કવર સ્ટોરી -ગીતા માણેક
ધારો કે તમે એક આઇસક્રીમ બનાવવાની કંપની શરૂ કરવા માગો છે. એ વિશેની પ્રાથમિક માહિતી મેળવવા તમે ગૂગલ કરો છો અને ટાઇપ કરો છો કે ભારતમાં આઇસક્રીમ-મેન્યુફેકચરિંગનો બિઝનેસ કરવા માટે કેટલું બજેટ હોવું જોઇએ? તો ગૂગલ તમને ૬૫ સેક્ધડમાં બે કરોડ છત્રીસ લાખ વેબસાઇટ્સ દર્શાવે છે. આ બે કરોડ વેબસાઇટ પર જઇને કંઇ તમે માહિતી ભેગી કરવાના નથી. આમાંથી કેટલી માહિતી તમને કેટલી કામની છે એ શોધવું ઘાસની ગંજીમાંથી સોઇ શોધવા કરતાં પણ વધુ મુશ્કેલ કાર્ય છે.
પરંતુ આની સરખામણીમાં તમને આ જ પ્રશ્ર્ન ટાઇપ કરીને એકઝેકટલી જેની જરૂર છે એટલી જ માહિતી પીરસવામાં આવે તો? હા, હવે આ શકય છે. ઇન્ટરનેટ પર હવે આ સુવિધા ઉપલબ્ધ થઇ ચૂકી છે જેનું નામ છે ચેટજીપીટી (ChatGpt)ં ચેટ એટલે વાતચીત અને જીપીટી એટલે જનરેટીવ. પ્રી-ટ્રેઇનિંગ ટ્રાન્સફોર્મર.
આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ હવે આપણા માટે નવો શબ્દ કે વિભાવના રહી નથી આ આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ દ્વારા સબસ્ક્રાઇબરને જોઇતી હોય તે માહિતી હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.
જે પ્રશ્ર્ન આપણે ગૂગલને પૂછયો હતો કે ભારતમાં આઇસક્રીમ મેન્યુફેકચરિંગ કરવા માટે ઓછામાં ઓછું કેટલું બજેટ જોઇએ? એ જ પ્રશ્ર્ન જયારે ચેટજીપીટીમાં પૂછવામાં આવ્યો ત્યારે એકદમ ચોક્કસ અને માત્ર એક જ જવાબ આવ્યો કે – આઇસક્રીમ મેેન્યુફેકચરિંગ માટેનું ઓછામાં ઓછું બજેટ બિઝનેસની સાઇઝ અને સ્ક્રોપ પર આધારિત છે. સામાન્ય રીતે શરૂઆતમાં પાંચથી દસ લાખ રૂપિયા ખર્ચવા પડે જેમાં આઇસક્રીમ બનાવવાનાં સાધનો, કાચો માલ અને પેકેજિંગ ઉપરાંત બિઝનેસ ચલાવવા માટેના ખર્ચનો સમાવેશ થાય છે.
ચેટજીપીટીને આ રીતે એક પછી એક પ્રશ્ર્નો પૂછી શકાય છે. આ પ્રશ્ર્ન દુનિયાના કોઇપણ વિષયના હોઇ શકે પણ અહીં ચેટજીપીટી શું છે એ સમજાવવાના હેતુથી આપણે આઇસક્રીમના બિઝનેસ વિશે જ સવાલ પૂછી રહ્યા છીએ.
જેમ કે ભારતમાં આઇસક્રીમ મેન્યુફેકચરિંગ કરવું હોય તો કયું શહેર પસંદ કરવું? આ પ્રશ્ર્નના જવાબમાં ચોક્કસ જવાબ આવે છે કે દિલ્હી, મુંબઇ, બેંગલોર, ચેન્નાઇ, હૈદ્રાબાદ, કોલકાતા, પુણે, અમદાવાદ અને જયપુરમાંનું શહેર પસંદ કરી શકાય. આ શહેરોમાં ખૂૂબ બધી વસતિ છે અને આઇસક્રીમની ખપત પણ વધારે છે.
મતલબ કે પ્રશ્ર્નના જવાબમાં માહિતી આપવાની સાથે-સાથે ચેટજીપીટી કારણો અને કયા આધાર પર તેના દ્વારા આ સૂચન થયું છે એ પણ જણાવે છે.
ચેટજીપીટી કંઇ માત્ર માહિતી જ નથી પીરસતું પણ તેના સબસ્ક્રાઇબરને સર્જનાત્મક ક્ષેત્રમાં પણ મદદ કરે છે. જેમ કે જો આઇસક્રીમ બનાવવાનું શરૂ કરીએ તો તેનું બ્રાન્ડ નેમ શું હોવું જોઇએ એવું પૂછો તો તે સાતેક નામનું સૂચન પણ કરે છે. જેમ કે ક્રીમી ડિલાઇટ, સ્વીટ સ્કૂપ્સ, ફૂલ ટ્રીટ્સ, ક્રીમ જોય, ક્રીમ મેજિક વગેરે આટલું જ નહીં પણ જો સબસ્ક્રાઇબર પૂછે તો એની ટેગ લાઇન પણ આપે છે.
