં આવ્યા. મૃત્યુ પછી પણ મારા શરીરને આખેઆખું દફનાવવામાં આવ્યું નહીં… કદાચ એટલે જ આખું યુરોપ મને ‘બદનસીબ મેરી’ (પુઅર મેરી અથવા બિચારી મેરી) તરીકે
ઓળખે છે.
મારા જન્મ સમયે યુરોપના પાંચ દેશો અંદરોઅંદર લડી રહ્યા હતા. હેનરી ધ એઈટ્થ-ઈંગ્લેન્ડના રાજા સાથેના યુદ્ધમાં મારા પિતાનું મૃત્યુ થયું એ સમયે ફ્રાન્સની ગાદી પર હેનરી સેક્ધડ (બીજો) બિરાજતા હતા. એ પહેલાં મારી માનાં લગ્ન ડ્યુક ઓફ લોન્ગવિલ સાથે થયાં હતાં. જે ફ્રાન્સનો એક હિસ્સો છે. મારી મા સુખી હતી, પરંતુ ઓક્ટોબર, ૧૫૩૫માં પુત્રને જન્મ આપ્યા પછી એ બે વર્ષનો થાય તે પહેલાં એના પતિ ડ્યુક ઓફ લોન્ગવિલનું મૃત્યુ થયું. એ વખતે મારી મા બીજાં સંતાન સાથે પ્રેગ્નેન્ટ હતી. ઑગસ્ટ, ૧૫૩૭માં એણે બીજા દીકરાને જન્મ આપ્યો. એ પણ બહુ નાની ઉંમરે મૃત્યુ પામ્યો…
મારી મા સ્કોટલેન્ડ પાછી ફરી અને એડિનબર્ગમાં રહેવાને બદલે એણે લિથમાં રહેવાનું પસંદ કર્યું. ૧૫૩૭ના ડિસેમ્બરમાં સ્કોટલેન્ડના જેમ્સ ફિફ્થ (મારા પિતા) સાથે એની મુલાકાત થઈ. બંને એકબીજાને પત્રો લખતા રહ્યા. મારા પિતાએ પણ એમના પહેલાં લગ્ન પછી પોતાની પત્ની ગુમાવી હતી. (મેડેલેઈન ઓફ વેલોઈઝ) એમણે મારી માને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને મારી માએ લાંબું વિચાર્યા પછી એ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો કારણ કે, હેનરી એઈટ્થ ઓફ ઈંગ્લેન્ડ-જે કેથરિન ઓફ એરેગોન સાથે પરિણિત હતા અને એન બોલેઈન સાથે જેમનો પ્રણય ચાલતો હતો એમણે પણ મારી માને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો. કારણ વગરનું યુદ્ધ ન થાય એ માટે ૨૧ વર્ષે વિધવા થયેલી મારી માએ પોતાના પુત્રને ફ્રાન્સના ડ્યુકને સોંપીને જેમ્સ ફિફ્થ (સ્કોટલેન્ડ) સાથે લગ્ન કર્યાં. એ પછી ત્રણ ગર્ભપાત થયા અને ચોથી હું, જન્મી. મારું નામ મેરી પાડવામાં આવ્યું કારણ કે, મારા પિતા મારી માને ખૂબ પ્રેમ કરતા હતા અને એમની ઈચ્છા હતી કે, એમની પત્ની મેરીના નામ પરથી મારું નામ પણ ‘મેરી’ પાડવામાં આવે.
મારી માના પહેલાં લગ્નથી જન્મેલા બે દીકરામાંથી એકનું મૃત્યુ થયું હતું, પરંતુ મારી માનો પહેલો દીકરો
ફ્રાન્સિસ સતત એની સાથે સંપર્કમાં રહ્યો. મારી માએ પણ એના પર પોતાનો સ્નેહ વરસાવ્યો. એ કેટલો ઊંચો થયો છે એ દર્શાવવા માટે ફ્રાન્સિસ અવારનવાર પોતાની ઊંચાઈ જેટલી લાંબી દોરી મારી માને મોકલતો. એણે ૧૧ વર્ષની ઉંમરે પોતાનું પોટ્રેઈટ બનાવડાવીને મારી માને મોકલ્યું હતું (એ પોટ્રેઈટ આજે પણ સ્કોટલેન્ડના મ્યુઝિયમમાં છે).
