Homeઆપણું ગુજરાતસલામઃ આ એસટી ડ્રાઈવરે 27 વર્ષની નોકરીમાં નથી કર્યો એકેય અકસ્માત કે...

સલામઃ આ એસટી ડ્રાઈવરે 27 વર્ષની નોકરીમાં નથી કર્યો એકેય અકસ્માત કે નથી લીધી રજા

સરકારી ખાતું રેઢિયાળ જ હોય છે તેવી એક માન્યતા ઘર કરી ગઈ છે અને આથી અહીં નિષ્ઠાવાન કર્મચારીઓ-અધિકારી નથી હોતા તેમ આપણે માનીએ છીએ. અમુક અનુભવો કડવા થતા હશે, પરંતુ આટલી મોટી લોકશાહી વ્યવસ્થાને સેવાઓ પૂરી કરવાનું ઘણું કઠિન કામ આપણા સરકારી બાબુઓ કરતા હોય છે. આવા જ એક સરકારી કર્મચારીનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થવાનું છે.
આ કર્મચારી છે ગુજરાત પરિવહન નિગમના ડ્રાઈવર પીરુ મીર. જેમણે 27 વર્ષમાં એક પણ અક્સમાત કર્યો નથી અને રજા પણ લીધી નથી. ખેરાલુંના ગુજરાત સરકારના એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરુ મીરની ફરજનિષ્ઠાએ સૌને ગદગદીત કર્યા છે. મૂળ વડનગરના વતની અને હાલ મહેસાણાના ખેરાલુ તાલુકામાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પીરુ મીરને એવોર્ડ મળવા જઈ રહ્યો છે.
પીરુભાઈ મીરની ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે પસંદગી થઈ છે. 18મી એપ્રિલે દિલ્હી ખાતે યોજાનાર સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે તેમનું સન્માન કરવામાં આવશે. મૂળ વડનગરના અને હાલ સતલાસણાના વાવ ખાતે રહેતા પીરુભાઈ છોટુભાઈ મીર અગાઉ અંકલેશ્વર, અંબાજી અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની 27 વર્ષની નોકરી દરમિયાન ક્યારેય રજા લીધી નથી. પ્રામાણિકતા, મુસાફરોની સલામતી તેમજ સુમેળભર્યો વ્યવહાર, ઓવરટાઈમ, વફાદારીપૂર્વક નોકરી, કોઈ અકસ્માતનો બનાવ નહીં. તેમની વિશેષતા રહી.
એસટી બસ ડ્રાઈવરની નોકરી ખૂબ કઠિન હોય છે. તમામ ઋતુઓમાં બસ ચલાવવાની રહે છે. ગુજરાતના વિસ્તારોમાં પડતી ધોમધખતી ગરમી કે શિયાળાની કડકડતી ઠંડી કે પછી ચોમાસામાં અઘરા બનતા રસ્તાઓ. આ સાથે ઓછા કર્મચારીઓ હોવાથી ઓવરટાઈમ. વાર-તહેવારે પણ પરિવારથી દૂર રહેવું અને લોકોને તેમના પરિવાર કે સ્વજનો સુધી પહોંચાડવાનું કામ આ સરાકરી ડ્રાઈવરો મર્યાદિત પગારમાં કરતા હોય છે. જોકે જેમને કામ કરવું હોય તેમને સમસ્યાઓ નડતી નથી. પીરુ મીર એ તમામ માટે ઉદાહરણ પૂરું પાડે છે જેઓ સિસ્ટમ કે અન્ય કારણોને સામે ધરી ફરજ અદા કરવાથી ભાગતા ફરે છે. ખાનગી કે સરકારી ક્ષેત્રોમાં સમાન્ય કર્માચારી મુશ્કેલીઓ તો અનુભવતા જ હોય છે, પરંતુ આપણે જે જનતાને સેવા આપીએ છીએ તેમાં કચાશ ન રહેવી જોઈએ તેવી ભાવના સાથે સૌ કામ કરે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -