ઉદ્યોગપતિ રતન ટાટા એક એવું નામ છે કે જે ખાસ કોઈ પરિચયનું મોહતાજ નથી અને હવે આ ડાઉન ટુ અર્થ ઉદ્યોગપતિ રતન ટાટાના જીવન પર જો બાયોપિક બનશે તો એક અભિનેતાએ સ્ક્રીન પર આ ઉદ્યોગપતિનો રોલ કરવાની તૈયારી દર્શાવી છે. આવો જોઈએ કોણ છે આ એક્ટર-
રોકેટ બોયઝ સીઝન 1ની સફળતા બાદ રોકેટ બોયઝ સીઝન 2 પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ સિરીઝમાં એક્ટર જિમ સરભે વૈજ્ઞાનિક હોમી ભાભાની ભૂમિકા ભજવી છે. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં જિમે જણાવ્યું હતું કે જો તેને તક મળશે તો તે ચોક્કસપણે સ્ક્રીન પર રતન ટાટાની ભૂમિકા ભજવવા માંગશે. એટલું જ નહીં તેમણે આ દરમિયાન હોમી ભાભા સાથેના તેમના કનેક્શનનો એક રસપ્રદ કિસ્સો પણ શેર કર્યો હતો.
જીમ સરભે થોડાં વર્ષો પહેલા એક પ્રદર્શનમાંથી હોમી ભાભાનું ટેબલ ખરીદ્યું હતું અને એ અનુભવને યાદ કરતાં જીમે હસતાં હસતાં કહ્યું, “મને કલ્પના નહોતી કે તકદીર મને ફરી એકવાર મને હોમી ભાભા સાથે જોડશે અને હું તેમનું પાત્ર ઓન સ્ક્રીન ભજવી શકીશ. પરંતુ હવે, હોમી ભાભાની જેમ, મેં અન્ય લોકોની વસ્તુઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે, જેમનું પાત્ર હું ભજવવા માંગુ છું.”
કોઈ એવી પર્સનાલિટીનું નામ જણાવો કે જેનો રોલ તમે કરવા માગતા હોવ તો આ સવાલના જવાબમાં જિમે કહ્યું કે “હું રતન ટાટાનો રોલ કરવા માંગુ છું. આ રોલ કરવાનું કારણ માત્ર એ નથી કે અમારી વચ્ચે પારસી કનેક્શન છે. મને તેમની કામ કરવાની રીત, તેમનો કામ પ્રત્યેનો પ્રેમ, પ્રાણીઓ પ્રત્યેની તેની કરુણા, આ બધું મને ઈમ્પ્રેસ કરે છે, તેથી જ જો તક મળશે તો હું આ પાત્ર ચોક્કસ કરીશ.
હોમી ભાભા અને વિક્રમ સારાભાઈની પ્રેરણાદાયી સ્ટોરી વેબ સિરીઝ રોકેટ બોયઝમાં દર્શાવવામાં આવી છે. આ સિરીઝની સીઝન 2માં ભારતના ‘સ્માઈલિંગ બુદ્ધા’ એટલે કે દેશના પ્રથમ પરમાણુ પરીક્ષણના મિશન વિશે માહિતી આપવામાં આવી છે પણ હોમી ભાભા કે વિક્રમ સારાભાઈ સિરીઝની ત્રીજી સીઝનમાં જોવા મળશે નહીં, કારણ કે આ સિઝનમાં જ બંનેનું મૃત્યુ થઈ ગયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે.