પીઢ અભિનેત્રી તબસ્સુમનું અવસાન થયું છે. તેમના પુત્ર હોશાંગ ગોવિલના જણાવ્યા અનુસાર, તેમનું શુક્રવારે સાંજે મૃત્યુ થયું હતું. તેના નિધનથી પરિવારજનો આઘાતમાં ગરકાવ છે. શુક્રવારે રાતે રાત્રે 8.40 વાગ્યાની આસપાસ હૉસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું હતું. તેઓ એકદમ સ્વસ્થ હતા.
તબસ્સુમે 1947 માં બાળ કલાકાર બેબી તબસ્સુમ તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 1972 થી 1993 દરમિયાન લોકપ્રિય દૂરદર્શન સેલિબ્રિટી ટોક શો ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશનને હોસ્ટ પણ કર્યો હતો. તબસ્સુમે બાળ કલાકાર તરીકે નરગીસ (1947) સાથે તેની ફિલ્મની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેઓ મેરા સુહાગ (1947), મંઝધાર (1947) અને બારી બેહેન (1949), દીદાર (1951)માં જોવા મળ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ સ્વર્ગ (1990) હતી.
ગયા વર્ષે તેમને કોરોના થયો હતો. જોકે, 10 દિવસ હૉસ્પિટલમાં સારવાર લીધા બાદ તેઓ સ્વસ્થ થઇ ગયા હતા. તે સમયે પણ અભિનેત્રીને અલ્ઝાઇમર થયો હોવાની અફવા ઊડી હતી, જેને તેમના પુત્રએ ફગાવી દીધી હતી.