Homeમેટિનીઆ તો ભાઈ ફિલ્લમમાં ફિલ્લમ! (ભાગ-૨)

આ તો ભાઈ ફિલ્લમમાં ફિલ્લમ! (ભાગ-૨)

એક ફિલ્મ પ્રકાર; અનેક વાર્તાઓ, એક ફિલ્મજગત; અનેક સંવેદનાઓ!

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

ફિલ્મ્સના જોનારાના વિષયમાં ઓછા ચર્ચાતા એક એવા પ્રકારની આપણે ગયા અઠવાડિયે વાત કરતા હતા કે જેની વાર્તા કે પાત્રોમાં કોઈને કોઈ રીતે ફિલ્મજગત આધારસ્તંભ હોય. ચર્ચા ઓછી, પણ આ જોનારામાં ફિલ્મ્સ તો છે જ ઘણી, પરંતુ તેની સાથે એક્શન, રોમાન્સ કે કોમેડી જેવા કોઈ બીજા જોનારાની ટેગ લાગેલી હોય એટલે ફિલ્મની અંદર ફિલ્મની વાતો હોય એવા પાસાની દરકાર ક્યારેક ઓછી લેવાતી હોય છે.
આપણે છેલ્લે જે ‘બોમ્બે ટોકીઝ’ (૨૦૧૩)ની વાત કરતા હતા એ તો આખી ફિલ્મ જ ભારતીય સિનેમાના ૧૦૦ વર્ષને ટ્રિબ્યુટ આપવા માટે ખાસ બનાવવામાં આવી હતી. ફિલ્મના ટાઈટલ સોન્ગ અપના ‘બોમ્બે ટોકીઝ’ માટે એકસાથે પંદરેક જેટલા ગાયકોએ પોતાનો અવાજ આપ્યો હતો. ફિલ્મના દરેક સેગ્મેન્ટમાં મજા પડે એમ હતી જ, પણ અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરેલા ‘મુરબ્બા’માં ફિલ્મ્સ અને ફિલ્મ સ્ટાર્સ સાથે જોડાયેલા એક અદૃશ્ય સંબંધની બહુ જ લાગણીભીની વાત હતી. ફિલ્મમાં પોતાના પિતાજીની તબિયત સુધરે એ માટે નાયક ઘરના બનાવેલા મુરબ્બાને લઈને અમિતાભ બચ્ચનને ખવડાવવા મુંબઈ જાય એ પ્રકારની હૃદયસ્પર્શી
વાર્તા છે.
‘મુરબ્બા’ જેવી ફિલ્મની અંદર ફિલ્મના આર્ટથી પડતા સામાજિક પ્રભાવની વાત છે તો સામે ફિલ્મના કોમર્સની વાત કરતી ફિલ્મ્સ પણ છે. મિલન લુથરિયા દિગ્દર્શિત ‘ધ ડર્ટી પિક્ચર’ (૨૦૧૧) એટલે પબ્લિક પસંદ કરતી હોય તેવા સ્ટાર્સ કે આઈટમ ગર્લની પ્રસિદ્ધિના હાડોહાડ કડવા સમીકરણોની વાત છે. ફિલ્મમાં દક્ષિણ ભારતીય ફિલ્મ્સમાં એક સમયે પોતાના ફક્ત એકાદ ગીતથી આખી ફિલ્મની સફળતાની ખાતરી કરાવતી ડાન્સર કમ એક્ટર સિલ્ક સ્મિતા (વિદ્યા બાલન) પરથી બનાવાયેલું પાત્ર કેન્દ્રસ્થાને છે. સિલ્કના ફિલ્મી દુનિયાના પ્રવેશથી લઈને પોતાની ઇમેજ અને ઈન્ડસ્ટ્રીના લોકો સામેની તેની ઈજજતનો ફિલ્મી ડ્રામા છે. વિદ્યા બાલને એક ખૂબ જ જટિલ પાત્રને પોતાની કારકિર્દીની આ સીમાચિહ્ન સમાન ફિલ્મમાં બખૂબી ઉજાગર કર્યું છે.
મેઈનસ્ટ્રીમ ફિલ્મ્સ સિવાય પણ ફિલ્મજગતની સંવેદનાઓને દેખાડતી ઘણી આર્ટહાઉસ પ્રકારની રિજનલ અને હિન્દી ફિલ્મ્સ આવી ચૂકી છે, જેનો તો ઉલ્લેખ પણ દુર્લભ હોય છે. ચાલો એવી અમુક ફિલ્મ્સની પણ આપણે વાત કરીએ. ૨૦૦૭માં આવેલી ‘ચિલ્ડ્રન ફિલ્મ ફોટો’માં સિનેમાના જાદુની વાત નસીરુદ્દીન શાહનું પાત્ર એક બાળકને સમજાવે છે. વીરેન્દ્ર સાહની દિગ્દર્શિત આ ફિલ્મમાં એક બાળક પોતાનું પેશન નાનપણથી જ ચીલાચાલુ વસ્તુઓની બદલે સિનેમામાં શોધે છે. ફિલ્મનું શીર્ષક ‘ફોટો’ કંઈ એમ જ નથી, પણ મુખ્ય બાળક પાત્રનું નામ જ ફિલ્મમાં કાવ્યાત્મક રીતે ફોટો રખાયું છે. મુખ્યધારાના દર્શકગણથી સાવ અજાણ એવી આ ફિલ્મને ૨૦૦૭માં નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ પણ મળી ચૂક્યો છે. આવી ફિલ્મ્સ હાર્ડકોર સિનેફાઇલ્સની નજરમાં રહીને ફિલ્મ ફેસ્ટિવલ્સ વગેરેમાં આંટાફેરો કરીને પોતાની નોંધ લેવડાવવામાં ઘણા અંશે સફળ રહેતી હોય છે. ૨૦૧૨ની એક દસ્તાવેજી (ડોક્યુમેન્ટ્રી) ફિલ્મ ‘સેલ્યુલોઈડ મેન’ પણ સિટીમાર ફિલ્મ નથી પણ સિટીમાર ફિલ્મ્સની ફોર્મ્યુલા અને સિનેમાના હૃદયને ધબકતું રાખનારા પરિબળોની વાત કરે છે. ભારતીય સિનેમાના સંરક્ષક એવા નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયાના સ્થાપક પી. કે. નાયરે કઈ રીતે સિનેમાના હેરીટેજને સાચવ્યું તેની માહિતીપ્રદ વિગતો આ ફિલ્મમાં છે. ગુલઝાર, દિલીપ કુમાર, નસીરુદ્દીન શાહ, કમલ હસન, શ્યામ બેનેગલ, મૃણલ સેન જેવા દિગ્ગજો પરના પી. કે. નાયરનો પ્રભાવ મજેદાર ઇન્ટરવ્યૂઝમાં જોવા મળે છે. બેસ્ટ બાયોગ્રાફિકલ અને બેસ્ટ નોન-ફીચર ફિલ્મ એડિટિંગ માટે ‘સેલ્યુલોઇડ મેન’ને નેશનલ એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. ફીચર ફિલ્મ્સને એક ઊંચાઈ આપીને જીવાડતી નોન-ફીચર ફિલ્મ્સની કે તેના પેશનની વાત કરતા ઘણા આવા રિયલ લાઈફ કિરદારોવાળી એક દુનિયા છે એ આ ફિલ્મમાં ચળકતું દેખાય છે.
‘સેલ્યુલોઇડ મેન’ના પછીના જ વર્ષે એટલે કે ૨૦૧૩માં આવેલી મલયાલમ ફિલ્મ ‘સેલ્યુલોઇડ’નો પણ અહીં ખાસ ઉલ્લેખ કરવો પડે. સેલ્યુલોઇડ’ એટલે મલયાલમ ફિલ્મ્સના પિતામહ ગણાતા જે. સી. ડેનિયલને ટ્રિબ્યુટ આપતી બાયોગ્રાફિકલ ફિલ્મ. મલયાલમ સિનેમામાં ઘણા આર્ટહાઉસ જેમ્સ છુપાયેલા છે. ૨૦૧૫માં આવેલી ‘મોન્સૂન મેન્ગોઝ’ પણ આંખમાં કેમેરાથી કરામતના સપના આંજેલા એક ફિલ્મી પેશનધારીની વાર્તા છે. ફિલ્મના નાયકને દિગ્દર્શક બનવું છે અને એ પોતાના સ્વપ્નને પૂરું કરવાના પ્રયાસમાં તે કઈ રીતે નિષ્ફ્ળ નીવડે છે અને કેવા ફેરફારો કરતો રહે છે તેની સ્પર્શી જતી કહાની છે.
