(તસવીર: ઉત્સવ વૈદ્ય, ભુજ)
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં વૈશાખના સુદ પક્ષમાં છવાયેલો અષાઢી માહોલ સતત પાંચમે દિવસે પણ યથાવત્ રહેવા પામ્યો હોય તેમ આજે સવારથી જ ગોરંભાયેલા આકાશ વચ્ચે છૂટોછવાયો વરસાદ જારી રહ્યો છે. મુખ્ય મથક ભુજમાં મેઘગર્જનાઓ વચ્ચે વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, જયારે શહેરની આસપાસના વિસ્તારોમાં પણ સમયાંતરે ઝાપટાં વરસ્યાં હતાં.
આ ઉપરાંત આદિપુર, અંજાર, ગાંધીધામ સંકુલમાં પણ ઝાપટાં રૂપી એકાદ ઇંચ માવઠું થતાં વાતાવરણમાં અષાઢી મહેક પ્રસરી છે. બંદરીય મુન્દ્રામાં
દિવસ દરમ્યાન પડી રહેલાં ભારે ઝાપટાંથી શહેરની બજારોમાં પાણી ભરાઈ
જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પશ્ર્ચિમ કચ્છના નાગવીરી,ઘડાણી, વિગોડી, રામપર સરવા, ખિરસરા, રતડિયા, હરિપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરતપણે ધીમી ધારે વરસાદ વરસવો ચાલુ રહેતાં ખેડૂતોને કેરીમાં નુકસાની થવાનો ડર સતાવી રહ્યો છે. સીમાવર્તી અબડાસા તાલુકામાં પણ ગોરંભાયેલા માહોલ વચ્ચે મોટાભાગના મથકોમાં વહેલી સવારથી મિનિ વાવાઝોડાની સંગાથે ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતા. બિટ્ટા, બાલાપર, બુડધ્રો, વમોટી નાની, વમોટી મોટી, ભારાપર, પાટ, ખાનાય, ધુફી મોટી અને નાની સહિતના ગામોમાં સરેરાશ અડધાથી પોણો ઇંચ પાણી પડી ગયું હતું.
દરમિયાન ભુજ તાલુકાના લાખોંદમાં વરસાદથી તૈયાર જાંબુને બચાવવા વૃક્ષ પર ચડેલા ભુજના દિનેશ દાતણિયાં (ઉ.વ.૩૦)નું વીજળી પડતા તેનું તત્કાળ મોત નિપજ્યું હતું જ્યારે જાંબુના ઝાડથી થોડા અંતરે રહેલી દિનેશની પત્ની ગીતાના બે પગ પણ વીજળીના લીધે બળ્યા હોવાથી સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.