સુખ-સૌભાગ્ય અને સફળતા એવા ત્રણ શબ્દો છે કે માણસ આખી જિંદગી એની માટે ખર્ચી નાખે છે અને તેમ છતાં ઘણી વખત આ ત્રણેમાંથી એક પણ વસ્તુને પામી શકતો નથી. આ ત્રણેય વસ્તુ સાથે જોડાયેલું છે નસીબ. વ્યક્તિના સારા નસીબ સાથે જોડાયેલા આ શબ્દો મેળવવા માટે દરેક વ્યક્તિ સખત મહેનત કરે છે અને સખત પ્રયાસ કરે છે, તો પણ એમને આ સૌભાગ્ય સરળતાથી નથી મળતું તો કેટલાક લોકોને બગાસુ ખાતા પતાસુ મોઢામાં આવે એમ આ સૌભાગ્ય સરળતાથી મળી જાય છે. આજે આપણે અહીં વાત કરીશું કે એવા પાંચ શુભ સંકેતોની કે જેના પરથી તમે જાણી શકશો કે તમારા જીવનમાં આ સૌભાગ્યની એન્ટ્રી થવાની છે…
ફૂલનું પડવું…
હિંદુ માન્યતા અનુસાર, જ્યારે તમે કોઈ દેવી-દેવતાની પૂજા કરો છો ત્યારે દુર્ભાગ્યનું પ્રસ્થાન થાય છે અને જીવનમાં સૌભાગ્યનું આગમનનું થાય છે. એવી માન્યતા છે કે જો કોઈ દેવતાને ચઢાવેલું ફૂલ તેની પૂજા કરતી વખતે તમારી સામે આકસ્મિક રીતે પડી જાય તો તમારે આ ઘટનાને ઈશ્વરીય કૃપા માનીને તમારા જીવનમાં સૌભાગ્ય આવી રહ્યું છે એવો સંકેત માનવો જોઈએ.
હથેળીમાં ખંજવાળ આવે…
આ ઉપરાંત જો કોઈ વ્યક્તિની હથેળીમાં ખંજવાળ આવવા લાગે છે તો જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના એવો સંકેત માનવામાં આવે છે. જોકે, પુરુષો અને સ્ત્રીઓ માટે આ નિશાની અલગ અલગ છે. પુરુષોના જમણા હાથ અને સ્ત્રીઓના ડાબા હાથમાં ખંજવાળે આવે એ શુભ માનવામાં આવે છે.
સાફ-સફાઈ કરતાં વ્યક્તિનું સામે મળવું
જીવનમાં આવનારા શુભ સંકેતો તમે ઘરની અંદર જ નહીં પરંતુ ઘરની બહાર આવતા-જતા પણ મળી શકે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ કોઈ મહત્વપૂર્ણ કામ કરવા માટે ઘરની બહાર નીકળે છે અને કોઈ વ્યક્તિ અથવા કોઈ સફાઈ કામદારને રસ્તો સાફ કરતા જુએ છે, તો તે સફળતા અને લાભ સૂચવે છે.
બિલાડીનું ઘરમાં બચ્ચાને જન્મ આપવું
એક માન્યતા અનુસાર બિલાડીનું રડવું એ અત્યંત અશુભ માનવામાં આવે છે તો એ જ બિલાડી દ્વારા ઘરમાં બાળકને જન્મ આપવો શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે છે, ટૂંક સમયમાં જ એ ઘરમાં દેવી લક્ષ્મી તે ઘર પર કૃપા કરે છે અને તે ઘર ધન-ધાન્યથી ભરેલું રહે છે.
હાથીનું સામે મળવું
હિંદુ ધર્મની ધાર્મિક માન્યતા અનુસાર હાથીને ભગવાન ગણેશના પ્રતીક તરીકે જોવામાં આવે છે અને એને શુભ અને ધનલાભના દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને રસ્તામાં તમને હાથી દેખાય તો તેને શુભ સંકેત છે. જ્યારે તમે મંદિર પરિસરમાં હાથીને જુઓ છો ત્યારે તો એ વધારે શુભ માનવામાં આવે છે. હાથી સાથે જોડાયેલ આ નિશાની કોઈપણ કાર્યની સફળતાનો સંકેત માનવામાં આવે છે.