રિજનલ સિનેમાના ફલકની વાત અને એમાં પણ ફિલ્મ્સ પર ફિલ્મ્સની વાત હોય ને ૨૦૦૯ની સુપર્બ મરાઠી ફિલ્મ ‘હરિશ્ર્ચંદ્રાચી ફેક્ટરી’ને યાદ ન કરીએ એ કેમ બને? દિગ્દર્શક પરેશ મોકાશીની આ ફિલ્મ એટલે ભારતીય સિનેમાના પિતામહ અને પાયોનિયર દાદાસાહેબ ફાળકેની ૧૯૧૩માં ભારતની પહેલી ફીચર ફિલ્મ ‘રાજા હરિશ્ર્ચંદ્ર’ બનાવવાની જહેમતની ફોટોકોપી. ફિલ્મ એટલી તો દમદાર છે કે તેને રિલીઝ ટાણે પ્રશંસાઓ તો મળી જ પણ સાથે એવોર્ડ્સની પણ વણઝાર લાગેલી. દાદાસાહેબે કરેલી મહેનતને રજૂ કરતું દિગ્દર્શકનું દિલથી કરાયેલું નકશીકામ ફિલ્મમાં નજરે ચડે છે. દાદાસાહેબે જે રીતે ૧૯૧૩માં ફિલ્મમાં શ્રીકૃષ્ણને બતાવવા પેશનનું પાણી કરેલું એ જ ભાવ ‘હરિશ્ર્ચંદ્રાચી ફેક્ટરી’માં પણ ઊતર્યો હશે, જેથી લોકોને આ ફિલ્મ અતિશય ગમી ગઈ. અરે! ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ઓસ્કર્સ એવોર્ડ્સમાં પણ બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં આ ફિલ્મને મોકલવામાં આવેલી. આ પ્રકારની ફિલ્મ્સમાં ભારેખમ નામોની ચર્ચા કરી એનો મતલબ એમ નહીં કે મનોરંજક ફિલ્મજગતની વાતો કરતી ફિલ્મ્સ બહુ ગંભીર જ હોય. મસાલા ફિલ્મ્સની જેમ અહીં પણ ફ્લેવર ને અલગ ઇમોશન્સની યાદીઓ પડી જ છે. ફિલ્મ્સ પરની એક સુપર્બ કોમેડી પ્લસ સટાયરિકલ ફિલ્મ એટલે ફિલ્મીસ્તાન’ (૨૦૧૨). ફિલ્મમાં એક ભારતીય યુવાનનું અપહરણ થાય છે અને તેમાં થાય છે મોટો ગોટાળો. કેમ કે પાકિસ્તાની આતંકવાદીઓએ અપહરણ કરવામાં કરી નાખી હોય છે ભૂલ. આ ગોટાળામાંથી વિકસે છે એક કોમન પ્રેમના કારણે એક ભારતીય અને એક પાકિસ્તાની યુવાન વચ્ચે એક સંબંધ. ના એ કોમન પ્રેમ એટલે કોઈ યુવતી નહીં, પણ કોણ ખબર? આપણું બોલીવૂડ! ફિલ્મીસ્તાન’ સિનેમાના અનેક રેફરન્સીસ સાથે બે દેશો વચ્ચેના વેરમાં સિનેમાને યાદ કરીને કોમેડી અને કટાક્ષ બંને ધારદાર રીતે પેશ કરે છે.
પણ આ જ બોલીવૂડના ગ્લેમરમાં એક ખતરનાક ડાર્ક સાઈડ પણ છે જે અનેક ફિલ્મ્સ થકી અવારનવાર દર્શકો સામે આવતી રહે છે. રામ ગોપાલ વર્માની ‘સત્યા’ (૧૯૯૮) અને ‘કંપની’ (૨૦૦૨) હોય કે કૈઝાદ ગુસ્તાદની ‘બોમ્બે બોય્ઝ’ (૧૯૯૮), બોલીવૂડ-અંડરવર્લ્ડ કનેક્શન એમાં સપાટીએ ચડે છે. એ જ રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેક માટે રહેલા સફળતાના કપરા ચઢાણોની અંદર રહેલા અંધકારને વાગોળતી ફિલ્મ્સની યાદીમાં સુધીર મિશ્રાની ‘ખોયા ખોયા ચાંદ’ (૨૦૦૭), મધુર ભંડારકરની ‘ફેશન’ (૨૦૦૮), ‘પેજ ૩’ (૨૦૦૫), ‘હિરોઈન’ (૨૦૧૨), વગેરે જેવી ફિલ્મ્સ બની ચૂકી છે. આ સિવાય પણ રિજનલ, આર્ટ હાઉસ, દસ્તાવેજી, મેઇનસ્ટ્રીમ કે કોઈ પણ રીતે ફિલ્મજગતને વણી લેતી અનેક (વિગતે વાત ફરી ક્યારેક) યાદ કરવા લાયક ફિલ્મ્સની યાદી આ રહી- ‘સુપરમેન ઓફ માલેગાંવ’ (૨૦૦૮), ‘બાયોસ્કોપવાલા’ (૨૦૧૮), ‘લૂસિયા’ (૨૦૧૩), ‘ઈરુવર’ (૧૯૯૭), ‘ભૂમિકા’ (૧૯૭૭), ‘ઓટોગ્રાફ’ (૨૦૧૦), ‘ધ સિનેમા ટ્રાવેલર્સ’ (૨૦૧૬), ‘ધ શોલે ગર્લ’ (૨૦૧૯) વગેરે!
——
લાસ્ટ શોટ:
ગુરુ દત્તની ‘કાગઝ કે ફૂલ’ (૧૯૫૯) એટલે ફિલ્મમાં ફિલ્મ જોનારાની એક કલ્ટ ક્લાસિક ફિલ્મ, જેને ટ્રિબ્યુટ આપતી આર. બાલ્કી દિગ્દર્શિત સંયોગવશાત આ જ જોનરાની ફિલ્મ ‘ચૂપ’ ગયા મહિને રિલીઝ થઈ!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -