પાકિસ્તાનના 19 વર્ષના ક્રિકેટર નસીમ શાહને બલુચિસ્તાન પોલીસના માનદ ડીએસપીના પદ પર નિયુક્ત કરવામાં આવ્યો છે. નસીમ શાહ પાકિસ્તાનનો તેજ બોલર છે. ડીએસપી બન્યા બાદ હવે ક્રિકેટ રમવાની સાથે નસીમ શાહ પોતાના દેશની રક્ષા પણ કરશે.
નસીમ શાહને બલુચિસ્તાન પોલીસના ગુડવિલ એમ્બેસેડર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. ઈન્સ્પેક્ટર જનરલ (આઈજી) પોલીસ બલૂચિસ્તાન અબ્દુલ ખાલીક શેખે ક્વેટામાં આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહને ગુડવિલ એમ્બેસેડર બનાવીને સન્માનિત કર્યા હતા. ડીએસપી બન્યા બાદ નસીમ શાહે કાર્યક્રમના મંચ પરથી આ સન્માન માટે બલૂચિસ્તાન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
નસીમ શાહે ફોરમને જણાવ્યું હતું કે ‘નાનપણમાં હું પોલીસકર્મીઓથી ડરતો હતો, મારા માતા-પિતા પોલીસનું નામ લઈને મને ડરાવતા હતા, જો કે હું મોટો થયો તેમ. મને સમજાયું છે કે તેઓ આપણને સુરક્ષિત રાખવા માટે કેટલું બલિદાન આપે છે. નસીમ શાહે એક ટ્વિટ પણ કર્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘બલૂચિસ્તાન પોલીસમાં ગુડવિલ એમ્બેસેડર બનવું ગર્વની વાત છે.’
નસીમ શાહ પાકિસ્તાન ક્રિકેટ ટીમના સૌથી મજબૂત બોલરોમાંથી એક છે. તેણે ભારત સામે ટી20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું હતું. આ ફાસ્ટ બોલરે દરેક ફોર્મેટમાં પાકિસ્તાન માટે ડેબ્યુ કર્યું છે. તેણે ઘણી વખત શાનદાર બોલિંગ કરીને પાકિસ્તાનને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું છે. નસીમ શાહે નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારે નામના મેળવી છે. તેણે પાકિસ્તાન માટે 16 ટેસ્ટમાં 42 વિકેટ લીધી છે. નસીમ શાહે 5 વનડેમાં 18 અને 16 ટી-20માં 14 વિકેટ ઝડપી છે. નસીમ શાહે ટીમ ઈન્ડિયા સામે ડેબ્યુ કરતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્રશંસા મેળવી હતી.
નસીમે પોલીસના ડ્રેસમાં પોતાની તસ્વીરો પણ ટ્વિટર પર શેર કરી હતી, જેના પર પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર ઉમર ગુલે કમેન્ટ કરી હતી કે પોલીસ ડ્રેસમાં તું ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે.