(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ભારત-પાકિસ્તાન વચ્ચેની કચ્છની આંતરરાષ્ટ્રીય જળસીમાએ માછીમારી કરી રહેલા ત્રણ પાકિસ્તાની શખસોની ડીઝલ બોટના એન્જિનમાં મધદરિયે ખોટિપો સર્જાતાં બેકાબુ બનેલી તેમની બોટ પાકિસ્તાનની જળસીમાળાથી ભારતીય જળસીમામાં તણાઈ આવતાં સરહદી સલામતી દળે તમામનો બચાવ કરી, આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ ધરપકડ કરી ભુજના સામુહિક પૂછપરછ કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ અંગે બી.એસ.એફ.ના પ્રવક્તાએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સિરક્રીકના પૂર્વ છેડે શંકાસ્પદ હિલચાલ સ્પોટ થતાં ચોકિયાત ટુકડીએ તુરંત ત્યાં ધસી જઈ પાકિસ્તાની બોટ સાથે ત્રણ માછીમારોને ઝડપી પાડ્યાં હતા.ઝડપાયેલાં ત્રણે માછીમારો સૈયદ ગુલામ મુર્તજા (ઉ.વ. ૬૫) બશીર જાવદ (ઉ.વ. ૬૦) અને અલી અકબર અબ્દુલ ગની (ઉ.વ. ૫૪) કરાંચીના રહેવાસી છે. માછીમારી દરમ્યાન તેમની બોટનું એન્જિન બંધ પડી જતાં ભરતીના મોજાં અને વેગીલા પવનના લીધે તેઓ બોટ સાથે ભારતીય જળસીમામાં તણાઈ આવ્યાં હોવાનું તેમણે પ્રાથમિક પૂછપરછમાં જવાનોને જણાવ્યું હતું. તણાઈ આવેલી બોટની તલાશીમાં કશું વાંધાજનક ના મળ્યું હોવાનું બીએસએફના પ્રવક્તાએ ઉમેર્યું હતું.
પાકિસ્તાની માછીમારોએ હરામીનાળા અને સિરક્રીક વાટે ભારતમાં ઘૂસીને માછીમારી કરવાની તેમની વર્ષો જુની પદ્ધતિ ફરી વધારી છે. સરહદી સલામતી દળે ઘૂસણખોરી માટે ગોલ્ડન ગેટવે ગણાતા હરામીનાળા વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં વ્યૂહાત્મક હાજરી અને સતત પેટ્રોલિંગ દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરીને લગભગ નામશેષ કરવામાં સફળતા મેળવી હતી, જો કે તાજેતરમાં વધી ગયેલા ઘૂસણખોરીના બનાવોએ આ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ હોવાનું સીમાદળે જણાવ્યું હતું.