Homeઈન્ટરવલઆ શાળા કંઈક ‘અલગ’ છે

આ શાળા કંઈક ‘અલગ’ છે

હિવાલી ઝેડપી સ્કૂલનાં બાળકો ૧૦૦૦ સુધીના ઘડિયા મોઢે બોલવાની સાથે સાથે એક જ સમય પર બંને હાથે અલગ અલગ ભાષામાં લખવાની અનોખી લાક્ષણિકતા ધરાવે છે

કવર સ્ટોરી -દર્શના વિસરીયા

ગ્રામીણ શાળાની વાત થતી હોય એટલે સવારે ૧૦થી શરૂ થાય અને સાંજે વાગ્યે છુટ્ટી અને તેમાં પણ વિદ્યાર્થીઓ વર્ગને બદલે બીજે ક્યાંક જ ફરતાં દેખાય, મૂળભૂત સુવિધાઓનો પાંચ અભાવ અને શિક્ષણ પ્રત્યે જોવા મળતી ઉદાસીનતા… આ ચિતારને કારણે જ ગ્રામીણ વિસ્તારની જિલ્લા પરિષદની શાળાઓ તરફ જોવાનો મોટાભાગના લોકોનો દૃષ્ટિકોણ નકારાત્મક હોય છે. પણ આજે આપણે અહીં વાત કરીશું જિલ્લા પરિષદ (ઝેડપી)ની એક એવી શાળા વિશે કે જેના વિશે જાણીને તમને આશ્ર્ચર્યનો આંચકો લાગશે, કારણ કે આ શાળાના બાળકો ૧૦૦-૨૦૦ નહીં ૧૦૦૦ સુધીના ઘડિયા મોઢે કડકડાટ બોલે છે. એટલું જ નહીં તેઓ ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ના વાઈરસની જેમ બંને હાથે લખી શકે છે અને સૌથી મહત્ત્વનું એટલે આ શાળા વર્ષના ૩૬૫ દિવસ ચાલુ હોય છે, એ પણ દિવસના ૧૨-૧૨ કલાક સુધી સવારે આઠ વાગ્યે ભરાતી આ શાળા સાંજે આઠ વાગ્યે છુટે છે. આ અનોખી શાળા વિશે વધુ વિસ્તારથી જાણવા માટે આપણે પહોંચી જવું પડશે નાશિકના હિવાલી ખાતે…
હિવાલી ઝેડપી શાળામાં ત્રણ વર્ષના બાળકો ૧૬ સુધીના ઘડિયા કડકડાટ બોલે છે. જ્યારે છથી તેર વર્ષના બાળકો બંને હાથે અલગ અલગ ભાષામાં લખવા માટે સક્ષમ છે. આટલું ઓછું હોય છે પાંચમા ધોરણથી લઈને સાતમા ધોરણના વિદ્યાર્થીઓને ૯૭૦ સુધીના ઘડિયાની સાથે સાથે જ બંધારણની અલગ અલગ કલમો મોઢે છે. બાળકોને એટલા કાબેલ બનાવવાનો શ્રેય જાય છે શાળાના એકમાત્ર શિક્ષક કેશવ ગાવિતને. અત્યાર સુધી તમે જોઈ હશે એવી ગ્રામીણ શાળાઓની સરખામણીએ આ શાળા વધારે કલરફૂલ અને એકદમ હેપનિંગ છે. શાળાની દીવાલ પર વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરતાં પોસ્ટર્સ અને આસપાસનું વાતાવરણ લીલુંછમ છે.
આ શાળા વિશે વાત કરતાં ગાવિત જણાવે છે કે ‘શાળાની દીવાલો પર પોસ્ટર્સ લગાવવાનું એક માત્ર કારણ એ છે કે જો વર્ગમાંથી તેનું ધ્યાન બીજે કશે ભટકે તો પણ તેની નજર સામે તેના માટે ઉપયોગી શૈક્ષણિક માહિતી જ આવે. બે ક્લાસરૂમ અને બે નાના ઓરડાવાળી આ શાળામાં વિદ્યાર્થીઓનું એવું ઘડતર કરવામાં આવે છે કે તેઓ મોટાં મોટાં શહેરોની ઈન્ટરનેશનલ શાળામાં ભણતાં બાળકોને ટક્કર આપી શકે. બેમાંથી એક ઓરડામાં ૧૫૦થી ૨૦૦ પુસ્તકો છે અને બીજા ઓરડાનો ઉપયોગ પ્રોજેક્ટરૂમ તરીકે કરવામાં આવે છે. બાળકોની મદદથી જ હું શાળાને પેઈન્ટ અને ડેકોરેટ કરું છું અને તેમના મિડ-ડે મિલ માટેની શાકભાજી પણ તેઓ જાતે જ શાળાની આજુબાજુના પરિસરમાં ઉગાડે છે.’
