હાલમાં ગૃહિણીઓ નવા વર્ષના મસાલા ભરવાની પરોજણમાં લાગી ગઈ છે. દરેક વસ્તુના વધી ગયેલા ભાવ તેમને મુંઝવી રહ્યા છે ત્યારે તેમના વઘારમાં વપરાતા જીરાએ તો ઈતિહાસ સર્જ્યો છે. હાલમાં જીરાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 50,000 થયો છે. જે ઈતિહાસમાં પહેલીવાર થયાનું માનવામા આવે છે. સ્વાભાવિક છે કે જથ્થાબંધ બજારમાં થતો ભાવ વધારો છૂટક બજારમાં આવશે અને ગ્રાહકોએ જ બોજ સહન કરવો પડશે.
જીરાની માગ માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં ખૂબ જ છે. ભારત વિશ્વનું સૌથી વધારે જીરું ઉત્પાદન કરતું કેન્દ્ર છે અને તેમાં પણ ગુજરાત અને રાજસ્થાન અગ્રેસર છે. કમોસમી વરસાદ સહિતના કારણોને લીધે જીરાનો પાક પ્રભાવિત થતા કિંમતમાં વધારો જોવા મળે છે. ગુજરાતની ઉંઝા મંડીમાં પણ જીરાનો ભાવ રૂ. 45 હજાર બોલાઈ રહી છે.
રાજસ્થાનના નાગૌર જિલ્લાના મેડતાની મંડીમાં જીરાનો બાવ 50,000 પહોંચતા સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા હતા.
નિષ્ણાતોનું માનવાનું છે કે પાછલા ત્રણ-ચાર વર્ષથી જીરાના ભાવમાં ખૂબ જ તેજી આવી છે. વર્ષ 2012-2023માં ક્વિન્ટલનો ભાવ રૂ. 12-13 હજાર હતો જે 2018 સુધીમાં થોડો ઓછો-વધારે થયો, પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષમાં વિશ્વમાં જીરુંની માગ ખૂબ જ વધતા અને પ્રમાણમાં ઉોત્પાદન ઓછું હોવાથી ભાવ એકદમ વધી ગયો છે. ગયા વર્ષે જીરાનો ભાવ રૂ.37,000 આસપાસ હતો.
જીરાના પાકમાં પણ એ જ સમસ્યા નડતી હતી. જીરું ખેડૂતો પાસેથી ઓછા ભાવમાં ખરીદવામાં આવતું હતું અને વેપારીઓ તગડી કિંમત મેળવતા હતા. જે ભાવવધારો છે કે ખડૂતો સુધી પહોંચતો ન હતો. પાછલા ત્રણ-ચાર વર્ષમાં આ અંતર ઘણું ઘટાડવામાં આવ્યું છે. આ સાથે જીરાની ખેતીને વધારવા અને તેની ગુણવત્તાને વધારવા પ્રયત્નો થયા છે. રાજસ્થાનમાં ઓર્ગેનિક જીરાની 20,000 ટનની ખરીદી મોટી મસાલા કંપની કરી રહી છે. ગુણવત્તામાં સુધારો અને કંપની અને ખેડૂતો વચ્ચે ઘટતા અંતરને લીધે સારા જીરુંના ઉત્પાદન અને ભાવમાં તેજી નોંધાઈ રહી છે.
જીરું એક સંવેદનશીલ પાક માનવામાં આવે છે તેને છુઈમુઈ પાક પણ કહે છે. વાતાવરણમાં સામાન્ય ફરેફાર પણ જીરાના પાકને અસર કરે છે. રાજસ્થાનમાં ગરમી વધારે હોવાથી લોકો સરસોની ખેતી તરફ વળ્યા હતા. ફેબ્રુઆરીમાં ગરમી વધી અને માર્ચમાં વરસાદ અને કરા પડ્યા. આથી વાતાવરણમાં ફેરફારને લીધે જીરાનો પાક ઓછો થયો. માલ ઓછો આવે એટલે સ્વાભાવિક છે મોંઘો થશે, તેમ નિષ્ણાતોનું કહેવાનું છે. તુર્કીયેમાં પણ જીરું ઉગે છે, પરંતુ ત્યા પણ હવામાન અનુકૂળ રહ્યું નથી. જીરાના ભાવનો આ ઉછાળ અમુક સમય સુધી રહેશે, તેમ નિષ્ણાતોનું કહેવાનું છે.