(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં અલગ-અલગ બે આગની ઘટનામાં ઉત્રાણ વીઆઈપી સર્કલ પાસે જીઈબીની ડીપીમાં આગ ભભૂકી ઊઠી હતી. જેમાં એક કામદાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે પાંડેસરામાં ગારમેન્ટના કારખાનામાં આગ લાગવાની ઘટના બની હતી. આ બન્ને ઘટનામાં ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણના અતિયાવાડ સ્થિત એક યાન કંપનીમાં આગ લાગી હતી. આગના પગલે પાંચ જેટલા કામદારોએ જીવ બચાવવા ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. જેથી બે કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ૧૨ જેટલાં ફાયરફાઈટરો ઘટના સ્થળે પહોંચી હતી. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થયું હતું. દરમિયાન પાંડેસરા વડોદ વિસ્તારમાં રહેતા ઇન્દ્રજીત સિંગ (ઉ.વ.૪૩) જમીને નોકરી પર પરત આવી રહ્યા હતા. આ દરમિયાન મિલની બહાર ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં તેઓના શરીર પર ઓઈલ પડતા તેઓ ગંભીર રીતે દાઝી જતા સાથી કર્મચારીઓ હૉસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેઓની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. બીજા બનાવમાં પાંડેસરા દક્ષેશ્ર્વર મંદિરની પાછળ આવેલા એક ઇન્ડસ્ટ્રીઝમાં ગારમેન્ટના ખાતામાં આગ ભભૂકી ઊઠી હતી. અહી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના બિલ્ડિંગમાં ટેરેસ પર પતરાના શેડમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. ઉપરાંત દમણની એક યાન કંપનીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ લાગતા કામદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગના લાગવાના પગલે પાચ જેટલા કામદારોએ જીવ બચાવવા ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. જેથી બે કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા કંપનીના સંચાલકો અને કંપનીના મેનેજર ઘટના સ્થળે પહોંચી દમણ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ભીષણ આગ હોવાથી દમણની તમામ ફાયર ફાઈટરની ટીમ ઉપરાંત વાપી, ઉમરગામ સહિતના વિસ્તારની ફાયર વિભાગની ટીમોની પણ મદદ લેવામાં આવી હતી. ૧૨થી વધુ ફાયર વિભાગની ટીમ અને ખાનગી ટેન્કરો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઇલેક્ટ્રિક શોર્ટ શર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવ્યું છે.