ઈઝરાયેલી સંસદના સ્પીકરની સાફ વાત
શુભેચ્છા મુલાકાત: ઈઝરાયેલની સંસદના સ્પીકર અમીર ઓહાના કાલાઘોડા સ્થિત સિનેગોગની મુલાકાતે. (અમય ખરાડે)
મુંબઈ: મુંબઈમાં ૨૬/૧૧ આતંકી હુમલા માટે આતંકવાદીઓ મોકલનારા દોષીઓને સજા થવી જ જોઈએ એમ ઈઝરાયેલી સંસદ (કનેસેટ)ના સ્પીકર અમીર ઓહાનાએ મંગળવારે જણાવ્યું હતું. નરીમન હાઉસ ખાતે સંવાદદાતાઓ સાથે વાતચીત કરતી વખતે શ્રી ઓહાનાએ જણાવ્યું હતું કે આતંકવાદ ધર્મ અને જાતિ વચ્ચે ભેદભાવ નથી કરતો. પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે ‘આ આતંકવાદી હુમલો (૨૬/૧૧) હજી અમે ભૂલ્યા નથી કારણ કે આતંકવાદીઓને મોકલનારા લોકોને હજી સજા નથી થઈ.’ અત્રે ઉલ્લેખનીય છે કે નરીમન હાઉસ ખબાડ હાઉસ તરીકે ઓળખાય છે જ્યાં ૨૦૦૮ના નવેમ્બર મહિનામાં આતંકવાદી હુમલો થયો હતો. ખબાડ હાઉસ મુંબઈસ્થિત ૮ સિનેગોગ (યહુદીઓનું ધર્મસ્થાન) પૈકી એક છે અને ઈઝરાયેલી લોકો યહૂદી ધર્મનું પાલન કરે છે. દક્ષિણ મુંબઈસ્થિત નરીમન હાઉસ પર કરવામાં આવેલા હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓએ ધર્મગુરુ ગેવરીએલ હોલ્ટ્સબર્ગ અને તેમના પત્ની રિવકા હોલ્ટ્સબર્ગ તેમજ ચાર મુલાકાતીઓની હત્યા કરી હતી. ધર્મગુરુનો બે વર્ષનો પુત્ર મોશે ભારતીય આયા સેન્ડ્રા સેમ્યુઅલના પ્રયાસને કારણે ઉગરી ગયો હતો. ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના દિવસે પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈ પર આતંકી હુમલો કર્યો હતો જે ચાર દિવસ ચાલ્યો હતો. એ હુમલામાં ૧૬૬ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૩૦૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. કનેસેટના સ્પીકરે એમ પણ જણાવ્યું હતું કે યહૂદીઓ અનેક સદીઓથી ભારતમાં રહે છે પણ તેમને કદી ધિક્કાર કે વેરભાવનો સામનો નથી કરવો પડ્યો. (પીટીઆઈ)ઉ