મુંબઇઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ‘થલાઈવા’ રજનીકાંત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘લાલ સલામ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સુપરસ્ટારની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત કરી રહી છે. ફિલ્મમાં રજનીકાંતનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે.
રજનીકાંતે હાલમાં જ પોતાના ટ્વિટર હેન્ડલ પર ક્રિકેટ લેજેન્ડ કપિલ દેવ સાથેની એક તસવીર શેર કરી હતી. કપિલ દેવે રજનીકાંતની આગામી ફિલ્મ ‘લાલ સલામ’ના સેટની મુલાકાત લીધી હતી. રજનીકાંતની આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ પણ સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ જાણકારી રજનીકાંત પોતે ટ્વિટ કરીને આપી છે.
કપિલ દેવ સાથેની તસવીર શેર કરતા રજનીકાંતે લખ્યું હતું કે, ‘મહાન, સૌથી આદરણીય અને અદભૂત માણસ કપિલદેવજી સાથે કામ કરવું મારા માટે સન્માનની વાત છે, જેમણે પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડકપ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.’
રજનીકાંતની આ પોસ્ટ બાદ ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં કપિલ દેવ કેમિયો કરવાના છે. ચાહકો માટે બે દિગ્ગજોને એકસાથે સ્ક્રીન શેર કરતા જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે.
નોંધનીય છે કે ફિલ્મ ‘લાલ સલામ’ની રિલીઝની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ શકે છે. ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત વિષ્ણુ વિશાલ અને વિક્રાંત લીડ રોલમાં છે. આ ફિલ્મમાં એઆર રહેમાન સંગીત આપવાના છે.