દેશભરમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે ત્યારે ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણ મોત નોંધાયા છે, જે ચિંતાજનક છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 260 કેસ નોંધાયા હતા. જેની સામે 356 દર્દીઓ સાજા થયા હતા અને હાલ છ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. રાજ્યમાં કોરોનાથી ત્રણ દર્દીના મોત થયા હતા.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસ અને બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કુલ 2056 એક્ટિવ કેસ છે. જેમાંથી છ દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 2050 દર્દીઓ હાલ સ્થિર છે. અમદાવાદમાં સૌથી વધુ 83 કેસ નોંધાયા હતા. 126 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે સુરતમાં નવા 36 કેસ, વડોદરામાં 46 કેસ, મોરબીમાં 21 કેસ, મહેસાણામાં 10 કેસ, રાજકોટમાં 9 કેસ, ગાંધીનગરમાં 8 કેસ નોંધાયા હતા. શનિવારના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદ, રાજકોટ અને ભાવનગરના દરદીઓનો સમાવેશ થાય છે.