(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં ધોળેદહાડે બનેલી કમકમાટીભરી ઘટનામાં કચ્છી વેપારીએ પાંચ જણ પર ચાકુથી હુમલો કરતાં વૃદ્ધ દંપતી સહિત ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે બે જણને ઇજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોઇ એકની હાલત નાજુક છે. ચાકુના ઘા ઝીંકી રહેલા વેપારીનું રાહદારીઓએ વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું, જેનો વીડિયો વાઇરલ થયો હતો.. ડી.બી. માર્ગ પોલીસે આ પ્રકરણે ગુનો નોંધીને વેપારીની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યુંં હતું.
ગ્રાન્ડ રોડ સ્થિત ડો. ડી.બી. માર્ગ પર આવેલી પાર્વતી મેન્શન (સી બ્લોક)ના બીજા માળે શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા ત્રણેય જણની ઓળખ જયેન્દ્રભાઇ મિસ્ત્રી (૭૭), તેમની પત્ની ઇલા મિસ્ત્રી (૭૦) તથા જેનિલ બ્રહ્મભટ (૧૮) તરીકે થઇ હતી, જ્યારે જેનિલની માતા સ્નેહલ તેમ જ પ્રકાશ વાઘમારે (૫૩)ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયાં હોઇ સ્નેહલની હાલત નાજુક છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના વાગડના સામખિયાળીનો વતની અને પાર્વતી મેન્શનના બીજા માળે રહેતો કચ્છી વેપારી ચેતન રતનસિંહ ગાલા (૫૪) શુક્રવારે બપોરે ચાકુ લઇને ઘરની બહાર આવ્યો હતો અને તેણે પ્રથમ જયેન્દ્ર મિસ્ત્રી, તેની પત્ની અને ત્યાં સૂતેલા પ્રકાશ વાઘમારે પર ચાકુથી હુમલો કર્યો હતો. ચેતન ગાલાએ કરેલા હુમલાને લઇ ઇમારતમાં બૂમાબૂમ થતાં પહેલા માળે રહેતી સ્નેહલ અને તેની પુત્રી જેનિલ બ્રહ્મભટ શું થયું છે એ જોવા માટે બીજા માળે દોડી આવતાં ચેતને તેમના પર પર ચાકુથી હુમલો કર્યો હતો. ચેતનને ચાકુ સાથે જોઇને પહેલા માળે રહેનારા લોકો તેને મારવા માટે સ્ટમ્પ અને બાંબુ લઇને દોડી આવતાં ચેતન તેના ઘરે ભાગી ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દરવાજો ખોલીને ચેતનને તાબામાં લીધો હતો.