કઈપણ વ્યક્તિને પ્રોત્સાહન મળે ત્યારે તે ઊંચી ઉડાન ઊડે છે. તેમાં પણ સમાજના અમુક નિયમોને લીધે મર્યાદામાં જીવતી છોકરીઓને જો તક મળે અને પરિવાર તરફથી સાથ મળે તો આખું આકાશ તેનું થઈ જાય છે. ભારતભરમાં ઓલિમ્પિક્સથી માંડી ક્રિકેટ કે હોકી સુધી મહિલા ખેલાડીઓએ દેશનું નામ રોશન કર્યું છે. આમાં બે કચ્છી કન્યાના નામ પણ જોડાયા છે.
કચ્છના અંજાર તાલુકાના અજાપરની જિજ્ઞા રબારી અને નવાગામની ચેતના રબારીએ નાનપણથી જ ગાયો-ભેંસો વચ્ચે જીવન વિતાવીને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. નાનપણથી રમત-ગમતમાં ખુબ જ હોંશિયાર હોવાથી માધાપર ખાતે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ડિસ્ટ્રીકટ કક્ષાની સ્પોર્ટસ સ્કુલમાં એડમિશન મેળવ્યું. બંને દિકરીઓની કાબેલિયતને પારખીને તેમને તિરંજદાજી એટલે કે આર્ચરીમાં તાલીમ આપવામાં આવતા આજે ૧૪ વર્ષની જિજ્ઞા અને ૧૩ વર્ષની ચેતના નાનકડા ગામથી લઇને સમગ્ર ગુજરાતનું નામ દેશમાં રોશન કરી રહી છે.
તેમની આ સિદ્ધિને કચ્છના કલેક્ટર દિલીપ રાણાએ તાજેતરમાં યોજાયેલા તેમના ‘કોફી વીથ કલેકટર’ કાર્યક્રમમાં બિરદાવી હતી.
રીકવર આર્ચરીમાં માસ્ટરી ધરાવતી જિજ્ઞા, આર્ચરી ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા આંધ્રપ્રદેશ-વિજયવાડામાં આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજયને રી-પ્રેઝન્ટ કરીને કવોલીફાઇડ થઈ હતી. . તો ધો.૮માં અભ્યાસ કરતી ચેતના રબારી કમ્પાઉનડ આર્ચરી કેટેગરીમાં નેશનલ ગેમ રમીને કવોલીફાઇડ થઇ હતી.
જિજ્ઞા અને ચેતનાની જેમ માધાપરની ભવ્યા ડાકીએ પણ કેવીએસ આયોજીત નેશનલ ગેમમાં પાંચકો રેન્ક મેળવીને પરિવાર અને કચ્છનું નામ રોશન કરી ચુકી છે.
ભુજ કેન્દ્રીય વિદ્યાલય નં.૨ આર્મી સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતી માધાપરની ભવ્યા દિનેશ ડાકીએ હરીયાણા ખાતે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન આયોજીત રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં તાજેતરમાં સમગ્ર દેશમાં પાંચમો ક્રમ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું હતું.
કચ્છના અંજાર તાલુકાના અજાપરની જિજ્ઞા રબારીની લગન તેમજ મહેનતને જોઈને તેના માલધારી પિતાએ તેને એક લાખની કિંમતની આર્ચરી કીટ લઇ આપી હતી. પરિણામે માં-બાપના સહયોગ અને પોતાનામાં મુકવામાં આવેલા વિશ્વાસને જીજ્ઞાએ સાર્થક કરી બતાવ્યું હતું.