જિંદગીએ આપેલી બીજી તકનો હકદાર અભિનેતા કી હુઈ ક્વાન
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
બે દાયકા સુધી જે વ્યક્તિને પોતાના દેખાવના કારણે કામ નથી મળતું તેને અચાનક એક ફિલ્મ અને કિરદાર સીધો જ ઓસ્કર અપાવે છે! ગયા સપ્તાહે આપણે વાત કરતા હતા ‘એવરીથીંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર ઍવોર્ડ જીતનાર એક્ટર કી હુઈ ક્વાનની. લેટ્સ કન્ટિન્યુ.
ક્વાનને એક્ટિંગ ક્ષેત્રે એશિયન દેખાવના કારણે કામ મેળવવામાં સંઘર્ષ કરવો પડ્યો. પણ તેનો મતલબ એ નહીં કે તે બીજા લોકોની જેમ અમેરિકન બોર્ન ચાઈનીઝ/એશિયન છે અથવા એશિયન દેશમાંથી અમેરિકામાં કામની શોધમાં આવ્યો અને તેને કામ ન મળ્યું. ક્વાનને અમેરિકા પણ મજબૂરીમાં જ આવવું પડ્યું હતું. તેનું બચપણ પણ સંઘર્ષમય જ પસાર થયું છે. ક્વાનનો જન્મ ૧૯૭૧માં દક્ષિણ વિયેતનામના સાયગોન શહેરમાં થયો. તેઓ આઠ ભાઈ-બહેન હતાં. ૧૯૭૫માં ઉત્તર વિયેતનામે દક્ષિણ વિયેતનામ પર કબજો કર્યો. એ સ્થિતિમાં ક્વાન અને તેની ફેમિલીને જેમતેમ કરીને એક રાતે અચાનક જ પોતાનું ઘર, શહેર અને દેશ છોડીને એક બોટમાં ભાગી નીકળવું પડ્યું. ક્વાન, તેના પિતા અને તેના પાંચ ભાઈ-બહેન હોંગકોંગ પહોંચ્યા જયારે તેની માતા અને બીજા ત્રણ ભાઈ-બહેને મલેશિયામાં આશરો મેળવવો પડ્યો. હોંગકોંગમાં પણ નોર્મલ જીવન નહીં, તેમને રેફ્યુજી કેમ્પમાં જ કેટલાય સમય માટે રહેવું પડ્યું. એ પછી ૧૯૭૯માં ક્વાન અને તેની ફેમિલીને રેફ્યુજી એડમિશન્સ પ્રોગ્રામ હેઠળ અમેરિકા શિફ્ટ કરવામાં આવ્યા. એ પછી તેમની જિંદગીમાં થોડો સુધાર આવ્યો. સમય જતા ક્વાને શિક્ષણ મેળવ્યું અને તેને ફિલ્મમાં કામ પણ મળ્યું. પણ તેમાં પણ તેના ભાગે આગળ જતા લાંબા સમયની નિરાશા જ લખાયેલી હતી.
ક્વાને ૨૦૧૯ની ‘ફાઈન્ડિંગ ઓહાના’ ફિલ્મમાં પણ નાનકડો રોલ કર્યો છે. અને એ પહેલાં કેમેરા પાછળ કામ કરીને પણ ક્વાને સિનેમાની નજીક રહેવાનું જ પસંદ કરેલું. ક્વાન કહે છે, ‘હું ખુશ હતો કે હું કોઈક રીતે તો સિનેમામાં પ્રદાન કરી રહ્યો છું. એ અનુભવના કારણે જયારે હવે હું સેટ ઉપર પહોંચું છું ત્યારે મારી નજર સૌને જોઈ શકે છે. પ્રોડક્શન આસિસ્ટન્ટ, ગેફર, બૂમ ઓપરેટર સૌને. કેમ કે હું એ બધું જ કરી ચૂક્યો છું. હું એમના કામની કદર કરી શકું છું. આ અનુભવ મને એક સારી વ્યક્તિ અને સારો અભિનેતા બનાવે છે. આ બધી જ વસ્તુ મારા મનમાં હજુ ખૂબ જ તાજી છે. અને એટલે જ ઓસ્કર જીત્યા પછી પણ હું ડરેલો છું. ખબર નથી કાલ મારા માટે શું લઈને ઊભી છે.’
‘એવરીથીંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’માં કામ કર્યા પછી પણ બે વર્ષ ક્વાન માટે નબળો સમય યથાવત રહ્યો. માર્ચ, ૨૦૨૦માં શૂટિંગ પૂરું થયા પછી કોવિડ મહામારીના કારણે ફિલ્મની રિલીઝ લંબાઈ અને દર્શકોને કે ઇન્ડસ્ટ્રીને ખબર જ ન પડી કે ક્વાને ફરી કામ કર્યું છે અને એ પણ આટલી જોરદાર ફિલ્મમાં જાનદાર અભિનય. ‘ધ લેટ શો વિથ સ્ટીવન કોબર્ટ’માં ક્વાન કહે છે, હું પણ સૌની જેમ ઘરે બેઠો હતો. સતત ઓડિશન્સ મોકલી રહ્યો હતો. તો પણ મને એક પણ કામ ન મળ્યું. એક પણ કોલ બેક નહીં. અને હું ફરી વખત ખૂબ જ ચિંતિત થઈ ગયો કેમ કે ‘નાનપણના મારા ઓડિશન્સના અનુભવોનું જ પુનરાવર્તન થઈ રહ્યું હતું. જેના કારણે મેં એક્ટિંગના વધુ પ્રયત્નો છોડી દીધેલા, પણ આ ફિલ્મ પછી રસ્તાઓ ખૂલ્યા છે. સાચું કહું તો અત્યારે મારા માટે ચીજો પહેલાં કરતાં ઘણી બદલાઈ છે. હું આભારી છું, કૃતજ્ઞ છું. હું એક્ટિંગમાં પાછો ફર્યો ત્યાર પછીની આખી સફર ખૂબ જ ઈમોશનલ રહી છે. હું ખૂબ જ રડ્યો છું. મને હતું કે બધા જ મને ભૂલી ચૂક્યા છે, પણ જ્યારથી આ ફિલ્મ આવી છે ત્યારથી મને ખૂબ જ પ્રેમ મળ્યો છે.’
કી હુઈ ક્વાનની જિંદગીમાં ખૂબ જ ખૂબસૂરત સંજોગો બન્યા છે. દાયકાઓ સુધી મનમાં એક આશા સાથે જીવ્યા પછી ક્વાનના ફરી એક્ટિંગ માટે પ્રયાસો કરવાના નિર્ધાર કરવા પાછળ પણ એક ફિલ્મ જ રહેલી છે ‘ક્રેઝી રિચ એશિયન્સ’ (૨૦૧૮). આ ફિલ્મ જોઈને ક્વાનને થયું કે હું કેમ નથી આવી ફિલ્મમાં? એ સમય આવી ગયો છે કે મારા જેવા દેખાતા લોકોને ફિલ્મમાં કામ મળી રહ્યું છે. બરાબર એ જ વર્ષે ‘એવરીથીંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ના ડિરેક્ટર્સ વેમન્ડ વોન્ગના ક્વાનના કિરદાર માટે એક્ટરની શોધમાં હતા. અને આ બાજુ ક્વાને ફરીથી એક્ટિંગ પ્રોજેક્ટ્સની શોધ આદરી હતી. ક્વાને ટેલેન્ટ એજન્ટ રાખ્યો એના ફક્ત બે જ અઠવાડિયામાં આ ફિલ્મ માટે ઓડિશન
આપવા માટે તેને કોલ આવ્યો. સંયોગ જુઓ કે વર્ષો સુધી કશું જ નહીં અને એક પ્રેરણાથી ફરી પોતાના સપનાંને જીવંત રાખવા ક્વાને એક કોશિશ કરી કે તરત જ એક તક તેને સફળતા સુધી ખેંચી ગઈ. જાણે જિંદગી કહેતી હોય કે તું ફરી એક ડગ માંડ તો હું પણ એક ડગ માંડું. સેક્ધડ ચાન્સ, યુ નો! અને આજે ઓસ્કરની સાથે ક્વાન ગોલ્ડન ગ્લોબ, સ્ક્રીન એક્ટર્સ ગીલ્ડ ઍવોર્ડ્સ પણ મેળવી ચૂક્યો છે. એટલું જ નહીં, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટેનો સ્ક્રીન એક્ટર્સ ગીલ્ડ ઍવોર્ડ મેળવનાર ક્વાન પહેલો એશિયન પુરુષ અને વિયેતનામી એક્ટર બની ચૂક્યો છે અને ઓસ્કર જીતનાર પહેલો વિયેતનામી એક્ટર પણ!
ઓસ્કર જીતનાર સૌ માટે વિનિંગ સ્પીચ ખૂબ જ ખાસ હોય છે. ક્વાને પણ એક ખૂબ જ ઈમોશનલ સ્પીચ આપી હતી. વાંચો રડતા-રડતા બોલાયેલા એ શબ્દોનો અંશ- મારી મા ૮૪ વર્ષની છે અને અત્યારે તે ઘરે ટીવીમાં મને જોઈ રહી છે. મા, જુઓ હું ઓસ્કર જીત્યો! મારી સફર શરૂ થઈ હતી એક બોટ પર. હું એક વર્ષ રેફ્યુજી કેમ્પમાં રહ્યો છું, અને આજે હોલીવૂડના સૌથી મોટા સ્ટેજ પર ઊભો છું. લોકો કહે છે કે આવા કિસ્સાઓ ફક્ત ફિલ્મ્સમાં જ બનતા હોય છે. હું વિશ્ર્વાસ નથી કરી શકતો કે મારી સાથે પણ એવું સાચે જ થઈ રહ્યું છે. થેન્ક યુ એકેડમી ઍવોર્ડ્સ. થેન્ક યુ મા, એ બધા જ બલિદાનો માટે જેના કારણે આજે હું અહીં પહોંચ્યો છું. થેન્ક યુ મારા નાના ભાઈ ડેવિડ, જે મને રોજ કોલ કરે છે. આઈ લવ યુ બ્રધર. થેન્ક યુ મારા ‘ધ ગૂનીઝ’ના ભાઈ જેફ કોહેન અને થેન્ક યુ મારી વાઈફ એકો, કે જેનો હું જિંદગીભર માટે ઋણી છું. તે દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ અને વર્ષોનાં વર્ષો સુધી મારામાં વિશ્ર્વાસ ભરતી રહી કે એક દિવસ મારો સમય આવશે. સપનાંઓ પર શ્રદ્ધા રાખવી જરૂરી છે. મેં લગભગ એ શ્રદ્ધા ગુમાવી દીધેલી, પણ તમે બધા તમારાં સપનાંઓ જીવિત રાખજો!’
લાસ્ટ શોટ
કી હુઈ ક્વાન આગળ ડિઝની પ્લસ પર ‘અમેરિકન બોર્ન ચાઈનીઝ’ અને ‘લોકી’ સિઝન-૨ વેબ શોઝમાં જોવા મળશે!