પ્યાર ધોખા હૈ, પ્યાર પૂજા હૈ… પ્યાર મન કા… બ્રેથલેસ ગીત યાદ છે ને? યાદ પણ કેમ ન હોય, એક જ શ્વાસમાં ગવાયેલું આ ત્રણ મિનિટનું બ્રેથલેસ ગીત હતું અને શંકર મહાદેવન સિંગર હતા આ ગીતના… આજે હવે અહીંયા શંકર મહાદેવનને યાદ કરવાનું કારણ એવું છે કે આજે આ બોલિવૂડ સિંગર શંકર મહાદેવનનો 56મો જન્મદિવસ છે. મહાદેવન ઈન્ડસ્ટ્રીના એક એવા સિંગર છે કે જે ગીતને પોતાનો અવાજ આપે છે તે ગીત વર્ષો સુધી સુપરહિટ રહે છે. શંકરને 4 નેશનલ એવોર્ડ સહિત અન્ય ઘણા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ઝાકિર હુસૈન, ઉસ્તાદ અમજદ અલી ખાન, પંડિત હરિ પ્રસાદ ચૌરસિયા, પંડિત જસરાજ અને પંડિત શિવકુમાર શર્મા જેવા દિગ્ગજો પણ મહાદેવનની ગાયકીના કાયલ થઈ ચૂક્યા છે. મહાદેવને 5 વર્ષની ઉંમરે શાસ્ત્રીય ગીતો શીખવાનું શરૂ કર્યું હતું અને 1977માં, તેમણે તમિલ ફિલ્મોમાં ગીત ગાઈને કારકિર્દીની શરૂઆત કરી હતી. પણ ત્યારે એ સમયે તેમને કોઈ ઓળખતું નહોતું. શંકરનું આલ્બમ બ્રેથલેસ 1998માં આવ્યું હતું અને એ સમયે તેમણે ત્રણ મિનિટ સુધી શ્વાસ રોકીને આ ગીત ગાયું. આ ગીત પછી તેઓ રાતોરાત સ્ટાર બની ગયા હતા. 16 વર્ષની ઉંમરે શંકરની મુલાકાત 14 વર્ષની સંગીતા સાથે થઈ હતી. સંગીતા મહારાષ્ટ્રના હતા અને તેઓ મહાદેવનના પાડોશી પણ હતા. મહાદેવન અને સંગીતા બંનેને બેડમિન્ટન રમવાનું પસંદ હતું અને અહીંથી જ તેમની લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી. પહેલાં બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ અને ત્યાર બાદ આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ. બંને લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યાં અને મહાદેવન અને સંગીતાએ 1992માં લગ્ન કરી લીધા. 1993માં તેમના પહેલા પુત્ર સિદ્ધાર્થનો જન્મ થયો હતો. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે મહાદેવને સિંગિગ સિવાય એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો છે. શંકર મહાદેવને 2015માં આવેલી મરાઠી ફિલ્મ ‘કટ્યાર કાળજ્યાત ઘૂસલી’માં પંડિત ભાનુ શંકર શાસ્ત્રીની ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મમાં શંકર મહાદેવનના અભિનયના ખૂબ વખાણ થયા હતા. શંકર મહાદેવને તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ઘણા ગીતો ગાયા જે હિટ તો થયા પરંતુ તેમને ઓળખ તો ‘બ્રેથલેસ’ ગીતથી જ મળી હતી. આ ગીત શંકર મહાદેવને એક પણ શ્વાસ લીધા વગર ગાયું હતું. શંકર મહાદેવને માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ મરાઠી, તમિલ ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. શંકર મહાદેવને તેમની કારકિર્દીમાં અત્યાર સુધી ચાર નેશનલ એવોર્ડ જીત્યા છે. શંકર મહાદેવનની જેમ તેમનો પુત્ર સિદ્ધાર્થ પણ ગાયક છે અને પિતા-પુત્રની જોડી ઘણીવાર સ્ટેજ શોમાં સાથે જોવા મળે છે.
*આ રહ્યા શંકર મહાદેવનના ટોપ 5 સોંગ*
બ્રેથલેસ
હિન્દુસ્તાની, ફિલ્મ-દસ
કજરારે કજરારે તેરે કારે કારે નૈના, ફિલ્મ- બંટી ઓર બબલી
તારે જમીન પર, ફિલ્મ-તારે જમીન પર
દિલબરો, ફિલ્મ-રાઝી