મુંબઈઃ રાજ્યમાં બે દિવસથી હિંસાના માહોલ નિર્માણ થવા મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમુક સંગઠન અને લોકો રાજ્ય સરકારને અસ્થિર કરવાની હરકત કરી રહ્યા છે, પરંતુ સરકાર એમને પાઠ ભણાવશે. પુણેમાં પત્રકાર પરિષદને સંબોધતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રમખાણો કરનારા લોકોનો પર્દાફાશ કરવામાં આવશે અને સરકાર તેમની ઈરાદાઓને સફળ થવા દેશે નહીં.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં અમુક સંગઠન અને લોકો એવા છે, જે રાજ્યમાં પરિસ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને પાઠ ભણાવવામાં આવશે. અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્રના અકોલા શહેરમાં શનિવારની રાતે અમુક સમુદાયના લોકોની વચ્ચે હિંસા થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અહીંની હિંસામાં બે પોલીસ કર્મચારીની સાથે આઠ લોકોને ઈજા પહોંચી હતી. માર્ચ મહિનામાં ઔરંગાબાદ જિલ્લામાં કિરાડપુર વિસ્તારમાં રામ મંદિર નજીક બે સમુદાયના લોકોની વચ્ચે હિંસા થયા પછી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે 500 લોકોની ભીડે પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પેટ્રોલની બોટલ ફેંકવામાં આવી હતી, જેમાં 10 પોલીસની સાથે 12 જણને ઈજા પહોંચી હતી.
રાજ્યમાં બે દિવસથી થઈ રહેલી હિંસા મુદ્દે પૂછવામાં આવેલા સવાલ અંગે ફડણવીસે કહ્યું હતું કે લોકોને શાંતિ રાખવાનો અનુરોધ કર્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ પ્રશાસનને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ફડણવીસે કહ્યું હતું કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે એડિશનલ ફોર્સને પણ તહેનાત કરવામાં આવશે. રાજ્યમાં થઈ રહેલી હિંસા અંગે ફડણવીસે વધુમાં કહ્યું હતું કે અમુક લોકો રાજ્યમાં જાણીજોઈને આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે અને તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ તેઓ સફળ થશે નહીં. અમે તેમનો પર્દાફાશ કરીશું અને તેમને તેમના ઈરાદાઓમાં સફળ થવા દઈશું નહીં.