મારી મા મેરી, એ જેમ્સ ફિફ્થ અને મેડેલિનના લગ્નમાં હાજરી આપી હતી ત્યારે એને કલ્પના પણ નહોતી કે, એ કોઈક દિવસ એ જ વ્યક્તિની પત્ની બનશે! ડેવિડ બીટન મારી માના અને જેમ્સ ફિફ્થના લગ્ન વિશે ચર્ચા કરવા સ્વયં ફ્રાન્સ ગયા. ડ્યુક ઓફ ગૂઈઝ (મારા નાના) અને જેમ્સ ફિફ્થની મુલાકાત કરાવી. એમણે મારી મા અને જેમ્સ ફિફ્થના લગ્નની બધી જ વ્યવસ્થા ગોઠવી. એ સમયે એમણે લગ્નનો કોન્ટ્રાક્ટ કરેલો. જે જાન્યુઆરી, ૧૫૩૮માં ફાઈનલ થયો. એક લાખ પચાસ હજાર લીરાઝ જેમ્સને દાઉરીનમાં મળ્યા, પરંતુ કોન્ટ્રાક્ટ મુજબ જો રાજા રાણીની પહેલાં ગુજરી જાય તો એ પૈસા રાણીને મળે એટલું જ નહીં, ફોકલેન્ડનો મહેલ, સ્ટર્લિંગ કેસલ, ડિનવોલ્વ કેસલ અને થ્રિવ કેસલની માલિક મેરી બને. એને ચડાવવામાં આવેલા તમામ દાગીના પણ એના જ રહે એવા કોન્ટ્રાક્ટ પછી મારી મા મેરી અને જેમ્સ ફિફ્થના લગ્ન થયા. બે હજાર જેટલા સ્કોટિલ લોર્ડ્સ અને અનેક ફ્રાન્સના લોર્ડ્સ અને બેરોન આ લગ્નમાં હાજર રહ્યા, પરંતુ આ લગ્ન હેનરી ધ એઈટ્થની ઈર્ષા અને ક્રોધનું કારણ બન્યા. મારી માએ બે દીકરાને પણ જન્મ આપ્યો હતો. જેમ્સ અને રોબર્ટ પણ રાજ ખટપટને કારણે મારા બંને ભાઈઓને મારી નાખવામાં આવ્યા. અંતે ફક્ત હું જીવિત રહી, એનું એક કારણ કદાચ એ પણ હતું કે, સ્કોટલેન્ડ, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સમાં દીકરી સત્તા પર બેસશે એવી પરવાનગી કે કલ્પના એ સમયના રાજકારણીઓને નહોતી…
નવાઈની વાત એ છે કે, સ્કોટલેન્ડ, ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ ત્રણેય દેશોની ગાદી પર અંતે સ્ત્રીઓ ગોઠવાઈ.
ઈંગ્લેન્ડની રાણી મારી કઝિન હતી. સાચું પૂછો તો ઈંગ્લેન્ડની ગાદી પર હું પણ દાવો કરી શકું. કદાચ એને મારા એ અધિકારનો ભય હતો એટલે જ એણે મને ક્યારેય ઈંગ્લેન્ડના તખ્ત સાથે સંપર્ક રાખવા દીધો નહીં. મને સત્તાનો મોહ કદી રહ્યો જ નથી, પરંતુ જાણે-અજાણે મારું જીવન સત્તાના સંઘર્ષો સાથે ટકરાતું રહ્યું. હું ઈચ્છું કે નહીં, એલિઝાબેથ (પ્રથમ) માટે હું હંમેશાં એની હરીફ બની રહી. ઉપરથી કઝિન હોવાનો દાવો કરીને પ્રેમ બતાવતી એલિઝાબેથ મને હંમેશાં પોતાની દુશ્મન સમજતી રહી. મારે માટે એલિઝાબેથ મારી બહેન પહેલાં અને ઈંગ્લેન્ડની રાણી પછી હતી, જ્યારે એને માટે હું પહેલાં એની હરીફ, અને પછી પણ એની હરીફ જ રહી…
આ હરીફાઈ અને અસુરક્ષાની કથા સમજવા માટે આપણે ૧૫૪૨માં જવું પડે, જ્યારે હું જન્મી. હું મારા પિતા જેમ્સ પાંચમાની એક માત્ર સંતાન હતી, કારણ કે મને છ દિવસની મૂકીને એ મૃત્યુ પામ્યા. એ વખતે ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના સંબંધો તનાવપૂર્ણ હતા. જેમ્સ પાંચમા (મારા પિતા)ના મૃત્યુ પછી સ્કોટલેન્ડની સત્તા સંભાળે એવું કોઈ નહોતું એટલે રાજ્ય ચલાવવા માટે કાર્યકારી શાસકની નિયુક્તિ કરવામાં આવી. કેથલિક ચર્ચના ડેવિડ બીટન અને પ્રોટેસ્ટન્ટ જેમ્સ હેમિલ્ટન (જે એરનના બીજા અર્લ હતા). મારા પિતા વારંવાર યુદ્ધમાં જતા એટલે એમણે પોતાનું વસિયતનામું લખી રાખ્યું હતું. જેમાં એમણે લખ્યું હતું કે, એરનના બીજા અર્લ જેમ્સ હેમિલ્ટન ઉપર એમને વિશ્ર્વાસ છે, કદાચ એ કારણથી જ મારી મા મેરીએ હટાવ્યા નહીં ત્યાં સુધી જેમ્સ હેમિલ્ટન સ્કોટલેન્ડના કાર્યકારી શાસક બની રહ્યા.
