મુંબઈ: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી માટે આજનો દિવસ અપશુકનિયાળ નિવડ્યો છે, કારણ કે આજે સવારે તેમની માતા ગીતા દેવીનું નિધન થયું હતું. ૮૦ વર્ષીય ગીતા દેવી છેલ્લાં કેટલાક દિવસથી બીમાર હતા અને અને દિલ્હીની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. માતાના નિધનથી મનોજ અને તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
સોશિયલ મીડિયા પર મનોજ બાજપેયને અવિરતપણે સાંત્વના આપતા ટ્વીટ્સ અને શોક સંદેશાઓ ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો દ્વારા પાઠવવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે જ તેમના પિતાનું નિધન થયું હતું અને આ વર્ષે તેમના માથા પરથી માતાનો મમતામયી હાથ પણ ઊઠી ગયો છે. મનોજ બાજપેયીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેઓ ટુંક સમયમાં જ ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’માં કામ કરતાં જોવા મળશે. ફિલ્મમાં રહેલો મનોજનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લોકોએ તેને ખૂબ જ પસંદ કયો હતો.