હિવાલી ઝેડપી શાળા વર્ષના ૩૬૫ દિવસ ચાલે છે અને અહીં ભણવાનું ક્યારેય અટકતું નથી. ૩૬ વર્ષીય ગાવિત જો કોઈ કારણસર વિદ્યાર્થીનો ભણાવી ન શકે તો તેની જગ્યાએ વર્ગનો કોઈ પણ સિનિયર વિદ્યાર્થી અન્ય બાળકોને ભણાવવાની જવાબદારી ઉઠાવે છે. વાતનો દોર આગળ વધારતા ગાવિત જણાવે છે કે ‘અમે લોકોએ કોરોનાકાળમાં માત્ર એક અઠવાડિયું શાળા બંધ રાખેલી. પણ માતાપિતાના આગ્રહને માન આપીને સોશિયલ ડિસ્ટન્સિંગ અને પેન્ડેમિક રૂલ્સને ફોલો કરીને શાળા ફરી એક વખત શરૂ કરી દીધી. આ ઉપરાંત જ્યારે ચોમાસામાં અહીં પાણી ભરાઈ જાય છે ત્યારે શાળા બાજુમાં જ ઊંચાણવાળા વિસ્તારમાં આવેલા ટેન્ટમાં શિફ્ટ કરવામાં આવે છે, જ્યાં સોલાર પાવરથી ઈલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં આવે છે.’
‘આ અનોખી શાળાને કારણે જ અમારા બાળકો એવાં એવાં સપનાં જોઈ શકે છે જે સપનાં જોવાની હિંમત તમે કે હું ના કરી શકીએ…’ એવું કહે છે હરિદાસ ઉસારે. હરિદાસ ખેડૂત છે અને તેઓ દાડિયા મજૂરી કરે છે,
પણ તેમની દીકરી દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેનું લક્ષ્ય આઈએએસ ઓફિસર બનવાનું છે.
૨૦૦૯માં ગાવિતની બદલી અહીં થઈ હતી અને એ સમયે તો આ ગામની હાલત અત્યાર સુધી આપણે જોયેલા બીજા ગામડાઓ જેવી જ હતી, જ્યાં પાકા રોડ પણ નહોતા અને શાળાની ઈમારત એકદમ જર્જરિત અવસ્થામાં હતી. જિલ્લા પરિષદ પાસે ફંડ પણ નહોતું કે તેઓ ઈમારતના બાંધકામ માટે ફાળો આપે, એટલે તેમણે પોતે જ અંગત રીતે પૈસા ભેગા કરીને શાળાની ઈમારતનું કામકાજ કરાવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં અહીં નવ જ બાળકો ભણવા આવતા અને એ પણ સવારે માતા-પિતાને મદદ કરવા માટે જતા. નવમાંથી પાંચ જ વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત રીતે આવતા હતા. ધીરેધીરે ગાવિતના પ્રયાસો રંગ લાવ્યા અને ૨૦૧૪માં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી. ગાવિતે બાળકોને પુસ્તકિયા જ્ઞાનની સાથે સાથે જ તેમને જીવનમાં ઉપયોગી થાય એવું શિક્ષણ આપવાનું પણ શરૂ કર્યું અને આજે આ બાળકો મોટી મોટી ઈન્ટરનેશનલ શાળામાં ભણતાં બાળકોને ટક્કર આપી શકે એટલા સક્ષમ છે. સામાન્ય જ્ઞાનની સાથે સાથે જ આ બાળકો પ્લમ્બિંગ, ફાર્મિંગ, રૂબિક પઝલ્સ સૉલ્વ કરવા જેવા રોજિંદા કામો કરવામાં પણ નિપૂણ છે.
ગાવિતે વન-મેન આર્મી બનીને એક શાળાની કાયાપલટ તો કરી જ છે, પણ તેની સાથે સાથે તેમણે બાળકોના ભવિષ્યને પણ સંવારવાનું કામ કર્યું છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -