સ્માર્ટફોન આજે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેના વિના જીવવાની કલ્પના પણ કરી શકાતી નથી. સ્માર્ટફોનને લગતો એક આશ્ચર્યજનક રિપોર્ટ સામે આવ્યો છે. મોબાઇલ બનાવતી જાણીતી કંપનીના રિસર્ચે એક રિપોર્ટ શેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે દર 4 ભારતીયમાંથી 3ને NoMoPhobia નામની બીમારી છે. લગભગ 72% ભારતીયો એવા છે જેમને મોબાઈલ ફોનની બેટરી 20% સુધી પહોંચતા જ ‘લો બેટરીની ચિંતા’ થઈ જાય છે. ઉપરાંત 65% લોકો એવા છે કે જેમને લૉ બેટરીને કારણે ઇમોશનલ એન્ઝાયટી અને અસહાય અનુભવવા માંડે છે. જો તમે પણ એવું જ અનુભવો છો તો તમે પણ NoMoPhobiaથી પીડિત છો.
NoMoPhobia શું છે? :-
નોમોફોબિયા એટલે કે નો મોબાઈલ ફોન ફોબિયા એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ મોબાઈલથી દૂર હોય ત્યારે નર્વસ થવા લાગે છે. વ્યક્તિને ફોનની એટલી બધી આદત પડી ગઇ હોય છે કે ફોન વગર તેને નર્વસનેસ ફીલ થવા માંડે છે.
જાણીતા ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતાએ એક સર્વે કંપની સાથે મળીને ‘નોમોફોબિયાઃ લો બેટરી એન્ઝાઈટી કન્ઝ્યુમર સ્ટડી’ અંગે એક અભ્યાસ હાથ ધર્યો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 47% લોકો તેમના સ્માર્ટફોનને દિવસમાં બે વાર ચાર્જ કરે છે અને લગભગ 87% લોકો તેમના મોબાઈલ ફોનને ચાર્જ કરતી વખતે ફોનમાં વ્યસ્ત રહે છે, મતલબ કે મોબાઇલ ફોન વાપરતા રહે છે. એક અહેવાલ અનુસાર સ્માર્ટફોનની બેટરી ઓછી થવા પર 74 ટકા મહિલાઓ ચિંતિત રહે છે, જ્યારે પુરુષોમાં આ આંકડો 82 ટકા છે. રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે લગભગ 60% લોકો એવા છે કે જેઓ બેટરીનું પરફોર્મન્સ સારું ન હોવા પર ફોન બદલી નાખે છે. 92.5 ટકા લોકો બેટરી લાંબા સમય સુધી ચાલવા માટે તેમના ફોનમાં પાવર-સેવિંગ મોડ રાખે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 40 ટકા લોકો દિવસની પહેલી અને છેલ્લી વસ્તુ તરીકે તેમના ફોનનો ઉપયોગ કરે છે.
આ રિપોર્ટના રિલીઝ પર મોબાઇલ ફોન કંપનીના પ્રમુખે કહ્યું હતું કે આ રિપોર્ટની મદદથી અમે ગ્રાહકોના વર્તનને સમજી રહ્યા છીએ જેથી અમે અમારા ઉત્પાદનોમાં જરૂરી ફેરફાર કરી શકીએ. તેમણે કહ્યું કે કંપનીનું મિશન એવા ઉત્પાદનો બનાવવાનું છે જે લોકોને કાયમી મૂલ્ય આપે. સ્માર્ટફોન આજે આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે અને તેના કારણે લોકોને ફોન વગર ન રહેવાનો ફોબિયા થઈ ગયો છે. તેમણે કહ્યું હતું કે સ્માર્ટફોનની બેટરી લાઈફ ઓછી હોવાને કારણે 31 થી 40 વર્ષની વયજૂથમાં કામ કરતા લોકો વધુ ચિંતિત છે. આ પછી 25 થી 30 વર્ષના યુવાનો આમાં સામેલ છે.