– વી સર્વ અપ સ્માઇલ્સ વીથ એવરી સ્કૂપ (આઇસક્રીમના દરેક કપ સાથે અમે સ્મિત પણ પીરસીએ છીએ).
ફકત બિઝનેસ સંબંધી જ નહીં પણ આ આસમાન નીચે અને પૃથ્વી પટ પરના કોઇ પણ વિષયની કોઇ પણ માહિતી કે સહાય માગો તો એ ચેટજીપીટી ઘડીના છઠ્ઠા ભાગમાં તમારી સ્ક્રીન પર હાજર કરી દે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે વિષય પર તમે માહિતી માગતા હો એનો કોઇ નિષ્ણાત સામે છેડેથી તમારી સાથે ચેટ એટલે કે સંવાદ કરી રહ્યો હોય એ રીતે તમને જવાબ આવે છે. બરાબર એ જ રીતે જે રીતે આપણે વ્હોટ્સ અપ પર ચેટ કરીએ છીએ.
ચેટજીપીટી પર કોઇ પણ પ્રશ્ર્ન પૂછી શકાય છે. દાખલા તરીકે શનિનું ગોચર કુંભ રાશિમાં થઇ રહ્યું છે. અને મારી જન્મકુંડળીમાં શનિ મીન રાશિમાં છે તો મારું ૨૦૨૩નું વર્ષ કેવું હશે એવા પ્રશ્ર્નનો પણ ચોક્કસ જવાબ તમને મળે છે.
અલબત્ત, આ બધું જ તેની પાસે જે ડેટા છે એના આધારે આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ તારણ કાઢીને તમને પીરસે છે.
ચેટજીપીટીનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે તેને અહીં એક લેખમાં ટૂંકાવવું મુશ્કેલ છે પણ સરળ શબ્દોમાં કહીએ તો ગૂગલથી અનેકગણું આગળનું વર્ઝન છે અને આ આપણું ભવિષ્ય છે.
આની સૌથી મોટી સાબિતી એ છે કે ફેસબુકને દસ લાખ સબસ્ક્રાઇબર મળતા ૧૦ મહિના, ઇન્સ્ટાગ્રામને અઢી મહિના જાયારે ચેટજીપીટીને માત્ર પાંચ દિવસમાં દસ લાખ સબસ્ક્રાઇબર મળી ગયા હતા!
ચેટજીપીટી એટલે શું? એવો પ્રશ્ર્ન ચેટજીપીટીને જ પૂછીએ તો તે જવાબ આપે છે કે હું સત્યના આધાર પર પુછાયેલા પ્રશ્ર્નનો જવાબ આપતું બૉટ (ઓટોનોમસ પ્રોગ્રામ) છું. જો તમે મને વાહિયાત કે છળકપટથી પ્રશ્ર્ન પૂછશો કે જેનો મારી પાસે જવાબ ન હોય તો હુંં ‘અનનોન’ (ખબર નથી) એવો જવાબ આપીશ.
ગૂગલ, સફારી કે એવા કોઇ સર્ચ એન્જિન પર આપણે માહિતી મેળવવા પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણી સામે માહિતીનો અફાટ સમુદ્ર ખુલી જાય છે અને આપણે ઘણીવાર એમાં ગોથાં ખાઇ જઇએ છીએ, પરંતુ ચેટજીપીટીની વિશિષ્ટતા એ છે કે જો આપણે તેને યોગ્ય શબ્દોમાં અને યોગ્ય રીતે પ્રશ્ર્ન પૂછીએ તો તે પોતે જ માહિતીના દરિયામાં ડૂબકી મારી આપણે જે અને જેવા પ્રકારની માહિતીનું મોતી જોઇતું હોય એ ઘડીના છઠ્ઠા ભાગમાં હાજર કરી આપે છે.
ચેટજીપીટીની શરૂઆત હજુ ત્રણ મહિના પૂર્વે જ થઇ છે એટલે કે નવેમ્બર ૨૦૨૨માં જ લોન્ચ થયું છે, અને આવનારાં વર્ષોમાં તે ગૂગલ અને અન્ય સર્ચ એન્જિનનું ઉઠમણું કરી નાખે એવું લાગી રહ્યું છે.
એક ખાસ વાત, અત્યારે તો ચેટજીપીટી નિ:શુલ્ક એટલે કે તદ્દન ફ્રી છે, પરંતુ ચેટજીપીટી આવતાની સાથે જ કેટલાંક ગઠિયાઓએ આવા જ પ્રકારના નામની એપ શરૂ કરી નાખી છે અને પૈસા ભરીને તેને સબસ્ક્રાઇબ કરાવી રહ્યાં છે, પરંતુ જે ઓરિજિનલ ચેટજીપીટી છે એ એપ્લિકેશન સ્ટોરમાંથી નહીં સીધે સીધી Openai.com પરથી મફતમાં સબસ્ક્રાઇબ કરી શકાય છે.
ચેટજીપીટીમાં બીજી પણ ઘણી સુવિધાઓ છે જેનો એને સબસ્ક્રાઇબ કરીને ઉપયોગ કરી શકાય છે.