(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈ રેલવે જ નહીં, ભારતીય રેલવેનો આજે જન્મ દિવસ છે. 16 એપ્રિલ, 1853માં મુંબઈ (બોરીબંદરથી તાના) અને થાણે વચ્ચે સૌથી પહેલી છૂકછૂક ગાડી દોડી હતી, જેને આજે 170 વર્ષ થયા છે, ત્યારે એ સંયોગથી વિપરીત પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર વચ્ચે દોડાવાતી લોકલ ટ્રેનને આજની તારીખે દહાણુ સુધી એક્સટેન્ડ કરવામાં આવી હતી. મુંબઈ સબર્બન રેલવેનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે, જે વિરાર નહીં, પણ દહાણુ સુધી વિસ્તર્યું છે. એનો સીધો ફાયદો મુંબઈવાસીઓની સાથે સાથે વસઈ, વિરાર અને દહાણુવાસીઓને થયો છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
16મી એપ્રિલ, 2013ના વિરારથી દહાણુ વચ્ચે લોકલ ટ્રેનની કનેક્ટિવિટી ચાલુ કરવામાં આવી હતી, જેને આજે દસ વર્ષ પૂરા થયા છે. સફળતાપૂર્વક કરવામાં આવેલા દસ વર્ષની ઉપલબ્ધિ નિમિત્તે આજે દહાણુ રોડ સ્ટેશને રેલ ફેન, પ્રવાસીઓ અને રેલવે અધિકારીઓએ સાથે મળીને લોકલ ટ્રેનને ફૂલોથી શણગારીને કેક પણ કાપવામાં આવી હતી. આ મુદ્દે એક રેલ પ્રવાસીએ કહ્યું હતું કે ચર્ચગેટથી દહાણુ વચ્ચે 123 કિલોમીટરનું અંતર છે, પરંતુ વિરારથી દહાણુ સેક્શન ચાલુ કરવામાં આવ્યો ત્યારે નવા સ્ટેશનમાં વૈતરણા, સફાળે, કેલવે રોડ, પાલઘર, ઉમરોલી, બોઈસર, વાણગાંવનો ઉમેરો થયો હતો. સાતથી આઠ નવા સ્ટેશનનો ઉમેરો કરવાને કારણે આ બધા શહેરના લોકોને ટ્રેનની કનેક્ટિવિટી મળી હતી, જેથી મુંબઈ સુધી અવરજવર કરવાનું સરળ બન્યું હતું. પશ્ચિમ રેલવેમાં ચર્ચેગટ જ નહીં, પણ દાદર, બોરીવલી અને વિરારથી પણ દહાણુ રોડની વચ્ચે લોકલ ટ્રેનની કનેક્ટિવિટી હોવાને કારણે વેપારીઓ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થી, ઉદ્યોગપતિઓ માટે અવરજવર કરવામાં રાહત થઈ છે. મુંબઈ સબર્બન સેક્શનમાં વિરાર-દહાણુ વચ્ચે દસ વર્ષ પહેલા નવા સેક્શનને જોડવાનું કામ કર્યું છે, તે અહીંના લોકો માટે આશીર્વાદ છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.