નવી દિલ્હીઃ લગભગ દસ વર્ષ પછી પાકિસ્તાનની જાણીતી ફિલ્મ ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે અને ફિલ્મનું નામ ‘ધ લીજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ છે. આ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હોવાનું કહેવાય છે.
આ નવી ફિલ્મને માત્ર પાકિસ્તાનમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. ભૂતકાળમાં એવી ચર્ચા હતી કે ફિલ્મ ‘ધ લીજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ ભારતમાં રિલીઝ થઈ શકે છે. એના પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના નેતા અમેય ખોપકરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે જે કોઈ આ ફિલ્મ ભારતમાં જોશે તે દેશદ્રોહી ગણાશે.
આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ માહિતી થિયેટર ચેઈન આઈનોક્સના અધિકારીએ આપી છે. દેશભરમાં આ ફિલ્મ આ શુક્રવારે એટલે કે 30 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સૌથી મોટી નવાઈની વાત એ છે કે દસ વર્ષ પછી ભારતમાં કોઈ પાકિસ્તાની ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
‘ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ’ની રિલીઝ ભારતમાં જ્યાં પંજાબી ભાષી લોકો છે જેમ કે પંજાબ અને દિલ્હીના કેટલાક સિનેમા હોલમાં INOXમાં પણ બતાવવામાં આવશે. આ ફિલ્મ ‘ધ લીજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ આ વર્ષે 13 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે દેશમાં 200 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં ફવાદ ખાન અને માહિરા ખાન મુખ્ય ભૂમિકામાં તથા હમઝા અબ્બાસી, હુમૈમા મલિક, ગૌહર રશીદ, શમૂન અબ્બાસી, અલી અઝમત અને અદનાન જાફર દેખાશે.