હોળીનો દિવસ હિંદુ ધર્મમાં ખૂબ જ શુભ અને પવિત્ર ગણાય છે અને આ જ દિવસથી શુભ મુહૂર્તની શરૂઆત થાય છે, અનેક સારા કામની શરુઆત પણ હોળી બાદ કરવામાં આવે છે. પરંતુ હોળીના દિવસે થતી કેટલીક બાબતો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સારા અને ખરાબ સંકેત આપે છે. આવો જ એક સંકેત આપે છે કાનખજૂરો. આ એક જીવડું છે અને જ્યોતિષશાસ્ત્રમાં તેને રાહુનું પ્રતીક ગણવામાં આવે છે. આ બાબતે મુંબઈના એક જ્યોતિષાચાર્ય જણાવે છે કે ‘આ વખતે હોલિકા દહન 7 માર્ચે છે અને આ દિવસે રાહુ ગ્રહ ઉગ્ર બને છે. રાહુ છાયાનો ગ્રહ છે અને તેના સારા અને ખરાબ બંને પ્રભાવ હોય છે. જોકે હોળીના દિવસે કાનખજૂરો જોવો ખૂબજ શુભ ગણાય છે.
જીવતો કાનખજૂરો દેખાઈ જાય
હોળીના દિવસે ઘરની જમીન પર જીવતો કાનખજૂરો દેખાય તો તેને ગુડ લક ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે, આનાથી તમારી હોળી શુભ બની જાય છે અને જો તમારી પાસે કોઈ મુશ્કેલી આવવાની હોય તો તે દૂર થાય છે. જો ઘરના બાથરૂમ, મુખ્યદ્વાર, દરવાજે કે દાદરા પર કાનખજૂરો દેખાય તો તે પણ બહુ શુભ ગણાય છે. તેનો અર્થ એવો થાય છે કે, આર્થિક સંકટ દૂર થઈ ગયું છે.
મૃત કાનખજુરો દેખાય તો…
હોળીના પાવન દિવસે પગ નીચે દબાઈને અજાણતાં કાનખજૂરો જોવા મળી જાય તો એને શુભ સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એવો થાય છે કે, કોઈ મોટું સંકટ તમારા પર આવવાનું હતું પણ એ હવે ટળી ગયું છે.
શરીર પર કાનખજુરાનું ચડવું કાનખજૂરો શરીર પર ચઢી જાય તો એનો અર્થ એવો થાય છે કે તમને કોઈ નવી જરૂરિયાતની વસ્તુ પ્રાપ્ત થશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે, તમારે કાનખજુરો શરીર પર ચઢી રહ્યો છે એટલે તેની હત્યા કરી નાખવી એવું નથી. તેને શરીર પર ચઢતો જોઈને તરત દૂર કરવું વધારે હિતાવહ છે.
સપનામાં કાનખજૂરાનું દેખાવું
હોળીના દિવસે જો તમને સપનામાં કાનખજૂરો દેખાય તો એને શુભ માનવામાં આવે છે. આવા સપનાનો અર્થ એમ થાય છે કે, ટુંક સમયમાં જ તમને કોઈ સારા સમાચાર મળવાના છે. એટલું જ નહીં, શક્ય છે કે, ઘરમાં કોઈ શુભ કાર્ય થાય કે પછી કોઈ સત્કાર્યમાં ભાગ લેવાની તક મળે. એવું પણ બની શકે છે કે, તમારા ઘરમાં પણ કોઈ શુભ કાર્યનું આયોજન થાય.