દિલ્હીમાં હોળીના દિવસે એક જાપાની યુવતીની છેડતી અને મારપીટ કરવા બદલ ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે પ્રવાસી જાપાની યુવતી મધ્ય દિલ્હીના પહાડગંજમાં રહેતી હતી. છેડતી કરનાર એક સગીર સહીત ત્રણેય આરોપીઓ આ જ વિસ્તારના છે. યુવતીએ આ ઘટના અંગે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ ભારત છોડીને બાંગ્લાદેશ જતી રહી છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છોકરીએ ટ્વીટ કર્યું છે કે તે બાંગ્લાદેશ પહોંચી ગઈ છે અને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ છે.
દિલ્હી મહિલા આયોગ (DCW)ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને આ ઘટના અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણીએ કહ્યું, “જ્યારે પણ હું આ વિડિયો જોઉં છું ત્યારે મારું લોહી ઉકળી ઉઠે છે. ગમે તે થાય, હું તેમાંથી કોઈને પણ બક્ષીશ નહીં, અમે ખાતરી કરીશું કે તેમાંથી દરેક જેલના સળિયા પાછળ હોય.”
દિલ્હીમાં હોળી રમતી વખતે યુવકોના ટોળાએ જાપાનની યુવતી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે સોશિયલ મીડિયા યુઝર્સ આક્રોશ વ્યક્ત કરીને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ મામલે પીડિતા તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી, પરંતુ દિલ્હી પોલીસે પોતાની રીતે સંજ્ઞાન લઈને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસે જણાવ્યું કે આરોપીઓ સામે ડીપી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહિલા અંગે વધુ માહિતી માટે જાપાનના દૂતાવાસને ઈમેલ મોકલવામાં આવ્યો છે.