વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કેરળ પ્રવાસ પહેલાં તેમને જાનથી મારી નાંખવાની ધમકી ભર્યો પત્ર મળ્યો છે. જેને પગલે રાજ્યના કાયદા અને વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ પત્ર કેરળના પ્રદેશાધ્યક્ષની ઓફિસમાં આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.
એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કેરળ પ્રવાસ દરમિયાન તેમને સ્યુસાઇડ બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યા પત્ર બાદ કેરળ પોલીસ દોડતી થઇ હતી. આ પત્ર મલિયાલમ ભાષામાં કોચીના એક વ્યક્તિએ લખ્યો હોવાની જાણકારી પોલીસને મળી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની જેમ જ મોદીને પણ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. પત્ર બીજેપીના પ્રદેશાધ્યક્ષ કે. સુરેન્દ્રનની ઓફિસમાં આવ્યો હતો. જેમણે તે પોલીસને આપ્યો હતો.
આ પત્ર અંગે તપાસ કરતાં પોલીસને તેના પર એક એડ્રેસ મળ્યો હતો. પોલીસે એડ્રેસના આધારે કોચીથી એન કે જોની નામના માણસની ધરપકડ કરી હતી. જોકે પૂછપરછ કરતાં તેણે આ પત્ર લખ્યો જ નથી તેમ જણાવ્યું હતું. કોઇએ તેની સાથેની દુશ્મનીને કારણે તેના નામે પત્ર લખ્યો છે એવો ખૂલાસો જોનીએ કર્યો હતો.
જોનીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પોલીસ મારા ઘરે આવી હતી અને એમણે આ પત્ર અંગે પૂછપરછ કરી હતી. પોલીસે મારા અક્ષરો અને પત્રના સાથે અક્ષરો મેળવી જોયા હતાં. તેઓએ માન્ય કર્યું હતું કે આ પત્ર મેં નથી લખ્યો કોઇએ મારી સાથેની દુશ્મનીનો બદલો લેવા આવું કારસ્તાન રચ્યું છે. મને જેના પર શંકા છે એવી વ્યક્તિનું નામ પણ મેં પોલીસને આપ્યું છે.