એક તરફ, સ્કોટલેન્ડમાં સત્તા હડપવાની દોડ ચાલતી હતી કારણ કે, હું ખૂબ નાની હતી અને મારી મા બિનઅનુભવી! તો બીજી તરફ, ઈંગ્લેન્ડ હેનરી ધ એઈટ્થના પ્રણય અને લગ્નોથી પરેશાન હતું. એન બોલેઈન નામની સ્ત્રીનાં પ્રેમમાં પડેલા હેનરી ધ એઈટ્થને એન બોલેઈને લગ્ન કર્યાં વગર શારીરિક સંબંધ બાંધવાની સ્પષ્ટ ના પાડી. એથી હેનરી કોઈપણ રીતે એની સાથે લગ્ન કરવા બેબાકળા હતા. એમણે ચર્ચમાં દાવો કર્યો કે, કેથરિન ઓફ એરેગોન સાથેના પોતાના લગ્ન સાચાં કે સ્વીકાર્ય નથી. કેથરિનના લગ્ન હેનરી ધ એઈટ્થની પહેલાં, એના જ ભાઈ આર્થર સાથે થયા હતા. જેનું મૃત્યુ થયું. એ પછી કેથરિન સાથે થયેલા પોતાના લગ્નને અયોગ્ય ઠેરવીને હેનરી એઈટ્થ કોઈપણ રીતે એનાથી છૂટવા માગતા હતા. એન બોલેઈન સિવાયનું એક કારણ એ પણ હતું કે, કેથરિન (એરેગોન) પુત્રને જન્મ આપી શકી નહોતી, અને હેનરીને પુત્રની ભયાનક ઝંખના હતી. કેથરિન ઓફ એરેગોન સાથેના લગ્નને અયોગ્ય ઠેરવવા માટે હેનરીએ ખૂબ સંઘર્ષ કર્યો. જેને કારણે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ એના વિરોધી થઈ ગયા.
ઈંગ્લેન્ડની રાણી હોવા છતાં એણે એવો દાવો કર્યો કે, મારા એક્ઝિક્યુશન (મૃત્યુદંડ) વિશે એ કશું જાણતી જ નથી. એણે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડને કહ્યું કે, “વૈલસિંઘમ નામના દરબારીએ ૩૬ ન્યાયાધીશોની સામે મેરી સ્ટુઅર્ટને મહારાણી એલિઝાબેથ (પ્રથમ)-પોતાની હત્યાના આરોપમાં ગુનેગાર ઠેરવીને બારોબાર વિલિયમ ડેવિડસન સાથે મળીને મને મૃત્યુદંડ આપવાનો નિર્ણય લઈ લીધો. હું જાણું છું, રાણી છું અને રાજ પરિવાર સાથે મારો ગાઢ સંબંધ રહ્યો છે માટે મને ખબર છે કે, કોઈપણ વ્યક્તિના મૃત્યુદંડની સજા ઉપર મહારાણીનાં હસ્તાક્ષર હોવા જરૂરી છે. એનો અર્થ એ થયો કે, મારા મૃત્યુદંડ ઉપર એલિઝાબેથે (પ્રથમ) હસ્તાક્ષર કર્યાં જ હોવા જોઈએ. જોકે, પ્રાઈવી કાઉન્સિલે પોતાની મરજી વિરુદ્ધ આ મુકદ્દમો ચલાવ્યો અને પ્રાઈવી કાઉન્સિલ, ૩૬ ન્યાયાધીશોની વિરુદ્ધ પોતે ન જઈ શકે એવી દલીલ સાથે એલિઝાબેથે મારા મૃત્યુના ગુનામાંથી પોતાની જાતને નિષ્કલંક બહાર કાઢી લીધી. (ક્રમશ:)