ફોકસ -નિધિ ભટ્ટ
આપણા દેશમાં ફિલ્મના કલાકારોને અભૂતપૂર્વ પ્રેમ અને પોતીકાપણું મળે છે. તેમાં પણ જ્યારથી ટેલિવિઝને ઘરે ઘરે કબજો જમાવ્યો છે ત્યારેથી તેમનાં પાત્રો લોકો માટે પોતીકાં બની ગયાં છે, પણ ઘણા કલાકારો એકાદ-બે સારા પ્રોજેક્ટ પછી અચાનક એવા ગુમ થઈ જાય, જાણે ક્યારેય હતા જ નહીં. લાઇમલાઇટમાં રહેવું બધાને ગમતું હોય છે, પણ જ્યારે એ અચાનક ભૂતકાળ બની જાય ત્યારે ઘણી વાર તેને પચાવવું મુશ્કેલ બની જાય છે.
ઘણી અભિનેત્રીઓ એવી છે જે એક જમાનામાં બધાની પ્રિય હતી અને ટોપની અભિનેત્રીઓ ગણાતી હતી, પણ હવે તેઓ નાના પરદેથી ગાયબ છે, કોઈ સિરિયલમાં દેખાતી નથી. જોકે આ અભિનેત્રીઓ સોશિયલ મીડિયામાં એકદમ એક્ટિવ છે અને પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. ચાલો, જાણીએ આવી પ્રસિદ્ધ અભિનેત્રીઓને જેમની પોપ્યુલારિટી સોશિયલ મીડિયા સુધી સીમિત રહી
ગઈ છે.
——–
પ્રાચી દેસાઈ
પ્રાચી દેસાઈ પોતાના સમયમાં ટીવી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ રહી ચૂકી છે. પોતાની સુંદરતાથી લાખો લોકોનાં દિલ જીતનાર પ્રાચીએ ટીવીમાં કામ કર્યા બાદ બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહી હતી. ટીવી સિરિયલ ‘કસમ સે’થી તેને ઘર ઘરમાં ઓળખ મળી. વર્ષ ૨૦૦૬માં ટીવી પર આવેલી આ સિરિયલ ઘણી લોકપ્રિય બની હતી. આમાં તે રામ કપૂરની સાથે જોવા મળી હતી. ‘કસમ સે’થી મળેલી પ્રસિદ્ધિ પછી તેણે બોલિવૂડની બસ પકડી. ઘણા મોટા સ્ટાર્સ અને મોટી ફિલ્મોમાં કામ કરવા છતાં આજે પ્રાચી દેસાઈ લાઇમલાઇટથી દૂર રહે છે. જોકે લોકોને હજુ પણ ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયા પર તેમની ઝલક જોવા મળે છે.
——
હિના ખાન
ઘણાં વર્ષોથી સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાને કોણ ભૂલી શકે. આ સિરિયલમાં પોતાની નિર્દોષતાથી હિનાએ દરેકનું દિલ એવી રીતે જીતી લીધું કે તે આજે પણ દરેકના મનમાં છે. આજે પણ હિના ખાન અક્ષરાના જ નામથી વધુ જાણીતી છે. આ પછી હિના ‘બિગ બોસ’થી લઈને ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ હાલમાં તે માત્ર સોશિયલ મીડિયા પર જ જોવા મળે છે.
——–
ચારુ અસોપા
‘મેરે અંગને મેં’ જેવી હિટ સિરિયલોમાં જોવા મળેલી ચારુ અસોપા હાલમાં ઘણા સમયથી સિરિયલોની દુનિયાથી દૂર છે, પરંતુ આ દિવસોમાં તે પોતાની અંગત જિંદગીને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. પતિ રાજીવ સેન પર ઘણા ગંભીર આરોપો લગાવનાર ચારુ તેને છૂટાછેડા આપવા જઈ રહી છે. આ બધા પછી પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના કારણે તે લાઇમલાઇટમાં પણ રહે છે.
——–
દિવ્યાંકા ત્રિપાઠી
દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની લોકપ્રિય અને સૌની પ્રિય પુત્રવધૂ છે. ‘બનું મૈં તેરી દુલ્હન’ અને ‘યે હૈ મોહબ્બતેં’ જેવી સુપરહિટ સિરિયલોમાં મુખ્ય પાત્ર ભજવનાર દિવ્યાંકાને કોઈ પરિચયની જરૂર નથી, પરંતુ હવે તે સોશિયલ મીડિયા દ્વારા જ સમાચારમાં રહેવાનો પ્રયાસ કરતી રહે છે. આ સમયે તે નાના પડદાની દુનિયાથી સંપૂર્ણપણે ગાયબ છે.
——
લતા સભરવાલ
લતા સભરવાલ પણ હિના ખાનની જેમ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં જોવા મળી હતી. તે હિના ખાનની માતાના પાત્રમાં હતી અને આ રોલ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ ભૂમિકાથી અભિનેત્રીને ઘરે ઘરે ઘણી લોકપ્રિયતા મળી, પરંતુ આજે લતા સભરવાલે પણ અભિનયની દુનિયામાંથી બ્રેક લીધો છે અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવી લીધું છે.