રાજ્યમાં કોરોનાથી ત્રણ અને થાણેમાં ‘એચ૩ એચ૨’થી એકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ, થાણે સહિત સમગ્ર રાજ્યમાં કોરોના બાદ હવે ‘એચ૩ એચ૨’ (ઈન્ફ્લુએન્ઝા)ના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના ૩૪૩ નવા કેસ નોંધાયા હતા. તો રાજ્યમાં અત્યાર સુધી ‘એચ૧ એન૧’ વાયરસના ૪૨૭ તો ‘એચ૩ એન૨’ના વાયરસના ૨૮૯ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડથી ત્રણનાં મોત તો થાણેમાં ‘એચ૩ એચ૨’ અને કોરોના એ બંને વાયરસનો ભોગ બનેલા વૃદ્ધાનું મૃત્યુ નોંધાયું હતું. થાણેમાં ‘એચ૩ એચ૨’નું પહેલું મૃત્યુ નોંધાયું છે.
રાજ્યમાં કોરોના ૩૪૩ નવા કેસ નોંધાયા હતા. એ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કોરોના કુલ દર્દીનો આંકડો ૮૧,૪૧,૦૨૦ થઈ ગયો છે. શુક્રવારે ૧૯૪ દર્દી કોરોનાથી સાજા થયા હતા. દિવસ દરમિયાન કોરોનાથી ત્રણનાં મોત થયાં હતાં. રાજ્યનો મૃત્યુ દર ૧.૮૨ ટકા થઈ ગયો છે. રાજ્યમાં હાલ કોરોનાના ૧,૭૬૩ કેસ ઍક્ટિવ છે.
મુંબઈમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે કોરોનાના ૮૬ નવા કેસ નોંધાયા હતા. એ સાથે જ અત્યાર સુધીમાં મુંબઈમાં કોરોનાના દર્દીનો કુલ આંકડો ૧૧,૫૬,૧૫૬ થઈ ગયો છે. શુક્રવારે ૩૬ દર્દી કોરોનાથી સાજા થયા હતા. હાલ મુંબઈમાં ૪૫૩ ઍક્ટિવ કેસ છે. મુંબઈનો રિકવરી રેટ ૯૮.૩ ટકા છે.
થાણે જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી કોરોના કેસમાં વધારો થયો છે. જિલ્લામાં સક્રિય દર્દીની સંખ્યા ૩૦૬ થઈ ગઈ છે, તેમાંથી ૨૦૬ દર્દી ફક્ત થાણે મહાપાલિકા વિસ્તારમાં નોંધાયા હતા. હાલ કલ્યાણ-ડોંબિવલી શહેરના ૨૫, નવી મુંબઈના ૨૮, ઉલ્હાસનગર શહેરના ત્રણ, ભિવંડી શહેરના ૧૮, મીરા-ભાઈંદર શહેરના ૧૦ અને ગ્રામીણ વિસ્તારના ૧૬ સક્રિય દર્દી છે.
થાણે શહેરમાં ‘એચ૩ એચ૨’ના અત્યાર સુધી ૨૨ કેસ થયા છે અને શુક્રવારે ૩ નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન થાણે શહેરમાં છેલ્લા આઠ દિવસમાં બે વૃદ્ધના મૃત્યુ થયા છે, તેમાં મંગળવારે વધુ એક વૃદ્ધાનું મૃત્યુ નોંધાયું હતું. ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહેલા દર્દીને ‘એચ૩ એચ૨’ ઈન્ફ્લુએન્ઝાની સાથે જ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું તપાસમાં આવ્યું હતું. મૃત્યુનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.