આત્મ નિર્ભર ભારત ઝુંબેશ અંતર્ગત દેશમાં જ બનાવવામાં આવેલી વંદેભારત એક્સપ્રેસ એ ખરા અર્થમાં નવા ભારતનું પ્રતિક છે. દેશ સ્વતંત્ર થયો ત્યારથી લઈને આજની તારીખ સુધી ભારતીય રેલવે સમય સમય પર પોતાની કાયાપલટ કરી છે. સ્વયંચાલિચ એવી આ સેમી હાઈસ્પીડ ટ્રેન એટલે કે પૈડાં પર દોડતું કમ્પ્યુટર જ છે અને આવું અમે નહીં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિનીકુમાર વૈષ્ણવ ખુદ કહી રહ્યા છે.
વંદે ભારત ખરા અર્થમાં પૈડાં પર દોડતું કમ્પ્યુટર છે અને તેની વાહન નિયંત્રણ પ્રણાલી, પાવર ઈલેક્ટ્રોનિક્સ, પાવર ટ્રેન, ટ્રાન્સફોર્મર્સ, મોટર વગેરે એમ લગભગ દરેક બાબત જ સોફ્ટવેરથી કન્ટ્રોલ કરવામા આવે છે, એવી માહિતી પણ વૈષ્ણવે આપી હતી.
આ સ્માર્ટ ટ્રેનોમાં હજારો ઈન્ટિગ્રેટેડ સર્કિટ કે પછી ચિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચિપ્સ ટ્રેનને આગળ લઈ જવાનું, બ્રેક લગાવવાનું, ઓટોમેટિક દરવાજા ખોલવાનું વગેરે એમ બધા જ પ્રકારની યાંત્રિક ક્રિયાઓ કરવા માટે ખૂબ જ મહત્ત્વની છે. એક સામાન્ય રેલવેમાં આશરે આવી 2000 જેટલી ચિપ્સ ઉપયોગમાં લેવામાં આવે છે. વંદે ભારતમાં આવી 15,000 ચિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી એક સિનિયર એન્જિનિયરે આપી હતી.
સાદી ટ્રેનમાં એક જ એન્જિન કોચ હોય છે અને આ કોચમાં લગભગ બધી જ ચિપ્સનો ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે આ કોચ જ બાકીના બધા કોચને ખેંચતો હોય છે. રેલવેના બાકીના કોટમાં માત્ર લાઈટ, પંખા, એસી સિવાય અન્ય વીજળીવાળી વસ્તુઓ નથી હોતી.
વંદે ભારત ટ્રેનમાં એક-બે નહીં આઠ આઠ મોટર કોચ છે અટલે કુલ 16 કોચની ટ્રેનમાંથી અડધા કોચ તો સ્વયંચાલિત છે. આ જ કારણસર આ ટ્રેનમાં ઉપયોગમાં લેવામાં આવેલી ચિપ્સની સંખ્યા સાધારણ ટ્રેનો કરતાં વધારે છે.
આ ઉપરાંત વંદે ભારત ટ્રેનમાં હાઈટેક બ્રેકિંગ સિસ્ટમ, ટીસીએમએસ, ઓટોમેટિક ડોર સિસ્ટમ જેવી અનેક બાબતો છે. બધા કોચમાં એસી, જીપીએસ આધારિત પ્રવાસી સૂચના પ્રણાલી, સીસીટીવી, ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ જેવા ડિવાઈસ હોવાને કારણે આ ટ્રેનમાં વધારે ચિપ્સની જરૂર પડે છે.
ટ્રેનની આખી સિસ્ટમ ટીસીએમએસ (ટ્રેન કન્ટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ) દ્વારા કન્ટ્રોલ કરવામાં આવે છે. ટ્રેનના આઠ મોટર કોચ સ્વતંત્ર કમ્પ્યુટરની જેમ કામ કરે છે, જે એક નેટવર્ક સાથે જોડાયેલા છે. આ ઉપરાંત ટીસીએમએસ સિસ્ટમ રેલવેની કાયમ દેખરેખ રાખે છે અને તેને કારણે ભવિષ્યમાં ક્યાંય પણ કોઈ ખરાબી થશે તો તેનો અંદાજો લગાવવાનું સરળ બનેશે.