RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે મુંબઈમાં 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાના RBIના નિર્ણય બાદ પ્રથમ વખત 1000 રૂપિયાની નોટ બાબતે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. આ ઉપરાંત તેમણે આજે દેશની સૌથી મોટી નોટને ચલણમાંથી બહાર કરવાના નિર્ણય પાછળના કારણો વિશે વિગતવાર માહિતી પણ આપી હતી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ શું 1000 રૂપિયાની નવી નોટ લાવવાની યોજના છે કે તો આ સવાલના જવાબમાં RBI ગવર્નરે જણાવ્યું હતું કે અત્યારે તો હાલમાં આવી કોઈ જ યોજના નથી.
8મી નવેમ્બર, 2016ના રોજ રાત્રે 8 વાગ્યે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટ બંધીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રૂ. 1000 અને તે સમયની રૂ. 500 ની નોટો બંધ કરવામાં આવી રહી છે. દેશમાં નોટબંધીનો આ નિર્ણય કાળા નાણાને રોકવાના હેતુથી લાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ત્યાર બાદ કેટલાય દિવસો સુધી બેંકોમાં 1000 અને 500 રૂપિયાની નોટો જમા કરાવવા અને જમા કરાવવા લોકોની ભારે ભીડના દ્રશ્યોવાળી યાદો આજે પણ દેશવાસીઓના મનમાં એકદમ તાજી છે.
મુંબઈમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે આ વખતે નોટ બદલાવવા માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આટલો સમય નોટો બદલવા માટે પૂરતો છે. આરબીઆઈ ગવર્નરે એમ પણ કહ્યું કે ભારતની કરન્સી મેનેજમેન્ટ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે 500 રૂપિયાની વધુ નોટ લાવવાનો નિર્ણય લોકોની માંગ પર નિર્ભર રહેશે. ઉલ્લેખનીય છે કે 19મી મે શુક્રવારના સાંજે, આરબીઆઈ દ્વારા નિર્ણય સામે આવ્યો હતો કે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવામાં આવી રહી છે. નાગરિકોએ હવે તેને બદલવા અને બેંકોમાં જમા કરવા માટે 30મી સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે.