મુંબઈના એક રોડ એક્સિડન્ટ કેસની સુનાવણી કરતી વખતે મુંબઈ હાઈ કોર્ટે ટાયર ફાટવું એ એક્ટ ઓફ ગોડ હેઠળ ના આવતું હોઈ માનવી બેદરકારી છે. એક વીમા કંપની દ્વારા રોડ એક્સિડન્ટમાં મૃતકના પરિવારને નુકસાન ભરપાઈ આપવાના વિરોધમાં એક પિટીશન દાખલ કરી હતી અને કોર્ટે આ પિટીશન ફગાવી દીધી હતી.
ન્યાયમૂર્તિ એસજી ડિગેની ખંડપીઠ દ્વારા 17મી ફેબ્રુઆરીના આપેલા આદેશમાં ન્યુ ઈન્ડિયા એશ્યુરન્સ કંપની લિમિટેડે મોટર એક્સિડેન્ટલ ક્લેમ્સ ટ્રિબ્યુનલના 2016ના એક ચુકાદાની સામે દાખલ કરીને અપીલ રદ કરી હતી અને પીડિત મકરંદ પટવર્ધનના પરિવારને રૂ. 1.25 કરોડનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 25મી ઓક્ટોબર, 2010ના પટવર્ધન તેમના બે સાથીદાર સાથે કારમાં પુણેથી મુંબઈ આવી રહ્યા હતા. દરમિયાન કારનું પાછળનું ટાયર ફાટ્યું હતું અને કાર ખીણમાં ધસી ગઈ હતી. આ એક્સિડન્ટમાં પટવર્ધનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે પીડિત અને તેમના પરિવારના એક માત્ર કમાઉ વ્યક્તિ હતા. વીમા કંપનીએ પોતાની અપીલમાં એવું કહ્યું હતું કે નુકસાન ભરપાઈની રકમ ખૂબ જ વધુ છે અને ટાયર ફૂટવું એ એકટ ઓફ ગોડ હેઠળ આવે છે. આમાં ડ્રાઈવરની બેદરકારી નથી.
જેની સામે હાઈ કોર્ટે આ અપીલનો સ્વીકાર કરવાનો ઈનકાન કર્યો હતો. કોર્ટે એવું જણાવ્યું હતું કે શબ્દકોશમાં એક્ટ ઓફ ગોડનો અર્થ જેના પર નિયંત્રણ ના હોય એવી કુદરતી શક્તિના એક ઉદાહરણ તરીકેનો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ટાયર ફાટવાની ઘટનાને એક્ટ ઓફ ગોડ હેઠળ ના માની શકાય.
કોર્ટે આગળ જણાવ્યું હતું કે ટાયર ફાટવા માટે અનેક કારણો જવાબદાર છે જેમ કે વધુ સ્પીડ, ઓછી હવા, વધુ હવા કે સેકન્ડ હેન્ડ ટાયર કે પછી તાપમાન… પ્રવાસ કરતાં પહેલાં ચાલકે ટાયરની સ્થિતિ ચકાસવી જોઈએ. ટાયર ફાટવાની ઘટનાને કુદરતી ઘટના ના માની શકાય. આ માનવી બેદરકારીનું પરિણામ છે. એક્ટ ઓફ ગોડનું નામ આપીને વીમા કંપની આવી ઘટનામાં વળતર ચૂકવવાથી બચી શકે નહીં.